rupal sanghavi

Tragedy Inspirational Others

4  

rupal sanghavi

Tragedy Inspirational Others

માગણા

માગણા

2 mins
323


બે દીકરી અને એક દીકરા પછી, ચોથું બાળક દીકરી છે. એવું જાણ્યા પછી, મુકેશભાઈ અને રિનાબહેને એવું નક્કી કર્યું, કે આ બાળકને જન્મ આપવો નથી. અને ત્રણ માસના ગર્ભને સમાપ્ત કરી નાખવા માટેના, અનેક દેશી, ઘરગથ્થુ ઉપાયો કર્યા પછી પણ જ્યારે પાંચ માસ થવા આવ્યા, ત્યારે રીનાબહેનના સાસુએ કહ્યું : "હવે તો બાળકનો ઘણો વિકાસ થઈ ગયો હોય હવે કંઈ ના થઈ શકે. ને આમેય દીકરીનો પાણો છે ને ! એ છીપરું ખસે ક્યાંથી ? હશે એના માગણા ! તો ભલે એ'ય આવતી બીજું શું !"

આ રીતે જન્મ્યા પહેલાં જ જેની ઉપેક્ષા થઈ રહી હતી એવી દીકરી અધૂરા માસે જન્મી. રીનાબહેને જે ગર્ભપાત માટે લીધેલા હતા, એ ઔષધો થકી ગર્ભપાત તો ન થયો પણ દીકરીનો વિકાસ ઓછો થયો. 

અને બે હાથ વગરની દિવ્યાંગ દીકરી સાતમા માસે જ જન્મી.

ઘરમાં બધાના શુષ્ક વ્યવહાર છતાં, એક પોતાની માં ના સ્નેહભીના પાલવને છાંયે આશા મોટી થવા લાગી. પણ માં ક્યારેક ઘરના બીજા સભ્યોને સાચવવામાં આશાનું કામ ભૂલી પણ જતી..અને ધીરે ધીરે આશા પોતાના બે પગથી પોતાનું કામ જાતે કરવાની કોશિશ કરતી. આમ રોજની પ્રેક્ટિસથી એ ઘણું શીખી હતી. મોટા ભાઈ બહેનને સ્કૂલે જતા જોઈને આશાને પણ સ્કૂલમાં જવાની ઈચ્છા થઈ આ વાત એણે પોતાના પપ્પાને કહી. મુકેશભાઈએ સ્કૂલમાં પૂછતાં, ત્યાંના પ્રિન્સીપાલે આશા જેવા બીજા દિવ્યાંગ બાળકોની સ્કૂલ વિશે માહિતી આપી.

ત્યાં આવા બાળકોને રહેવા તથા જમવાની સગવડ, શિક્ષણ, ઉપરાંત ઘણી સરકારી સહાય પણ આપતા હતા.

મુકેશભાઈને પણ યોગ્ય લાગ્યું અને એમણે આશાને ત્યાં ભણવા માટે મોકલી.

હવે આશા ભણવા ઉપરાંત કંઈક એવું પડકાર રૂપ કાર્ય કરવા ઇચ્છતી હતી, કે એની શારીરિક ખામી ગૌણ બની જાય. એ કંઈક અલગ, કંઈક ઉડીને આંખે વળગે એવું કામ કરવા માંગતી હતી. 

એની એક બહેનપણી સીવણ ક્લાસમાં જતી હતી. આશાને પણ ત્યાં જવાનું મન થયું. એ બહેનપણી સાથે ત્યાં ગઈ, અને કહ્યું કે પોતે પણ સિલાઈ શીખવા માંગે છે.

પહેલા તો એની વાત બધાએ મજાકમાં ઉડાવી દીધી પણ, ત્યાંના શિક્ષિકા બહેને કહ્યું "જો ખરેખર તારે આ શીખવું હોય તો પણ બે હાથ વગર તું કઈ રીતે શીખીશ ?"

આશાએ પોતાનું બધું કામ પગેથી કરતી હોવાનું બહેનને કહ્યું, અને પોતે ખૂબ ધગશથી શીખશે એવી ખાતરી આપી. 

આશાની હોંશ જોઈને બહેને હા કહી. અને આશાએ ખૂબ મહેનત કરીને પડકારરૂપ કામ પાર પાડ્યું. હવે એ પગભર થઈને ગામમાં દુકાન ખોલીને દરજીકામ કરવા લાગી.

સંજોગો બદલાયા, અચાનક હાર્ટએટેકથી મુકેશભાઈ મૃત્યુ પામ્યા. બે બહેનો પરણી ગઈ હતી, ભાઈ પરણીને પહેલાથી જ જુદો રહેતો હતો. મા, અને દાદીની જવાબદારી એકલી આશા ઉપર આવી પડી. 

અને હવે એ અણજોઈતી ને અળખામણી દિવ્યાંગ આશાની પાસે જ મા અને દાદીના માગણા નીકળ્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy