વિશ્વાસ
વિશ્વાસ


અંધારું થવા આવ્યું. રંજનબા ચૂલો ફૂંકતા હતા. રાજુકાકા બહા બેઠા હતા. ઘરે ફોન ન હતો. બાજુવાળા આવ્યા કહ્યું કે રાજુભાઇ શ્યામનો ફોન આવ્યો છે.
રાજુભાઈએ ફોન પર દીકરાની દસ હજાર રૂપિયાની માંગણી સાંભળી એ તાડુક્યા. કહ્યું , "તમારે ત્યાં મોજ કરવી, ને અમારે અહીં અહીં પેટે પાટા બાંધવા ? તમને મોટા કરતા દમ નીકળી ગયો છે. મારી પાસે અંતરના આશિષ વિના કાંઈ નથી" ને ફોન કાપી નાખ્યો.
શ્યામે મુંજાતા એની પત્નીને કહ્યું
"રેખા હપ્તો નહીં ભરાય તો ઘર જપ્ત થશે, શુ કરીશું ? ક્યાં રહીશું ?
"તમે ચિંતા ના કરો ,ભગવાન પર ભરોસો રાખો. રેખાએ ઉદાસ સ્વરે કહ્યું.
"નાનકો આજે આવવાનો છે તો આવે તો એને..." શ્યામની વાત કાપતા રેખાએ કહ્યું" ના હો.. હવે કેટલી વાર એને પણ એનો સંસાર છે."
રેખાને પડદા પાછળ કોઈ ઉભું હોય એવો ભાસ થયો. એણે જોયું કોઈ દેખાયું નહીં એટલે ભ્રમ છે એમ માનીને ભારે હૈયે સુવાનો પ્રયાસ કર્યો. સવારમાં ઊઠતા રેખાના પગ પાસે થેલી પડી હતી. હા, પુરા દસ હજાર..! શ્યામને હડબડાવીને ઉઠાડીને બતાવી. એને સમજાયું નહીં કે કોને સાવકો સમજાવો 'સગા બાપને કે આ નવી મા ના દીકરાને !'