માતૃત્વ
માતૃત્વ
આપણે અત્યાર સુધીમાં ઘણાં સુપરહીરો વિશે વાંચતા આવ્યાં છીએ, પરંતુ મિત્રો વાસ્તવિકતા એ જ છે કે આપણી દુનિયા કે વિશ્વમાં સુપરહીરો જેવું કંઈ અસ્તિત્વ ધરાવતા જ નથી, પણ હા આપણાં સમાજમાં રહેલ અમૂક વ્યક્તિઓ એવું મહાન કાર્ય કરી જાય છે કે તેને આપણે સાચા અર્થમાં સુપર હીરો ગણી શકીએ છીએ. કોરોનાં કાળમાં આપણને આ વાસ્તવિકતાનો ખુબ જ સારી રીતે ખ્યાલ આવી ગયો છે, આપણાં સમાજનાં ડોકટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, અને તમામ પોલીસ કર્મચારીઓ સાચા અર્થમાં આપણાં માટે સુપર હીરો પૂરવાર થયેલાં છે. જેઓએ કોઈપણ અંગત સ્વાર્થ વગર જ આપણાં પરિવારજનોને આપણી ગેરહાજરીમાં સંભાળ લઈને પ્રેમ અને હૂંફ દ્વારા સારવાર આપી ઘર જેવું જ વાતાવરણ પૂરું પાડવા માટે અથાગ મહેનત અને પ્રયત્નો કરેલાં છે, જેમાં કોઈ બેમત નથી આમ આપણી આસપાસ રહેલાં આ તમામ કોરોનાં વોરીયર્સ જ આપણાં માટે સાચા અર્થમાં "સુપરહીરો" જ છે.
સમય : રાતનાં 2:30 વાગે.
સ્થળ: કોવિડ હોસ્પિટલ - રાજકોટ.
કોવિડ હોસ્પિટલનાં સસ્પેકટેડ વોર્ડમાંથી ત્રીજા માળ ખાતે આવેલાં કોવિડ પોઝીટીવ વોર્ડમાં રમાબેન નામની એક સગર્ભા માતાને આજ રોજ સાંજે પાંચ વાગ્યે તેમનો આર.ટી. પી.સી.આર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોવાથી શિફ્ટ કરવામાં આવેલ હતાં. રમાબેનને ખૂબ જ સાવચેતીથી સારવાર આપવાં માટે હોસ્પિટલનાં હાયર ઓથોરિટી તરફથી કડક સૂચના આપવામા આવેલ હતી. જેનું એકમાત્ર કારણ એ હતું કે રમાબેન ઉદરમાં એક નાનો જીવ કે જેને આ દુનિયા જ જોવાની બાકી હતી, તે ઉછેરી રહ્યું હતું.
બરાબર રાતનાં 2: 30 વાગ્યાની આસપાસ આ રમાબેનને એકાએક અચાનક પ્રસુતિપીડા ઉપડી, આથી ત્યાં હાજર રહેલ સ્ટાફ આ રમાબેનને તાત્કાલીક તે જ ફ્લોર પર આવેલાં લેબરરૂમ ખાતે શિફ્ટ કરવામાં આવે છે. આ બાબતની જાણ રમાબેનનાં પરિવારજનોને ટેલીફોન મારફતે કરવામાં આવે છે, લગભગ પોણી કલાક બાદ મેડિકલ ટીમની સખત મહેનત અંતે રંગ લાવે છે, અને અંતે નાના ફૂલ જેવાં ત્રણ કિલોનાં બાળકનો જન્મ થાય છે, આ જોઈ મેડિકલ ટીમનાં તમામ સભ્યોનાં ચહેરા પર એક અનેરું સ્મિત છવાય જાય છે, પરંતુ તેઓનું આ સ્મિત પી.પી.ઈ કિટમાં જ સમાય જાય છે.
ત્યારબાદ નવજાત શિશુને તે જ હોસ્પિટલમાં આવેલ નવજાત શિશુનાં વોર્ડમાં ઓબઝર્વેશન માટે રાખવામાં આવે છે. જ્યારે આ બાજુ ડિલિવરી બાદ રમાબેનને અગાવ જે વોર્ડમાં દાખલ હતાં ત્યાં ફરીથી શિફ્ટ કરવામાં આવે છે.
એકાદ કલાક બાદ
નર્સ કિંજલ વોર્ડમાં રાઉન્ડ લઈ રહી હતી, રાઉન્ડ દરમ્યાન કિંજલને માલુમ પડે છે કે છે રમાબેનનાં ચેહરા પર માયુસી અને ઉદાસીનાં આવરણો છવાયેલાં હતાં, તેની આંખોમાંથી દુઃખને લીધે આંસુઓ વહી રહ્યાં હતાં, જે તેનાં ગાલ પર થઈને તેનાં ખોળામાં રહેલ ચાદર પર પડી રહ્યાં હતાં, આ જોઈ કિંજલની માનવતા જાગી ઊઠી. આથી કિંજલ તરત જ રમાબેન પાસે જાય છે. અને ખૂબ જ પ્રેમપુર્વક નમ્રતાં સાથે પૂછે છે.
