'Sagar' Ramolia

Abstract Inspirational

4.9  

'Sagar' Ramolia

Abstract Inspirational

મા! મારે ઊડવું છે! ભાગ-૧

મા! મારે ઊડવું છે! ભાગ-૧

2 mins
742


મા ! મારે ઊડવું છે! (સફળ ધનાઢયોની સફળતાનાં સૂત્રો સાથે મહેનત, ખંત, ઉત્સુકતા અને સફળતાની વાત.....) ભાગ-૧ ‘સાગર’ રામોલિયા

-: પ્રવેશ :-

જેને ઊડવું છે, તેને આભ પણ નાનું પડે છે; તેમ જેને આગળ વધવું જ છે, તેના માટે બધી દિશાઓ મોકળી છે, બધા રસ્તા ખુલ્લા છે અને એ રસ્તે મદદરૂપ બનનાર રાહબર પણ મળી જાય છે. બસ, જરૂર છે એ રસ્તે આગળ વધનારની. જે આગળ વધશે તેને ઘણા રસ્તા મળી જશે.

આ પુસ્તક આગળ વધવા ઈચ્છનારને પૂરેપૂરી પ્રેરણા પૂરી પાડશે એવી મને ખાતરી છે. આ પુસ્તક કોઈ રસ્તે આગળ વધવા માટે ઉત્સાહ આપે, ખંતમાં વધારો કરે, નવું નવું શીખવાની ઉત્સુકતા જગાડે અને અંતે સફળતાનો સ્વાદ પણ ચખાડે એવું લખવા પ્રયત્ન કરેલ છે. પુસ્તકની શૈલી એકદમ તેજ ગતિથી આગળ વધે છે. એટલે વાંચવું પણ ગમશે એવું મારું માનવું છે.

આ પુસ્તક વાંચીને કોઈનું પણ જીવન સુધરી જશે કે તેમાંથી શિખામણ લઈને કોઈ ઉત્સાહથી આગળ વધવા લાગશે અને એક દિવસ પોતાનું સ્વપ્ન સાકાર કરી લેશે, સંસારમાં પોતાનું નામ પ્રસ્થાપિત કરી દેશે, તો મારું લખ્યું અને મારું જીવ્યું સાર્થક બની જશે એવું હું અનુભવું છું.

તો વાટ શેની જુઓ છો? આ પુસ્તક વાંચો, કોઈ મંજિલ નક્કી કરો અને તેને સફળતાપૂર્વક પામો. આગળ વધશો તો તમારું સ્વપ્ન જરૂર સાકાર થશે જ અને કોઈ રોકી પણ નહિ શકે. જરૂર છે ઉત્સાહ, ખંત, ઉત્સુકતા અને મહેનતની. આ ચારેયનો સરવાળો એટલે તમારી સફળતા...

સૌ સફળતાને પામો એવી અભ્યર્થના.

- ‘સાગર’ રામોલિયા

મા! મારે ઊડવું છે !

ઘરરર... કરતો અવાજ સંભળાયો. એક નાનકડા ઘરના ફળિયામાં આઠ વર્ષનો એક છોકરો બેઠો છે. તેની નજર તે અવાજ તરફ ગઈ. છોકરાએ બૂમ પાડી, ‘‘મા !.. મા !.. આ શું છે ?’’ માએ આકાશ તરફ જોયું અને કહ્યું, ‘‘બેટા, એને વિમાન કહેવાય ! જેમ પૈડાંવાળાં વાહનો જમીન ઉપર દોડે છે, તેમ વિમાન આકાશમાં ઊડે છે! છોકરાએ તે તરફ જોયા કર્યું. જ્યારે વિમાન દેખાતું બંધ થયું અને અવાજ સંભળાતો બંધ થયો ત્યારે બાળકે ફરી માને કહ્યું, ‘‘મા! મારે પણ ઊડવું છે !’’

બીજાને ત્યાં મજૂરીનું કામ કરતી આ વિધવા માએ એ છોકરાના શરીર તરફ જોયું. તેના બંને પગ અડધી સાથળ સુધીના જ છે. એક હાથમાં પણ કાંડાથી નીચેનો પંજો નથી. જે ચાલી પણ શકતો નથી, તે ઊડવાની વાત કરે છે. તે કહે છે, ‘‘બેટા, કાલુ! તું ચાલી પણ શકતો નથી ! તારે હજુ તો ભણવા જવાનું છે ! પહેલા તું શાળાએ ભણવા જા !’’ આમ, માએ કાલુને નિરાશ ન કરીને ભણવાની વાત કરી. પણ માની વાત સાંભળી કાલુ તો બોલી ઊઠયો, ‘‘મા! એમાં મોડું શા માટે ? ચાલ, મને શાળાએ મૂકી જા !’’

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati story from Abstract