માલ્કમ માર્શલ : ક્રિકેટ અને કેન્સર ઇનિંગ
માલ્કમ માર્શલ : ક્રિકેટ અને કેન્સર ઇનિંગ
જ્યારે કોઈ પણ વ્યક્તિ કંઈક કરી બતાવવાની ઈચ્છા મનથી કરે છે ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ તેની મદદે આવે છે.
ક્રિકેટ જગતનો આવો જ એક અશક્ય અને અવિસ્મરણીય પ્રસંગ ૧૪/૦૭/૧૯૮૪ (આજના દિવસે) થયો હતો. ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝની ત્રીજી ટેસ્ટ ઈંગ્લેન્ડના હેડિંગ્લે ખાતે રમાઈ રહી હતી. પાંચ ટેસ્ટ સિરીઝની અગાઉની બે ટેસ્ટ ઈંગ્લેન્ડ હારી ચૂક્યું હતું. ઈંગ્લેન્ડના કેપ્ટન ડેવિડ ગોવરે ત્રીજી ટેસ્ટમાં જ ઈંગ્લેન્ડ સિરીઝ હારી ના જાય તેની પૂરી તૈયારી કરી હતી. પહેલા દિવસે સવારે જ ઈંગ્લેન્ડના ઓપનર ક્રીસબ્રોડના એક શોટને રોકવા જતા વેસ્ટ ઈન્ડીઝના માલ્કમ માર્શલને ડાબા હાથના અંગૂઠે બે ફ્રેકચર થયા. ડોકટરોએ તેને ૧૦ દિવસ સુધી ક્રિકેટથી દૂર રહેવાની સલાહ આપી હતી. અગનગોળાની જેમ બોલ ફેંકતા માલ્કમ માર્શલ ફિલ્ડમાંથી બહાર જતા ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ ઘણી રાહત અનુભવી.
ઈંગ્લેન્ડે તેની પહેલી ઈનિંગમાં ૨૭૦ રન કર્યા. પહેલી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર ૨૯૦ એ પહોંચ્યો ત્યારે તેમનો નવમો બેટ્સમેન જોએલ ગાર્નર આઉટ થયો. આ વખતે ગોમ્સ ૯૬ રને દાવમાં હતો. માલ્કમ માર્શલ ઈજાગ્રસ્ત હતા અને ડોકટરોએ તેને ક્રિકેટથી દૂર રહેવા માટે ગંભીર ચેતવણી આપી હતી. આથી ઈંગ્લેન્ડના ખેલાડીઓએ અને સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોએ માની જ લીધું હતું કે વેસ્ટ ઈન્ડીઝનો દાવ પૂરો થઈ ગયો છે. ખુદ ગોમ્સે પેવેલિયન તરફ ડગ માંડવાની તૈયારી કરી.
પણ સહુના આશ્ચર્ય વચ્ચે બધાએ જોયું કે ડાબા અંગુઠાના ફ્રેકચરની સાથે માલ્કમ માર્શલ ક્રીઝ પર આવી રહ્યો છે. તેણે ગોમ્સને એક સુંદર સ્માઈલ આપી સ્ટ્રાઈક લેવાનો સંકેત આપ્યો. તેનો આશય માત્ર ૯૬ રને અણનમ રહેલા તેના સાથીની સદી પૂરી કરવામાં મદદ કરવાનો હતો. ગોમ્સે સદી પૂરી કરી. કહે છે ને કે હિંમત બતાવીને હારવું સારું પણ હિંમત નાં હારવી. માલ્કમ માર્શલે એલોટના એક બોલને એક હાથે સુંદર સ્ક્વેર કટ મારી બાઉન્ડ્રીની બહાર પણ મોકલી બતાવ્યો. વેસ્ટ ઈન્ડીઝની પહેલી ઈનિંગ ૩૦૨ રને પૂરી થઈ ત્યારે ગોમ્સના ૧૦૪ રન થયા અને વેસ્ટ ઈન્ડીઝને ૩૨ રનની લીડ મળી. ઈંગ્લેન્ડના ખેલાડીઓ જ્યારે માલ્કમ માર્શલ બેટિંગમાં ઝઝૂમી રહ્યા હતા ત્યારે હસી રહ્યા હતા. તેમનું આ હાસ્ય જો કે લાંબો સમય ટક્યું ન હતું. કારણકે માલ્કમ માર્શલને આ દરમ્યાન કઈક વિશિષ્ટ કરી બતાવવાની પ્રેરણા મળી ચૂકી હતી.
ઈંગ્લેન્ડની બીજી ઈનીગમાં તેમના આશ્ચર્ય વચ્ચે માલ્કમ માર્શલ બોલ લઈ ઓપનિંગ બોલિંગ કરવા તૈયાર હતા. માર્શલે બોલ ફેંકતી વખતે તેની જે સ્ટાઈલ હતી તે અનુસાર રન અપ વખતે જ તે ડાબા હાથમાંથી જમણા હાથમાં બોલ પસાર કરતો હતો તેવું કર્યા વિના તેણે બોલ ફેંકવાના શરુ કર્યા. ફાસ્ટ બોલરો માટે પોતાની સ્ટાઈલ બદલીને બોલ ફેંકવાનું ખુબ અઘરું હોય છે. સંકલ્પ હંમેશા માણસને સફળતા અપાવે છે અને સંશય નિષ્ફળતાની નજીક લઈ જાય છે.
‘માકો’ના હુલામણા નામથી ઓળખાતા બાર્બાડોસના આ ખેલાડીના હાથમાંથી અગનગોળાની જેમ છુટતા એક સુંદર બોલે ઓપનર ક્રીસ બ્રોડને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. આ ક્રીસ બ્રોડના જ એક શોટથી માર્શલના ડાબા હાથના અંગુઠે બે ફ્રેકચર થયા હતા. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ અમ્પાયરને ફરિયાદ કરી કે માર્શલના પ્લાસ્ટરની ચમકને લીધે તે જ્યારે બોલ ફેંકે છે ત્યારે તેઓની એકાગ્રતામાં ભંગ થાય છે. તુરંત માર્શલે પ્લાસ્ટર કાઢી સાદો ઈલાસ્ટોક્રેટ બેન્ડેજ બાંધી બોલ ફેંકવાના ચાલુ રાખ્યા. થોડીક ઓવરો પૂરી થઈ, ઈંગ્લેન્ડ હજુ ઉભું થવાનો પ્રયત્ન કરતું હતું ત્યાં અચાનક ઈંગ્લેન્ડના એક બેટ્સમેન ફાઉલરના એક શોટનો કેચ માર્શલે એક હાથે કરીને સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોને સ્તબ્ધ કરી દીધા.
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં માર્શલે તેની કારકિદીના શ્રેષ્ઠ સ્વીંગ બોલ એક હાથે ફેંકી બતાવ્યા. તેણે તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ ૨૬-૯-૫૩-૭ નાખ્યો. (૨૬ ઓવરમાં નવ મેઈડન ઓવર નાખી, ત્રેપન રન આપી સાત વિકેટ લીધી). તેના આ દેખાવે ક્રિકેટના માંધાતાઓને પણ અચંબામાં મૂકી દીધા. જીતવાની ત્યારે જ મઝા આવે જ્યારે બધા નિષ્ફળતા, અશક્ય અથવા હાર માનીને જ બેઠા હોય. ઈંગ્લેન્ડનો દાવ ૧૫૯ રનમાં જ સમેટાઈ ગયો. જીત માટે જરૂરી ૧૨૮ રન વેસ્ટ ઈન્ડીઝે માત્ર બે વિકેટના ભોગે જ કરી લીધા.
છેલ્લા ૧૫૦ વર્ષમાં ક્રિકેટરો ઈજાગ્રસ્ત થયા હોય અને પછી હિંમત બતાવી રમ્યા હોય તેવી પ્રથમ દસ ઘટનામાં આ ઘટનાનો સમાવેશ થાય છે. માર્શલે સાબિત કરી બતાવ્યું હતું કે જીવનમાં અશક્ય લાગતી વસ્તુઓમાં પણ પ્રયત્નોની ઊંચાઈ જ એટલી બધી રાખવી કે સંજોગોએ પણ તેની આગળ ઝૂકવું પડે. માર્શલે એક હાથે હિંમત બતાવી બેટિંગ કરી, અદભુત ફિલ્ડીંગ ભરી, કેચ પણ કર્યો અને જીવનની શ્રેષ્ઠ સ્પેલ ધરાવતી બોલિંગ પણ કરી. હંમેશા માટે ક્રિકેટ રમવા માટે મુશ્કેલી પડી શકે છે તેવી ડોકટરોની સલાહને પણ તેણે દેશ માટે અને મિત્ર માટે જરૂર હતું એટલે અવગણી.
છેલ્લો બોલ : ૪૧ વર્ષની નાની ઉંમરે જ્યારે આંતરડાના કેન્સરના કારણે માલ્કમ માર્શલે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેમના કોફીનને વેસ્ટ ઈન્ડીઝના પાંચ ભૂતપૂર્વ કેપ્ટનોએ ઉચક્યું. આવું મરણોત્તર સન્માન હજુ સુધી કોઈ ક્રિકેટરને મળ્યું નથી.
