માધવનો પૂર્વાનુભાષ
માધવનો પૂર્વાનુભાષ
માધવ આજે એનાં પરિવાર સાથે પંદર દિવસની યાત્રામાં નીકળ્યો. પત્ની, બે બાળકો, અને માતા – પિતા સાથે. પોતાની જ ગાડી લઈને જવાનો આગ્રહી માધવ એનાં માતાપિતાની વાત માન્યો નહીં. ઘરનાં સૌએ ટ્રેનમાં આરામની મુસાફરી કરવાનો આગ્રહ રાખ્યો હતો. પણ માધવનું મન માન્યું નહીં. ખબર નહીં કેમ પણ એને રોજ રાત્રે એકજ સપનું દેખાતું,અને એમાં ટ્રેનનો અકસ્માત થયો હોય, અને એમાં એ એનાં પરિવાર સાથે મુસાફરી કરતો હતો. એની નજર સામે જ એનો પરિવાર એ ગુમાવી બેસે છે. આવો ભાસ સપનામાં વારંવાર થવાથી માધવને લાગે છે કે ગયા જન્મમાં પણ હું મારા પરિવારનું રક્ષણ નથી કરી શક્યો માટે આ જન્મમાં મારે મારા પરિવારને ગુમાવવો નથી. બધું નજર સામે તરવરતું હોવા છતાંય એ પરિવારને કહી નથી શકતો કે ગયા જન્મમાં હું જ તમને યાત્રા કરવા ટ્રેનમાં લઈ ગયો હતો. આ પ્રસંગને વારંવાર સપનામાં જોવાથી એને ખાતરી થઈ ગઈ કે આ મારો માનવ તરીકેનો પહેલો જન્મ નથી.
માધવ એક એવી વ્યક્તિ છે કે જે ખૂબજ ભણેલી છે. સારી કંપનીનો માલિક છે. આજનાં સમયનાં એનાં સાથીદારો કે પરિવાર પણ તેની આવી પૂર્વજન્મનાં પ્રસંગોની વાતો પર ભરોસો ના કરે. પણ માધવની સાથે એવી ઘણી ઘટનાઓ ઘટે છે જેનાથી એને હવે ખાતરી થઈ ગઈ છે કે એને પૂર્વજન્મનાં સંબંધોનો અહેસાસ થાય છે. એને બધું યાદ આવવા લાગે છે.
યાત્રાએ પોતાનીજ ગાડી લઈને નીકળેલો માધવ બપોર થતાં જ હાઈવે પર એક હોટલ પાસે જમવા ઊભો રહ્યો. હોટલમાં એક નોકર એક પગે અપંગ છે અને જમ્યા પછી બધાની એંઠી ડીશો લેવા આવે છે. માધવ ક્યારનો એનેજ જોઈ રહ્યો છે. એને સતત એમ થાય છે કે આ માણસને એ ઓળખે છે. ખૂબ મનોમંથન કરે છે, ને એને યાદ આવે છે ગયા જન્મની વાત !
કોલેજમાં ભણતાં ત્યારે મિત્રમંડળ સાથે એકવાર રાત્રે હોટલમાં જમવા ગયા હતાં, અને આજ માણસ જેનું નામ સૂરજ હતું. ગુંડાગીરી કરીને પૈસા પડાવતો અને ના આપે એની સાથે મારામારી કરતો, અને ક્યારેક હત્યા પણ...! એ પોતાની ટોળી સાથે આવ્યો અને અમે જ્યાં બેઠા હતાં એ ટેબલ અને એ જગ્યા એની છે એટલે અહીંથી ઊભા થઈ જાવ એમ કહી ચર્ચા કરવા લાગ્યો. બધાએ બહુ સમજાવ્યો પણ ના માન્યો, અને ગુસ્સામાં એણે તલવાર કાઢીને મને જોરથી હાથ પર મારી, મારો હાથ કોણીએથી કપાઈ ગયો હતો, એ જોઈને એની ટોળી સાથે એ ભાગી ગયો હતો.
આજ હોટલ હતી. આજ ટેબલ ! બસ રંગરૂપ બદલાયાં હતાં. માધવે એને બોલાવીને નામ પુછ્યું. આ જન્મમાં પણ એનું નામ સૂરજ જ હતું. માધવને ખાતરી થઈ ગઈ કે સૂરજને ગયા જન્મનાં કર્મનું ફળ મળ્યું છે. આ જન્મે એનો એક પગ એક અકસ્માતમાં કપાઈ ગયો હોવાથી અહીં નોકર રૂપે જીંદગી ગુજારે છે.
જમીને માધવે આગળનો પ્રવાસ શરૂ કર્યો. સાંજ ઢળી રહી છે ને બધા સાપુતારાની પહાડીઓની તળેટીમાં પહોંચ્યા. એક હોટલમાં રાત્રિ રોકાણ કર્યું. માતા – પિતા જમીને સૂઈ ગયા ને માધવ પત્ની અને બાળકો સાથે નીચે ચક્કર મારવા નીકળ્યા. નીચે બીજા પણ ઘણાં બધાં પ્રવાસીઓ ટહેલતાં હતાં. વાતાવરણ ખુશનુમા હતું.
માધવની નજર એક નવપરિણિત યુગલ પર પડી. એ યુવતીને જોઈજ રહ્યો, અને એકાએક જ એનાં મોઢામાંથી એક બૂમ નીકળી ગઈ, મીનાના..... પેલી યુવતીએ એક ક્ષણ તેની સામે જોયું ને પછી પાછળ ફરી ગઈ. માધવનું મન ચકડોળે ચડ્યું. આ મારી બેન મીના જ છે, એને કેટલાં લાડથી રાખી હતી અમે ! એકની એક હતીને ! અને અમારા બધાથી વિરુદ્ધ જઈને એણે એનાં કોલેજનાં મિત્ર પરેશ સાથે લગ્ન કર્યા હતાં,અને સદાયને માટે અમારી સાથેનો સંબંધ કાપી નાંખ્યો હતો. આજે બીજા જન્મે મને આ રીતે સામે મળી છે. હું કેમ કરીને એને સમજાવું કે તું જ મારી પૂર્વજન્મની બેન મીના છે. હું તારો ભાઈ માધવ છું.
કેટકેટલાં અહેસાસ થાય છે માધવને એનાં પૂર્વજન્મનાં ! દરેક જન્મે જુદાં જુદાં લોકો સાથેનાં સંબંધો આજે પણ એને યાદ છે. પણ મજબૂર છે કે કોઈને કહી નથી શકતો. કોઇ એની વાત પર વિશ્વાસ પણ નથી કરતું. એ તરતજ એની પત્ની મીરાંની સામે જોઈને બોલ્યો, ‘સીમા ઓ સીમા જો તો ખરી આપણી મીના આવી ગઈ છે. પરેશકુમારને પણ સાથે લાવી છે. મીરાં તો હતપ્રભ થઈને માધવને જોઈજ રહી ! માધવ શું બોલે છે ? એને કશું જ નથી સમજાતું.
માધવ હું તો મીરાં છું, તારી પત્ની. સીમા નથી હું. ત્યાંજ માધવ મીરાંનો હાથ પકડીને થોડે દૂર ખેંચીને લઈ જતાં બોલ્યો, “જો સીમા આપણે આપણાં લગ્ન પછી હનીમુન માટે અહીંજ આવ્યા હતા. આજ જગ્યાએ બેસીને આપણે કેટકેટલા સપનાં જોયાં હતાં ? કેટલી વાતો કરી હતી ? તને યાદ છે ? આપણે આપણું નવું જીવન કેવું સજાવીશું એની વાતો ને વાગોળતાં બેઠાં હતાં. એકાએક જ વરસાદ તૂટી પડ્યો અને આપણે ઝડપથી દોડીને હોટલ તરફ જવા લાગ્યા ને સામેથી આવતી એક બસે આપણને બેઉને અડફેટે લીધાં ને આપણે સદાયને માટે એકબીજાથી છૂટાં પડી ગયાં હતાં !"
મીરાં તો માધવને ઢંઢોળીને પુછવા લાગી માધવ તમને થયું છે શું ? માધવ મીરાંને પોતાનાં પાછળનાં દરેક જન્મમાં બનેલી ઘટના અને આ જન્મે બનેલી ઘટનાની વાત કરે છે અને કહે છે કે દરેક જન્મમાં આપણે સાથે હતાં. કોઈને કોઈ કારણથી છૂટાં પડ્યાં અને એજ કર્મોનાં ઋણાનુંબંધે ફરી પાછા એક થતાં ગયાં. આ મારો પાંચમો જન્મ છે. દરેક જન્મે તું જ મારી પત્ની, કે પ્રેમિકા બનીને આવી છે. તો મારા માતા – પિતા એ મારા ત્રીજા જન્મમાં મારાં પુત્ર અને પુત્રવધુ હતાં. હું ને તું એમનાં મા – બાપ. એમણે આપણને બહુ પ્રેમથી રાખ્યાં હતાં. આજે એ ઋણ આપણે પુત્ર – પુત્રવધુ બનીને ચુકવીએ છીએ.
પણ માધવની વાત પર કોઈ જ ભરોસો નથી કરતું. બદલાયેલા સમયની સાથે બધું બદલાતું હોય છે. નવા વિચારોથી ઘેરાયેલા એમનાં પરિવારમાં પૂર્વજન્મની વાત હાસ્યાસ્પદ લાગે છે. બધા હોટલમાં જઈને સૂઈ ગયા. સવારે બધા તૈયાર થઇને નાસ્તો કરવા બેઠા. મીરાએ તેનાં સાસુ સસરાને બધી વાત કરે છે. એ લોકો પણ આશ્ચર્ય પામે છે ને માધવની સામે કુતુહલતાથી જુવે છે.
ત્યારે માધવ એટલું કહે છે કે પૂર્વજન્મનો સિદ્ધાંત આપણાં સંબંધની સાથે એક ચક્ર સ્વરૂપે ચાલ્યા કરે છે. એમાં કોઈ મિત્ર હોય તો કોઈ શત્રુ હોય, કોઈ પ્રેમી હોય તો કોઈ પતિ – પત્ની કે માતા – પિતા હોય કે ભાઈ બહેન હોય ! દરેક સંબંધને એનાં ઋણાનુંબંધે જ નવો જન્મ મળે છે અને પોતાનાં કર્મનું ફળ પણ ભોગવવું જ પડે છે. દરેકને પોતાનાં પૂર્વજન્મનાં કર્મોને અનુસાર જ નવું જીવન મળે છે.
સૌ માધવની આવી વાતો સાંભળીને એકધ્યાને એની સામે એક પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં !
