Megha Kapadia

Drama Fantasy

2  

Megha Kapadia

Drama Fantasy

માન્યાની મંઝિલ 3

માન્યાની મંઝિલ 3

4 mins
7.7K


‘માન્યા...માન્યા...જલ્દી બહાર આવ.' પિયોની એક્ટિવાના હોર્ન વગાડતા બોલી. ‘હા આવી. ચાલો મેડમ ઉપાડો તમારી સવારી.' માન્યા પિયોનીના એક્ટિવા પાછળ બેઠી અને પિયોનીએ હેલિકોપ્ટરની માફક એક્ટિવા ઉડાડ્યું. ‘માન્યા, તું નહીં માને આજે હું બહુ જ ખુશ છું. ફાઇનલી આપણે ફેસબુકની દુનિયામાં એન્ટર થઈ રહ્યા છીએ.' ‘આપણે નહીં, ખાલી તું જ.' માન્યા બોલી. ‘હા મારી અમ્મા, હું બસ પણ સૌથી સારી વાત એ છે કે આમાં તું મારી સાથે છે. એ પણ મારી આટલી આજીજી પછી.' પોતાના વિચારેલા આઈડિયા પર પિયોની મનમોમન હસવા લાગી. ‘મને ખબર હતી કે તું છેલ્લે તો તારી જીદ પુરી કરાવીને જ રહેવાની છે. તો ના પાડવાનો તો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો. એનીવે, આપણે કયા સાઇબર કાફેમાં જઈ રહ્યા છીએ?' માન્યાએ સીધો સવાલ પૂછ્યો. સિટી કોર્નર બિલ્ડિંગમાં આવેલું છે ને એમાં જઈએ છીએ.' ફેસબુક જ્યારે નવું સવું આવ્યું ત્યારે બધાના ઘરે કમ્પ્યૂટર ભલે હોય પણ તેમાં ઇન્ટરનેટની સેવા ઉપલબ્ધ નહોતી. તેથી માન્યા અને પિયોની તે સમયની બિઝીએસ્ટ પ્લેસ ગણાતા સાઇબર કાફેમાં જઈ રહ્યા હતા. સાઇબર કાફે મોટાભાગે ટીનેજર અને કોલેજિયન યુવાનોથી ખીચોખીચ ભરેલું રહેતું. ઘણીવાર તો એવું બનતું કે કલાકો સુધી વેઇટીંગમાં બેસવું પડતું. સાંજનો પાંચ વાગ્યાનો સમય હતો એટલે સાઇબર કાફેમાં ઓલરેડી વેઇટીંગ ચાલી રહ્યું હતું. ‘યાર, કેટલીવાર આપણે વેઇટિંગમાં બેસવું પડશે?' પિયોની વેઇટિંગ લાઇન જોઈને બેબાકળી બની ગઈ. ફેસબુક અકાઉન્ટ ખોલવા માટે તે એક મિનિટનો પણ ટાઇમ વેસ્ટ કરવા નહોતી માંગતી. ‘પિયુ, આવી જશે નંબર. ડોન્ટ વરી. આજે તો આપણે તારું ફેસબુક અકાઉન્ટ ખોલીને જ રહીશું.' માન્યા પિયોનીને શાંત પાડતા બોલી. 10 મિનિટ વેઇટ કર્યા બાદ તરત ટેબલ મળી ગયું. આ ટેબલની ફરતે એક કેબિન હતી. જેમાં દરવાજો ખોલીને એન્ટર થયા બાદ બે વ્યક્તિ પણ માંડ બેસી શકે તેટલી જગ્યા હતી. પિયોની કમ્પ્યૂટરની સામે ગોઠવાઈ ગઈ અને માન્યા સાઇડના સ્ટૂલ ઉપર બેસી ગઈ. પિયોની ભણવામાં થોડી કાચી હતી પણ કમ્પ્યૂટર અને ગેઝેટ્સના મામલે તેનું મગજ બહુ દોડતું હતું. જ્યારે માન્યા સ્કૂલની ટોપર હતી પણ તેને ઇન્ટરનેટમાં બહુ ગતાગમ નહોતી પડતી. તેથી તે ચૂપચાપ પિયોની જે કરતી હતી તે જોઈ રહી હતી.

પિયોનીએ ફેસબુક પેજ ખોલ્યું અને નવું અકાઉન્ટ બનાવવા માટેના ઓપ્શન પર ક્લિક કર્યું. પોતાનું નામ, ઇમેઇલ, બર્થ ડેટ વગેરે ઇન્ફોર્મેશન ભરીને તે પાસવર્ડના બોક્સ ઉપર આવીને અટકી ગઈ. તેણે માન્યાને પૂછ્યું કે પાસવર્ડ શું રાખીશું? ‘તારું અકાઉન્ટ છે. તારે જે રાખવો હોય એ રાખ.' માન્યા બોલી. ‘એવું નહીં, આ ફેસબુકનો પાસવર્ડ છે તો કંઇક ખાસ હોવો જોઈએ ને.' પિયોની ફેસબુકનો પાસવર્ડ શું રાખવો તેને લઇને મુંઝાઈ ગઈ. ‘હા તો એક કામ કર, તારા નામ સાથે તારી બર્થ ડેટ રાખી દે.' માન્યાએ સલાહ આપી પણ પિયોનીને તો કોઈ યુનિક પાસવર્ડ રાખવો હતો. ‘મને એક મસ્ત આઇડિયા આવ્યો છે. આ પાસવર્ડ આપણી ફ્રેન્ડશિપ પર રાખીએ તો કેવું રહેશે? જસ્ટ લાઇક BFF FOREVER2509?' ‘આ બીએફએફ ફોરએવર એટલે તો સમજી કે બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર પણ આ 2509 એ શું છે?' આ પૂછીને માન્યા પ્રશ્નાર્થ ચિહ્ને પિયોની સામે જોઈ રહી. ‘અરે!! તું ભૂલી ગઈ? આ દિવસે તો આપણે ટ્યુશન ક્લાસમાં પહેલીવાર મળ્યા હતા અને પછી આપણી ફ્રેન્ડશિપ સ્ટાર્ટ થઈ હતી. તો બરાબર છે ને આ પાસવર્ડ?' પિયોની માન્યાને તે બંનેની પહેલી મુલાકાત યાદ કરાવતા બોલી. ‘યસ, ગુડ આઈડિયા.' માન્યાએ આ પાસવર્ડ પર સહમતિ દર્શાવી. બીજી જ મિનિટે પિયોનીનું ફેસબુક અકાઉન્ટ ક્રિએટ થઈ ગયું અને ખુલ્યું હોમ પેજ. પિયોની માટે ફેસબુકનો અનુભવ પહેલીવારનો ભલે હતો પણ તે ટેક્નોસેવી ગર્લ હોવાથી તેણે ફટાફટ આખું ફેસબુક મચેડી નાંખ્યું. 20 મિનિટ ઓલરેડી થઈ ગઈ હતી અને હવે બંને પાસ બચી હતી માત્ર 10 મિનિટ. અડધો કલાક પૂરો થયા બાદ બંનેને જગ્યા ખાલી કરી આપવાની હતી. પિયોનીએ પોતાનું અકાઉન્ટ લોગ આઉટ કર્યું અને બીજું નવું અકાઉન્ટ બનાવવા માટે સાઇન ઈન કર્યું. ‘અરે, ફરી અકાઉન્ટ કેમ બનાવે છે? તારું અકાઉન્ટ તો બની ગયું ને!!' ‘મને ખબર છે પણ હવે હું તારું અકાઉન્ટ બનાવું છું.' પિયોનીએ માન્યા સામે નવો બોમ્બ ફોડ્યો. ‘વ્હોટ? મારું અકાઉન્ટ? મારે કોઈ અકાઉન્ટ નથી બનાવવું.' માન્યા અકળાઈ. ‘પણ મારે તો બનાવવું છે ને.' પિયોની પોતાની જીડ પર અડી રહી. ‘તને ખબર છે કે મને ફેસબુકમાં કોઈ રસ નથી. આપણે ખાલી તારું જ અકાઉન્ટ બનાવવાની વાત હતી.' ‘હા, વાત ભલે ખાલી મારા અકાઉન્ટની હતી પણ હવે મારું મન બદલાઇ ગયું છે. મારા અકાઉન્ટની સાથે તારું અકાઉન્ટ પણ બનશે અને એ પણ હું જ બનાવીશ.' પિયોની સામે માન્યાની એક ના ચાલી. ‘પ્લીઝ માયુ, (પિયોની માન્યાને પ્રેમથી માયુ કહેતી) આ લાસ્ટ ટાઇમ બસ. હું હવેથી તારી પાસે કંઈ જ નહીં માગુ. આઈ સ્વેર.' પિયોનીએ ફરી ઈમોશનલ બ્લેકમેઇલિંગ શરૂ કર્યું.

માન્યાની ઈચ્છા તો નહોતી પણ પિયોની સામે એનું ક્યારેય ક્યાં કંઈ ચાલ્યું જ છે. આખરે તેને પિયોનીની જીદ માનવી જ પડી અને પિયોનીએ ફટાફટ પાંચ મિનિટમાં માન્યાનું અકાઉન્ટ પણ ક્રિએટ કરી દીધું. માન્યાના અકાઉન્ટનો પાસવર્ડ પણ એ જ રખાયો BFF FOREVER2509.

તેમના અકાઉન્ટ ઉપર પડેલો બેલ વાગ્યો અને બંને કમ્પ્યૂટર બંધ કરીને કેબિનની બહાર નીકળ્યા. પિયોની પૈસા ચૂકવીને કાફેની બહાર આવી ત્યારે માન્યા વિચારોમાં ખોવાયેલી હતી. ‘જસ્ટ ચિલ બેબ, તે કોઈ ખોટું કામ નથી કર્યું કે તું આટલા ટેન્શનમાં છે. ઈન ફેક્ટ આપણે તો આજે પાર્ટી કરવી જોઈએ. ચાલ, આજે મારા તરફથી ટ્રીટ થઈ જાય.' માન્યાનું મન ડાયવર્ટ કરવા પિયોની તેને કાફેમાં લઈ ગઈ. કોફી શોપમાં ગયા બાદ દર વખતની જેમ પિયોનીનો બબડાટ તો ચાલુ થઈ ગયો અને માન્યા પણ થોડીવારમાં મૂડમાં આવી ગઈ. બીજી બાજૂ માન્યાના અકાઉન્ટમાં એક એવા માણસની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવીને પડી જેનાથી માન્યાની લાઇફનો નવો અધ્યાય શરૂ થવાનો હતો.

(કોની હશે આ ફ્રેન્ડ રીક્વેસ્ટ? આ વ્યક્તિએ માત્ર માન્યાને જ ફ્રેન્ડ રીક્વેસ્ટ કેમ મોકલી પિયોનીને કેમ નહીં? આ વ્યક્તિ બંને ફ્રેન્ડ્સની વર્ચ્યુઅલ લાઇફમાં કયો નવો ટ્વિસ્ટ લઈને આવે છે તે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama