STORYMIRROR

Heena Dave

Tragedy Inspirational

4  

Heena Dave

Tragedy Inspirational

મૌન ખળભળાટ

મૌન ખળભળાટ

2 mins
399

ધરતીના પેટાળનો એ મૌન ખળભળાટ હતો. શરૂઆતમાં તો બધું હાલવા લાગ્યું પણ પછી જાણે પત્તાના મહેલની માફક એક પછી એક મકાનો પડવા માંડ્યાં. ક્યાંક કશી ખબર પડે તે પહેલાં મૌન ચીસો જમીનમાં ધરબાઈ ગઈ. કુદરતે ભાગવાનો સમય પણ ન આપ્યો. એ કાળમુખો ધરતીકંપ તો જાણે આખી સૃષ્ટિ જ ખાઈ ગયો.

 મારી આંખ સામે મારું ત્રણ માળનું વૈભવી મકાન, મારા સ્વજનને લઈને માટીમાં મળી ગયું. ન હું રડી શક્યો, ન હસી શક્યો, ન બોલી શક્યો. મારી આંખ સામે માત્ર વિધ્વંસનું ચલચિત્ર ચાલતું હતું.

મહાભયંકર વિધ્વંસ હતો. સૂમસામ, અચેતન સૃષ્ટિ, મહેલોનું ખંડેરોમાં રૂપાંતર, હરિયાળી ભૂમિમાંથી મરુભૂમિનું સર્જન. ચારે તરફ હાહાકાર હતો. ચારે તરફ સૃષ્ટિનું વિસર્જન હતું. મારા ભોળા મહાદેવે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. મોતનું તાંડવનૃત્ય કરી સંહાર કરી રહ્યાં હતાં. અશ્રુ, રક્ત, શોક, આંસુ બધે ફેલાયેલા હતાં.

મારાં ઘરના ખંડેર સામે હું શૂન્યમનસ્ક પડી રહેતો. થોડા દિવસ થયાં. કાટમાળ ખસેડવાનું કામ, ઘાયલની સારવાર કરવાનું, મૃતદેહ બહાર કાઢવાનું કામ ચાલુ હતું.

આવી જ કોઈ ક્ષણોએ મારા ખંડેર થયેલા મકાન પાસે આવીને ઊભો હતો અને મેં કંઈક જોયું.

આંખમાં ચમક આવી ગઈ.

એક બારમાસીનો નાનો અમથો છોડ અને તેનું ખીલેલું સુંદર ફૂલ, પથ્થર ફાડી, ધરતીના પેટાળમાંથી બહાર આવી, પવનમાં ઝૂમી રહ્યો હતો.

જીવનની ઘટમાળ કહો કે જીવનનું વૃતાંત કહો. વિસર્જન પછી સર્જન. . પછી વિકાસ અને ફરી વિનાશ ! 

 મારા મહાકાળની આ લીલાને માણતો હું કૃતાર્થ થઈ ગયો. એક અદ્રશ્ય, અલૌકિક અનુભવ મહાકાલનાં ચરણોમાં પડી હું માણી રહ્યો તેવું લાગ્યું.

ધીરેધીરે મારાં મનનો મૌન ખળભળાટ ચિરશાંતિમાં પરિવર્તિત થવા લાગ્યો. પ્રકૃતિએ વિસર્જન સામે પડકાર ઝીલી ફરી નવસર્જનનું કાર્ય આરંભ કરી દીધું. ક્યાંક કિલ્લોલ કરતાં પક્ષીઓમાં કલરવ બની, ક્યાંક મરુભૂમિમાં મીઠાં પાણીનું ઝરણું બની, નાના બાળકોનું મીઠું, નિર્દોષ હાસ્ય બની, પ્રકૃતિએ ચારેકોર ચેતના પ્રગટાવવા માંડી.

હું પણ હોંશભેર કૂદી પડ્યો. . નવસર્જન પ્રક્રિયામાં.

આખરે હું પણ તો પ્રકૃતિનો અંશ જ ને !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy