માર્ગીનો સખો.
માર્ગીનો સખો.
માર્ગીનો સખો.
માર્ગી બાળપણથી બે સાથીઓ સાથે જીવતી હતી —
એક તેનું અપંગ શરીર,
અને બીજો તેની ખુદની છાયા, યાને પડછાયો.
તેનું અપંગ શરીર દુનિયા જોતું,
પણ તેની છાયા તેને અંદરથી અનુભવાતી.
શું છાયા માત્ર પ્રકાશ અને અંધકારની રચના છે?
કે તે આપણા મનનું પ્રતિબિંબ?
અનાથ અને અપંગ માર્ગીએ બાળપણમાં એક કલ્પિત સખો બનાવ્યો હતો.
એ કોઈને દેખાતો નહોતો,
તે બોલે તો કોઈને સંભળાતો નહોતો.
સમય જતા એ સખો તેના મનનો અરીસો બની ગયો.
બાળસખો ધીમે ધીમે તેના અંતરનો પ્રેમી બની ગયો —
એવો પ્રેમી, જે સ્વાર્થ વિના સાંભળે.
હવે તેનું જીવન એકલતાથી બેરંગ નહોતું.
પરંતુ શું આ માત્ર કલ્પના હતી?
કે તેના અંતરની જરૂરિયાત —
એક એવી સત્તા, જે તેને નિષ્પક્ષ રીતે સાંભળે અને સંભાળે?
માર્ગીની વાત છોડો…
છાયા, પડછાયા — એ તો સૌનો કલ્પિત મિત્ર છે.
તે બોલતી નથી, છતાં જવાબ આપે છે.
રાત્રે તે દેખાતી નથી,
પણ અંતરના અંધકારમાં તેની હાજરી સૌથી વધારે હોય છે.
Carl Jung ના “Shadow” ના સિદ્ધાંત મુજબ,
માનવ મનમાં એક એવો ભાગ છે, જેને આપણે સહજ રીતે સ્વીકારતા નથી.
ગુસ્સો, ઈર્ષ્યા, ડર, અહંકાર —
બધું એ છાયામાં જ વસે છે.
પરંતુ આ જ છાયા સર્જનશક્તિનું સ્ત્રોત પણ બને છે.
કવિ કે લેખક જ્યારે સુખ-દુઃખ આલેખે છે,
તે પોતાની છાયાની શાહીથી જ લખે છે.
જીવનમાર્ગમાં છાયા કદી આગળ નથી જતી —
તે હંમેશા પાછળ રહે છે, જાણે કહેતી હોય:
“હું તારો ભાગ છું,
પણ તારા માર્ગમાં અવરોધ નથી.”
જ્યારે આપણે પ્રકાશ તરફ ચાલીએ છીએ,
છાયા લંબાય છે.
જ્યારે પ્રકાશને પીઠ આપીએ છીએ,
છાયા આગળ આવે છે —
સાચો સખો બની ચેતવણી આપે છે:
“તમે દિશા ખોટી પકડી છે.”
આમ, કલ્પિત મિત્રનો અર્થ એકલતા નથી,
પણ જીવનપર્યંત ચાલતો આંતરિક સંવાદ છે.
જ્યાં સમાજનો અવાજ બંધ થાય છે,
ત્યાં છાયા અચૂક બોલે છે.
Carl Jung લખે છે —
છાયાથી ડરશો નહીં.
તે શત્રુ નથી;
એ તમારો અધૂરો ભાગ છે.
તેને સ્વીકારશો, તો તે માર્ગદર્શક બની જશે.
તેને નકારશો, તો તે ભય બની ઊભી રહેશે.
અંતે, છાયા આપણો સૌથી સચ્ચો સાથી છે.
માર્ગીના જીવનમાં તેનો સખો કદી નાટક કરતો નથી.
પ્રકાશ બદલાયો, દિશા બદલાઈ,
પણ છાયાએ તેનો સાથ કદી છોડ્યો નહીં.
માર્ગીને તેની છાયાએ સબળ બનાવી.
હવે તે અપંગ કે અનાથ નથી —
એ પોતે જ અનેક માટે પ્રેરણા છે.
અને તેની છાયા હળવે કહી જાય છે —
“હું છું ને… તારી સાથે.”
— Kalpesh પટેલ
2.30 PM-(પેસેફીક) -24-2-26.
