Rahul Makwana

Drama Tragedy Fantasy

4  

Rahul Makwana

Drama Tragedy Fantasy

માંગલિક

માંગલિક

9 mins
536


લગ્ન એ હિન્દૂ સંસ્કૃતિ મુજબ આપણાં સમાજ કે આપણી પૃથ્વી પરનો સૌથી વધુ પવિત્ર સબંધ માનવામાં આવે છે. ખરેખર લગ્ન એ બે વ્યક્તિ નહીં પરંતુ બે આત્માનો મેળાપ છે. જેને આપણે "સાત સાત જન્મોનાં બંધન" તરીકે પણ ઓળખીએ છીએ. જેવી રીતે રથનાં બંને પૈડાં એકબીજા સાથે તાલમેલ જાળવીને યુદ્ધમાં જીતવામાં મદદરૂપ થાય છે, તેવી જ રીતે પતિ અને પત્ની પણ આ સંસારરૂપી રથનાં બે પૈડાં સમાન જ છે, જો તે બંને વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય રહે તો તેઓ આ સંસારરૂપી સાગરને સફળતાપૂર્વક પાર કરી જાય છે. 

આ ઉપરાંત લગ્ન કે સંસારીક જીવન એ મુખ્યત્વે બે મજબૂત સ્તંભ વિશ્વાસ અને પ્રેમ પર ટકેલ છે, જો આ બંને માંથી એકપણ સ્તંભ જરાપણ ડગે તો સંસારીક જીવનમાં ખૂબ જ મોટી ઉથલપાથલ જોવા મળે છે. હાલ સમાજમાં લવ મેરેજ લાંબા નથી ટકતા તો તે પાછળનું આ પણ એક જવાબદાર પરિબળ છે, પણ જો લવ મેરેજમાં આ બંને અંત સુધી ટકી જાય તો તે લગ્ન અરેન્જ મેરેજ કરતાં પણ વધુ લાંબો સમય સુધી તાજે છે, આ બાબતે આપણે એકવાર ચોક્કસ સમય લઈને વિચારવા જેવું છે.

સ્થળ : સવારનાં 11 : 30 કલાક.

સ્થળ : દવે પરિવારનાં પટાંગણમાં બાંધેલ લગ્નમંડપ.

લગ્ન મંડપમાં બધાં મહેમાનો ઉદાસ થઈને બેસેલાં હતાં, લગ્નમંડપમાં એક અલગ જ પ્રકારનો સન્નટ્ટો છવાયેલો હતો. કન્યાનાં માતાપિતાના ચહેરાઓ પર દુઃખ કે નિરાશાઓની રેખાઓ ઉપસી આવેલ હતી, તે સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. સાસરા અને પિયરપક્ષના વડીલો એકબીજાને સમજાવવા માટે મથામણ કરી રહ્યાં હતાં, પરંતુ વરરાજાનાં પિતા એકનાં બે થવાં કોઈપણ સંજોગોમાં તૈયાર હતાં જ નહીં…"આ લગ્ન કોઈ જ સંજોગોમાં નહીં જ થશે..અમારાથી કન્યાની આવડી મોટી બાબત કે રહસ્ય શાં માટે જણાવ્યું નહીં." બસ આ એક જ જિદ પકડીને બેઠાં હતાં. 

 જ્યારે આ બાજુ કન્યાનાં મનમાં એકદમ હતાશા અને દુઃખનાં આવરણો ચડી ગયાં હતાં, પોતાનાં મનને ઊંડો આઘાત લાગવાથી મંડપના એક ખૂણે ચેર પર બેસીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી. આથી તેનાં મમ્મી કન્યાને હિંમત આપી સાંત્વના આપી રહ્યાં હતાં, બીજી બાજુ વરરાજા કોઈ ઊંડુ મનોમંથન કરી રહ્યો હોય તેમ નીચી નજર કરીને કોઈ વિચારોમાં ખોવાયેલ હતો. લાંબુ વિચાર્યા બાદ વરરાજા મંડપની બરાબર વચ્ચે ઊભા રહીને ઊંચા અવાજે બોલે છે કે…

"આ લગ્ન કોઈપણ સંજોગોમાં થઈ ને જ રહેશે…! જે કોઈ આ લગ્ન ના જ થવાં જોઈએ એવું માને છે, તો તે લોકો પોતપોતાનાં ઘરે જઈ શકે છે..પછી એ ભલે મારા પિતા જ કેમ ના હોય...બાકી તમે અહીં મારા લગ્નમંડપ સુધી આવવા માટેની તસ્દી લીધી એ બદલ હું તમારો કાયમિક માટે આભારી રહીશ."