"રમાબેન ! તમે શાં માટે રડી રહ્યાં છો ?" અચરજભર્યા અવાજે કિંજલ રમાબેનને પૂછે છે.
"કંઈ જ નહીં…!" પોતાનાં ચહેરા પર રહેલાં આંસુઓ સાડીના પલ્લું વડે લૂછતાં લૂછતાં નર્સ કિંજલને જણાવે છે.
"રમાબેન તમને કંઈ તો તકલીફ કે દુઃખ તો હશે જ તે...એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. શું તમને ડિલિવરીને લીધે કોઈ દુઃખાવો થઈ રહ્યો છે ? શું તમે તમારા બાળક સાથે નહીં રહી શકવાને લીધે દુઃખી છો ? તમને જે કાંઈ તકલીફ હોય તે મને તમારી બહેન સમજી જણાવી શકો છો. હું મારાથી બનતી તમામ મદદ તમને કરીશ.!" કિંજલ રમાબેનને સાંત્વના આપતાં પૂછે છે.
આમ કિંજલ દ્વારા પોતાનાં જ કોઈ અંગત સ્વજન જેવી સાંત્વના મળવાને લીધે રમાબેનનું હૃદય પીગળી ગયું.
"સિસ્ટર ! મારા સંતાનને મારું ઘાવણ આપવું પડશે ને..?" મુંઝાયેલા આવજે રમાબેન કિંજલની સામે જોઇને પૂછે છે.
"હા ! ચોક્કસ…!" રમાબેનની વાત સાથે સહમત થતાં થતાં કિંજલ બોલે છે.
"પણ...પણ…!" રમાબેન થોડું ખચકાતા કિંજલની સામે જોઇને બોલે છે.
"પણ..પણ...શું રમાબેન તમે મને બેજિજક જણાવી શકો છો." કિંજલ રમાબેનનાં ખભે હાથ મૂકતાં બોલે છે.
"પણ...સિસ્ટર મારે હજુ ધાવણ નથી આવતું...તું મારા સંતાનને કેવી રીતે દૂધ પીવડાવીશ ?" પોતાની મુંઝવણ કિંજલને જણાવતાં રમાબેન બોલે છે.
"તમે ! જરાય ચિંતા ના કરો… તમારે ઘાવણ ચોક્કસ આવશે જે, અને એમાંય જો તમે આવી રીતે ચિંતાઓ કરશો તો તમને ધાવણ અવવામાં વધુ વાર લાગશે." કિંજલ રમાબેનની સામે જોઇને જણાવતાં બોલે છે.
"પણ...અત્યારે મારા દીકરાને દૂધની જરૂર છે તો તે કેવી રીતે આપશો..?" ચિંતાતુર સ્વરે રમાબેન કિંજલને પૂછે છે.
"તમે એ બાબતની જરાય ચિંતા ના કરો...તમારા બાળકને દૂધ પીવડાવવા માટે અમારી હોસ્પિટલમાં વ્યસ્થા છે, છતાંય હું તમને જાણી આપું છું કે તમારા બાળકને દૂધ પીવડાવ્યું કે નહીં એ બસ...બાકી તમે ચિંતા ના કરશો.!" નર્સિંગ સ્ટેશન તરફ આગળ વધતાં કિંજલ રમાબેનને જણાવે છે.
ત્યારબાદ કિંજલ નર્સિંગ સ્ટેશનમાં જાય છે, અને ત્યાં રહેલ ઇન્ટરકોમમાંથી નવજાત બાળકોનાં વિભાગમાં રહેલ અન્ય નર્સિંગ સ્ટાફ ફોન કરીને રમાબેનનાં બાળકની તબિયત વિશે પૂછે છે. તેમની સાથે વાત કરીને કિંજલ ફરી પાછી રમાબેન પાસે આવે છે.
"રમાબેન ! તમે જરાપણ ચિંતા ના કરશો. તમારા બાળકની તબિયત એકદમ તંદુરસ્ત છે, તેને દૂધ પણ પીવડાવી દીધેલ છે. અમારા નર્સિંગ સ્ટાફ એ હોસ્પિટલનાં કર્મચારીઓ તો છે જ આ ઉપરાંત તે કોઈની બહેન, દીકરી, પત્ની કે માતા પણ છે, બાળકોનાં વિભાગમાં ફરજ પર હાજર રહેલ નર્સિંગ સ્ટાફે તમારા બાળકને દૂધ પીવડાવવા માટે કેન્ટીનમાં કોલ કરેલ હતો, પરંતુ રાતનાં 3 : 30 વાગ્યાં હોવાથી કેન્ટીનમાં પણ દૂધ હતું નહીં…!" કિંજલ પોતાની વાત જણાવતાં રમાબેનની સામે જોઇને બોલે છે.
"તો પછી મારા બાળકને દૂધ ક્યાંથી મળ્યું ? કોણે આપ્યું..?" રમાબેન લાચારી સાથે કિંજલને પૂછે છે.
"જી ! તમને મેં અગાવ કહ્યું તે મુજબ અમારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ સિસ્ટર કોઈને બહેન, પત્ની કે માઁ પણ છે, તેવી જ રીતે અમારા નોનકોવિડ વિભાગમાં ફરજ બજાવતા એક નર્સ કે જેમનું નામ રેખાબેન છે, તેમનાં ઘરે 7 મહિનાનું બાળક છે, આથી અંતે કોઈ જ વિકલ્પ ના હોવાને લીધે તેઓએ ખુદ પોતાનું ધાવણ નોનકોવિડ હોસ્પિટલથી કોવિડ હોસ્પિટલમાં મોકલાવેલ હતું. અને આ સાથે જણાવ્યું હતુ કે એ બાળકને વધુ દૂધની જરૂર હોય તો પણ મને જણાવજો." કિંજલ સંપૂર્ણ ઘટનાં રમાબેનને જણાવતાં બોલે છે.
"સિસ્ટર ! ખરેખર તમે અમારા માટે સાચા અર્થમાં "ભગવાન" છો બાકી આજનાં સમયમાં તમે મારી અને મારા બાળકની જેવી સંભાળ લીધી એવી સંભાળ હાલ મારું કોઈ અંગત સ્વજને પણ લીધી ના હોત… એ પણ આવા કોરોના જેવાં ભયભીત વાતાવરણમાં...ખરેખર તમારા બધાનો હું જેટલો આભાર માનું એટલો ઓછો પડે તેમ છે." આંખોમાં ખુશીઓનાં આંસુ સાથે પોતાનાં બે હાથ જોડીને કિંજલ અને અન્ય તમામ નર્સિંગ સ્ટાફનો આભાર માનતાં બોલે છે.
"બસ અમે માણસાઈ દ્વારા માણસાઈ જીવડાવવા માંગીએ છીએ..!" કિંજલ એક હળવા સ્મિત સાથે પોતાની જાત અને તમામ નર્સિંગ પરિવાર વતી ગર્વ અનુભવતા બોલે છે.
કિંજલ દ્વારા બોલાયેલાં એક એક શબ્દો જાણે રમાબેનનાં હૃદયની આરપાર નીકળી રહ્યાં હોય તેવું રમાબેન અનુભવી રહ્યાં હતાં.
પંદર દિવસ બાદ.
સમય : સવારનાં 11 કલાક.
સ્થળ : કોવિડ હોસ્પિટલનો મુખ્ય પ્રવેશદ્વાર.
રમાબેનનો અને તેનાં બાળકનો કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે, આથી તેઓ હોસ્પિટલનાં રિસેપશન એરિયામાં આવે છે, દવાઓ લઈ છે, જ્યારે રમાબેનનાં પતિ કેતનભાઈ તમામ ડોકટર, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કરતાં કરતાં બોલે છે.
"અત્યાર સુધી મે "સુપરહીરો" માત્ર મૂવીમાં જોયેલા કે પછી બુકમાં જ વાંચેલા હતાં, પરંતુ મને આજે જ ખ્યાલ આવ્યો કે મે બુક્સમાં વાંચેલા "સુપરહીરો" એ બીજું કોઈ નહિ પરંતુ તમે બધાં ડોકટરો, નર્સિંગ કર્મચારીઓ કે પછી પેરા મેડિકલ સ્ટાફ જ છે કે જેઓ પોતાનાં જીવની પણ પરવાહ કર્યા વગર પોતાનાં જીવનાં જોખમે કોરોનાં સંક્રમિત દર્દીઓની નિ:સ્વાર્થપણે એકપણ રજા લીધાં વગર અને પોતાનાં પરિવારજનોથી દૂર રહીને પારકા લોકોનાં પરિવારજનોની સેવા કરી રહ્યાં છે.
મિત્રો કોરોનાએ આપણને એક વસ્તુ તો ચોક્કસ શીખવી જ છે કે, "કોણ આપણું સાચું સ્વજન કે મિત્ર છે, જે જરૂર પડયે આપણને ચોક્કસ મદદ કરી શકે, લોકોમાં માણસાઈ પણ જન્માવવામાં કોરોનાં વાઇરસે સિંહ ફાળો આપ્યો છે, આથી જો આપણાં જીવનમાં ક્યારેય કોઈ કોરોનાં વોરીયર્સનાં રૂપમાં રહેલાં આપણાં "રિયલ સુપરહીરો" નો આભાર વ્યક્ત કરવાનો મોકો મળે તો તે ઝડપી સાચા હૃદયથી તેનો આભાર વ્યક્ત કરવો જોઈએ.
