માતા પિતાને પ્રેમપત્ર
માતા પિતાને પ્રેમપત્ર


વ્હાલા મમ્મી પપ્પા,
સાદર પ્રણામ કુશળ હશો. ક્યાંથી શરૂઆત કરું સમજાતું નથી. આજે હું હજારો કિલોમીટર તમારાથી દૂર છું. તમને હું ખૂબ જ યાદ કરું છું. તમારા વિના મારું આ જીવનમાં છે પણ કોણ ? મા હું ભલે અહીં હજારો કિલોમીટર દૂર હોઉં પણ મારી એક એક પ્રવૃત્તિ વખતે એટલો જ વિચાર આવે, ડગલે ને પગલે વિચારું કે હું આમ કરીશ તો મારી માને ગમશે કે નહીં. ? પપ્પા જ્યારે પણ હું બજારમાં નીકળું તમારા કહેવા પ્રમાણે ચોક્કસ ભાવતાલ કરું. જ્યારે જ્યારે બજાર જાઉં પપ્પા મને તમારી યાદ ખૂબ સતાવે. મને આજે ખબર પડી કે ઘર ચલાવવું કેટલું અઘરું છે. પેલા અમે ક્યાંક નીકળીએ એટલે જેટલા કોઈ માંગે એટલો ભાવ આપી દેતા. ત્યારે અમારી પરસેવાની કમાણી ન્હોતી. અમે તો એવું વિચારતા કે ભલેને બિચારા થોડું કમાય. !પણ હવે ખબર પડે છે પપ્પા કે લોહી પાણી એક કરી એકઠા કરેલ એક પણ રૂપિયો નકામો જાય ત્યારે શું હાલત થાય ! મમ્મી તારી તો શું વાત કરું ડગલે ને પગલે તારી વાતો યાદ આવે. જ્યારે બીમાર પડું ત્યારે તારા
હાથના એ આયુર્વેદિક ઔષધો ખૂબ યાદ આવે. ભલે અહીં ડૉક્ટર બાજુમાં હોય , તારા નુસખા વિના મારી બીમારી ઠીક નથી થતી. આ આપણો એકબીજા પ્રત્યેનો પ્રેમ જ છે જે ડૉક્ટર ની દવા કરતાંય વધારે અસરકારક છે. મા જ્યારે પણ બીમાર પડું તુલસીનો ઉકાળો,આદુનો રસ, અરડૂસી, નાગરવેલનાં પાન વગેરે નુસખા અપનાવતા અપનાવતા મારી આંખોના ખૂણા તારી યાદોમાં ભીના થઈ જાય છે.
મમ્મી હું દૂર હોવા છતાં મારી દરેક પ્રાર્થનામાં તારું અને પરિવારનું સુખ જ માંગુ છું. તમારી મરજી વગર હું એક પણ વસ્તુ નથી લેતી. આ મારી તમારા પ્રત્યેની વફાદારી છે. મમ્મી પપ્પા હું હંમેશા તમારા ચીંધ્યા માર્ગ પર ચાલીશ. ભલે પછી આખો સમાજ મારી વિરુદ્ધ હોય. હું આધુનિક ભલે હોઉં અધુનિકતામાં માનું પણ છું પણ હું એટલું જ માનું કે મા બાપ જો સંતાન ના કોઈ કાર્યથી શરમાય નહીં તો સંતાન શા માટે શરમાય મા બાપના ચીંધ્યા માર્ગે ચાલતા. જો એક કૃષ્ણભક્ત માતાપિતાની સેવા માટે ભગવાનને પણ બહાર ઉભા રાખી શકે તો આજના આ સમાજની શી વિસાત.. . ? મમ્મી પપ્પા આમ તો તમારી ઈચ્છા મુજબ જ વર્તન કરૂ છું પણ ક્યારેક તમને અને આ સમાજને બંનેને ખુશ રાખવા કદાચ તમારાથી કોઈ વાત છુપાવું તો હું પરમાત્મા પાસે એ વાત માટે માફી માંગી લઉ છું. મમ્મી પપ્પા તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને હું હંમેશા અકબંધ રાખીશ. હું ક્યારેય તમને કુટુંબ કે સમાજ મા નીચું જોવું પડે એવું પગલું નહીં ભરું. હું હંમેશા તમારાથી સો ટકા વફાદાર રહીશ. હું જ્યારે પણ મારા બાળકોને માવતરના પાઠ ભણાવું, એક વાત હંમેશા કહું:હજારવાર વૃંદાવન જવા કરતા એક વૃંદાવન તમારા દિલમાં વસાવી લો. જેમ શ્રી
કૃષ્ણ કહે 'મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં'એમ તમારા માવતરને ખૂબ પ્રેમ કરો ,એની દરેક મનોકામના પૂર્ણ કરો એની સેવા કરો તો તમારે વૃંદાવન જવાની પણ જરૂર નથી. "આવી વાતો સમજાવતી વખતે તમારો વિરહ ખૂબ સતાવે છે. હું પણ મનોમન નિર્ણય કરું છું કે હું પણ મારા માતાપિતાની દરેક મનોકામના પૂર્ણ કરીશ. હું પણ તમને સમાજમાં માથું ઊંચું રાખી જીવવાને લાયક બનાવીશ. આજે કોઈ વ્યક્તિને આપણે મદદ કરીએ તો એ કહે આભાર. કોઈ મોતના મુખમાંથી બહાર નીકળે તો કહે, થેન્ક ગોડ.. . આજે હું તમને કહું છું, મને આ રંગીન દુનિયા બતાવવા બદલ આપનો આભાર, મને સ્વનિર્ભર બનાવવા બદલ આપનો આભાર. મને હળી મળી જીવતા શીખવવા બદલ મમ્મી પપ્પા આપનો ખૂબ ખૂબ આભાર..
લી. આપની વ્હાલસોયી