 આ વાત સાંભળી વરરાજાના પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો, ગુસ્સાને લીધે તેની આંખો લાલઘૂમ થઈ ગઈ. અને તેઓ પોતાની પત્ની સાથે આ મંડપ છોડીને જવાં માટે ખુરશી પરથી ઊભા થાય છે. જ્યારે બીજી તરફ આ વાત સાંભળીને જે કન્યા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી, તે કન્યાની આંખોમાં જાણે વરરાજા તરફથી બોલાયેલાં શબ્દોને લીધે હિંમત આવી ગઈ હોય તેવી રીતે, એક અલગ પ્રકારની ચમક આવી જાય છે.

બે કલાક પહેલાં

 દવે પરિવારમાં પણ આજે ખુશીનો માહોલ છવાયેલો હતો. જે પ્રસંગની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી તે રૂડો પ્રસંગ આજે દવે પરિવારનાં આંગણે આવી પહોંચ્યો હતો, દવે પરિવારનું ઘર કે જેનું નામ "આશીર્વાદ" હતું. તે આજે સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેમ અલગ અલગ પ્રકારની રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવેલ હતું, ઘરની દિવાલો પર સુગંધિત પુષ્પોનાં તોરણ લગાવવામાં આવેલ હતાં. ઘરનાં મુખ્ય પ્રવેશ દ્વાર પર "દવે પરિવાર" આપનું હાર્દિક સ્વાગત કરે છે, એવું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. ઘરનાં પટાંગણમાં મનમોહક રંગોળી બનાવેલ હતી, જે આ ઘરની રોનકમાં ચાર ચાંદ લગાવી રહી હતી.

 ઘરની બહાર બાંધવામાં આવેલ મોટા મંડપમાં વરપક્ષ અને કન્યાપક્ષનાં બધાં આમંત્રિત મહેમાનોએ પોત પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધેલ હતું. મંડપની બરાબર વચ્ચે વરરાજા કે જેનું નામ "સુનિલ" હતું તે બેસેલ હતો. પંડિત મંત્રોચ્ચાર કરી રહ્યાં હતાં, બરાબર એ જ સમયે કન્યા પધારવાનો સમય થઈ ચુક્યો છે, "કન્યા પધરાવો સાવધાન" એવું પંડિત બોલે છે, આથી બધાં જ મહેમાનોની નજર કન્યા તરફ સ્વભાવિક રીતે જ પડે છે.

 બરાબર એ જ સમયે દરરોજ હરણાની માફક કૂદતી "રોહિણી" આજે કન્યાનાં પોશાકમાં સજીને તેની સહેલીઓ સાથે મંડપ તરફ પોતાનાં પગલાંઓ ઉપાડી રહી હતી, આથી રોહિણીની મમ્મી શીતલબેન અને પિતા રમેશભાઈનાં આંખોમાં ખુશીઓનાં આંસુઓ આવી ગયેલાં હતાં, જ્યારે બીજી તરફ સુનીલનાં પિતા વિજયભાઈ અને માતા નિતાબેન સુનિલને પરાણાવીને પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યાં હોય તેવી હળવાશ અનુભવી રહ્યાં હતાં. 

 જ્યારે આ તરફ રોહિણી આજે રૂપ રૂપનો અંબાર લાગી રહી હતી, જે રીતે ફૂલો વસંત ઋતુમાં પુરબહારે ખીલી ઊઠે છે, તેમ આજે રોહિણીની યુવાનીમાં વસંતઋતુ આવવાથી સોળે કળાએ ખીલી ઊઠી હોય તેવું લાગી રહ્યું હતું. તેની સુંદરતા અને સંસ્કાર જોઈને હાજર બધાં મહેમાનો મો માં આંગળા નાખી ગયાં હતાં. રોહીનીને જોઈ એવું લાગી રહ્યું હતું કે માનો કોઈ સ્વર્ગની અપ્સરા સ્વર્ગમાંથી સીધી જ લગ્નમંડપમાં આવી પહોંચેલ હોય. રોહિણીએ પણ બધી જ યુવતીઓની માફક હજારો સપના જોયેલાં હતાં. હાલ રોહિણીનાં મનમાં ઘણાં બધાં વિચારો પોતાનું આધિપત્ય જમાવી રહ્યાં હતાં, તેમ છતાંય રોહિણીનાં મનમાં આજે એક અલગ જ પ્રકારનો આનંદ છવાયેલો હતો. મનમાં આવા ઘણાં બધાં વિચારો સાથે રોહિણી લગ્નમંડપ તરફ ધીમે ધીમે આગળ વધી રહી હતી, હાલ લગ્નમંડપ તરફ આગળ વધી રહેલ રોહિણી એ બાબતથી તદ્દન અજાણ જ હતી કે મુસીબતોનું એક વંટોળ કે સુનામી તેનાં જીવનમાં દસ્તક દેવાં માટે વ્યાકુળ અને બેકાબુ બની રહી હતી. જે પળભરમાં જ પોતે જોયેલાં હજારો સપનાઓને વેરવિખેર કરી દેશે.

 ત્યારબાદ રોહિણી લગ્નમંડપમાં પહોંચીને સુનિલની બાજુમાં બેસી જાય છે, જયારે બીજી બાજુ પંડિત આગળનાં મંત્રોનું મંત્રોચ્ચાર શરૂ કરે છે, અને એક પછી એક બધી વિધિઓ કરવામાં આવે છે બરાબર એ જ સમયે...રોહિણીનાં કાકા હરગોવિંદભાઈ લગ્નમંડપની બરાબર વચ્ચોવચ આવીને વિજયભાઈની સામે જોઈને ગુસ્સા, ઈર્ષા કે અદેખાઈને લીધે મોટા અવાજે બોલે છે કે…

"તમે જો સુનિલનાં લગ્ન આ માંગલીક રોહિણી સાથે જ કરાવવા હતાં, તો પછી મારી દીકરી કોમલમાં તમને શું પ્રોબ્લમ દેખાયો ? 

આ સાંભળતાની સાથે જ બધાં મહેમાનોનાં અચરજનો કોઈ જ પાર ના રહ્યો, બધાંનાં મુખે એક જ વાતની ચર્ચાઓએ જોર પકડયું કે,"કન્યા માંગલિક છે, કન્યાનાં માતાપિતાએ આ વાતની જાણ વરપક્ષને અગાવથી કરવી જોઈતી હતી." લગ્નમંડપમાં આવી બધી વાતોએ વેગ પડકયો આ જોઈ વિજયભાઈ ઊભા થઈને ગુસ્સામાં રમેશભાઈની સામે જોઈને પૂછે છે.

"શું રોહિણી ખરેખર માંગલિક છે ?" 

"હા...પણ…!" 

"બસ ! હવે..આ લગ્ન કોઈપણ સંજોગોમાં થશે નહીં...પંડિતજી મંત્રોચ્ચાર કરવાનું બંધ કરો." વિજયભાઈ પંડિતની સામે જોઈ આદેશ આપતાં જણાવે છે.

 આટલું બોલી વિજયભાઈ તેની પત્ની નિતાબેન સાથે લગ્ન મંડપ છોડવા માટે ઊભા થાય છે.

"પણ...મારી એકવાર વાત તો સાંભળો રોહિણી માંગલિક છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ રોહિણીનો માંગલિક દોષ નિવારણ માટે મે તમામ પ્રયત્નો કરી દીધેલાં છે, આથી હવે આમ જોવાં જઈએ તો હવે તે માંગલિક નથી રહી..!" રામેશભાઈ સ્પષ્ટતા કરતાં વિજયભાઈને જણાવે છે.

"તમે અમને અત્યાર સુધી અંધારામાં રાખ્યાં હવે સાંભળવા જેવું રહ્યું જ શું છે ?" વિજયભાઈ મંડપની બહાર જતાં રસ્તા તરફ પોતાનાં પગ ઉપાડતા ઉપાડતાં બોલે છે.

હાલનાં સમયે 

વિજયભાઈ અને નીતાબેન લગ્નમંડપની બહાર જઈ રહ્યાં હતાં, અને સુનીલે રોહિણી સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધેલ હતું. 

"પપ્પા ! હું રોહિણી સાથે લગ્ન તો કરીને જ રહીશ...પોતાનાં લગ્ન માટે તેણે જોયેલાં સપનાઓ હું વેરવિખેર કરવાં નથી માંગતો, હાલ વિજ્ઞાન મંગળ સુધી પહોંચી ગયું છે અને તમે અહીં "માંગલિક" માં જ અટવાયેલાં છો." સુનિલ પોતાનાં પિતા રમેશભાઈને માનવતા બોલે છે.

"જો ! સુનિલ તું એક વાત સ્પષ્ટ રીતે ચોખ્ખા શબ્દોમાં સાંભળી લે કે હું અને તારી મમ્મી આ લગ્નની તદ્દન વિરુદ્ધ છીએ, અને જો રોહિણી ઘરમાં આવશે તો અમારા ઘરનાં દ્વાર તારા માટે કાયમિક બંધ થઈ જશે." વિજયભાઈ સુનીલને ચેતવણી આપતાં જણાવે છે.

"તો પપ્પા ! તમે તમારી જિદ કે અંધવિશ્વાસમાંથી બહાર નહીં આવશો એમ ને ?" સુનિલ વિજયભાઈની સામે જોઈને પૂછે છે.

"તારે જે સમજવું હોય તે સમજ..!" પોતાનો નિર્ણય જણાવતાં વિજયભાઈ જણાવે છે.

"તો પપ્પા હું પણ મારા નિર્ણય પર કોઈપણ સંજોગોમાં તટસ્થ રહીશ." સુનિલ પોતાનો અંતિમ નિર્ણય જણાવતાં બોલે છે.

હાલ સુનિલ એક નવાં જ સબંધને વિકસાવી રહ્યો હતો, એક તરફ તેનાં માતાપિતા કે જેઓની આંખો પર અંધશ્રદ્ધા રૂપી પાટ્ટો બધાયેલ હતો, એ સબંધને દાવ પર લગાવીને, હજારો અરમાન લઈને લગ્ન મંડપમાં બેસેલ રોહિણીનાં સપનાઓ જીવતાં રાખવાનાં નિર્ણય કરે છે.

 આ જોઈ વિજયભાઈ અને નીતાબેન મંડપ છોડીને જતાં રહે છે, અને બીજી બાજુ સુનિલ અને રોહિણીનાં જે ફેરા અટકેલાં હતાં, તેમાં જાણે એક નવો પ્રાણ પુરાયો હોય, તેમ ફરી પાછા શરૂ થાય છે. ત્યારબાદ પંડિત આ લગ્નને વિધિવત પૂર્ણ જાહેર કરે છે. નવ દંપતિ રમેશભાઈ, શીતલબેન અને અન્ય વડીલોના આશીર્વાદ લે છે.

"બેટા ! તું ઉંમરમાં નાનો છે પણ તારી સમજ શક્તિ કોઈ અનુભવી જેટલી છે, મારી, મારી દીકરી અને સમગ્ર પરિવારની ઈજ્જત કે આબરૂ સાચવી લેવાં બદલ તમારો હું આભારી છું." રમેશભાઈ માથે પહેરેલ પાઘડી ઉતારી સુનિલનાં પગ સામે ધરાતાં બોલે છે.

"તમે જરાય ચિંતા ના કરો..હું હરહંમેશ રોહિણીની સાથે જ રહીશ, રોહિણી આજથી તમારી નહીં પણ મારી જવાબદારી છે." સુનિલ આત્મવિશ્વાસ સાથે રમેશભાઈને જણાવતાં બોલે છે.

"પણ..બેટા.. તારા મમ્મી પપ્પા..?" શિતલબેન હેરાનીભર્યા અવાજે સુનીલને સામે જોઈને પૂછે છે.

"આજકાલ તો જે સંતાનો લવમેરેજ કરે છે, એનાં માતા પિતા પણ અંતે સંતાનો સાથે વાતચીત કે બોલવાનું શરૂ કરી દે છે, તો પછી મેં તો એરેન્જ મેરેજ કર્યા છે, અને ક્યારેક તો તેઓને તેની ભૂલ સમજાય જશે..આથી તેઓ મારી સાથે બોલવાનું શરૂ કરી દેશે." સુનિલ શિતલબેન પૂછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં બોલે છે.

"જો ! બેટા તને વાંધો ના હોય તો અને તને એવું ના લાગે કે અમે તને ઘરજમાઈ બનાવવા માંગીએ છીએ તો આ ગામમાં મારું એક 2 બી.એચ.કે ફ્લેટ છે, જેમાં તું અને રોહિણી ઈચ્છો ત્યાં સુધી રહી શકો છો." રમેશભાઈ થોડું ખચકાતા સુનિલની સામે જોઈને પૂછે છે.

"એવો કોઈ જ પ્રશ્ન નથી.. રહી વાત ફ્લેટની તો મારી કંપની મારા શહેરમાં જ મને ફ્લેટ આપતી હતી પણ મારે એ સમયે કોઈ જ જરૂરિયાત ના હોવાથી તે સમયે મે સ્વીકારેલ હતું નહીં...પણ હવે મને એવું લાગે છે કે મારે કંપનીનો એ ફ્લેટ લેવો પડશે." સુનિલ ઉપાય જણાવતાં રમેશભાઈની સામેં જોઈને બોલે છે.

 ત્યારબાદ રોહિણી અને સુનિલ બધાંના આશીર્વાદ લઈને કંપનીએ ફર્નિશડ ફ્લેટમાં રહેવા માટે જાય છે, રોહિણી અને સુનિલ રાજીખુશીથી હવે રહેવા લાગ્યાં હતાં, સમયનાં પ્રવાહમાં ધીમે ધીમે સમય પસાર થતાં, વિજયભાઈ અને નીતાબેન "આપણો જ સંતાન છે" એવું વિચારીને અંતે "રોહિણી" નો પુત્રવધુ તરીકે સ્વીકારી લે છે.

 ધીમે ધીમે દિવસો, અઠવાડિયા, મહિનાઓ, અને વર્ષો વિતાવા લાગ્યાં, એવામાં સુનિલનાં ઘરે "દીકરીનો" જન્મ થયો અને તેની જન્મકુંડળી બનાવતાં તેઓને ખ્યાલ આવ્યો કે તેની દીકરીની જન્મકુંડળીમાં માંગલિક દોષ લખેલ છે. આ જોઈ સુનિલ વિજયભાઈ અને નિતાબેનની સામે જોઈને પૂછે છે.

"તો હવે તમારું શું કહેવું છે, શું તમારી પૌત્રીની જન્મકુંડળીમાં માંગલિક દોષ લખેલ છે, અને જો લગ્નનાં મંડપમાં જ વરપક્ષવાળા મહેમાનોની હાજરીમાં જ લગ્ન કરવાની ના પાડે તો તમારા પર શું વીતશે ?" 

"બેટા ! કોઈપણ દીકરીનાં મા બાપને એ ના ગમે, માંગલિક દોષ જન્મકુંડળીમાં લઈને જન્મવું એ થોડીનાં અમારી પૌત્રીનાં હાથની વાત છે." સુનિલનાં પ્રશ્નનો ઉત્તર જણાવતાં વિજયભાઈ બોલે છે.

"તો પછી તમે બંને જ વિચારો કે મે મારા લગ્ન વખતે જે નિર્ણય લીધો એ ખોટો હતો..?" સુનિલ તેનાં માતાપિતાની સામે જોઈને પૂછે છે.

"હા..બેટા એ સમયે તું સાચો જ હતો, બસ અમારા આંખે જ પાટા બંધાય ગયાં હતાં." નીતાબેન અને વિજયભાઈ સુનીલને જણાવતાં બોલે છે.

"મમ્મી પપ્પા ! જ્યારે વ્યક્તિ પર એ પરિસ્થિતિ વીતે ત્યારે જ એને આ બાબતનો ખ્યાલ આવે છે..!" સુનીલને જાણે એક જ પળમાં વર્ષો પહેલાં તેનાં માતાપિતાથી થયેલ ભૂલ તેની દીકરીનાં ઉદાહરણ દ્વારા સચોટ રીતે સમજાવી દીધી હોય તેવું વિજયભાઈ અને નીતાબેન અનુભવી રહ્યાં હતાં.

માંગલિક દોષ એ વ્યક્તિનાં હાથની વાત નથી, પરંતુ એ તેનાં નસીબ છે, હવે નસીબમાં વાંકે એ વ્યક્તિ સાથે અન્યાય કરવાનો આપણને કોઈએ પણ અધિકાર આપેલો જ નથી, રહી વાત માંગલિક દોષની તો એ તો અલગ અલગ પ્રકારની વિધિઓ દ્વારા નિવારી શકાય છે, જો આપણે હકીકતમાં જોવા જઈએ મમાંગલિક વ્યક્તિ કરતાં વધુ સામે વાળી વ્યક્તિનાં વિચારો માંગલિક હોય એવો અહેસાસ થાય છે. 


Rate this content
Log in

Similar gujarati story from Drama