Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Drama Inspirational

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Drama Inspirational

લોન

લોન

2 mins
272


માધવ આજે પર્સનલ લોન ના વ્યાજનો છેલ્લો હપ્તો ભરવા બેંકના પગથિયાં ચડી રહ્યો હતો. આ લોન ચૂકવવામાં આખું વરસ તનતોડ મહેનત અને સાઈકલ રીપેરીંગના વ્યવસાયની આજીવિકા રળવાની ક્ષમતાનો છેડો આવી ગયેલો...!

બેંક તરફ ગતિ કરી રહેલા આ દીકરીના બાપનું મન વિચારોમાં રમમાણ હતું.

આ લોન ઘણી આકરી પડેલી...!

પણ...

બીજો આરો જ ક્યાં હતો...!

પોતે એવા સમાજનો હિસ્સો હતો કે જ્યાં દીકરીઓને વધુ શિક્ષણ આપવાની પરંપરા પણ નો'તી કે ત્રેવડ પણ..!

માધવ જેનું નામ...!

ભણવામાં તેજસ્વી એવી દીકરીને સમાજની રિતી અને પોતાની આર્થિક સ્થિતિની મર્યાદા નડે નહીં તેનું ધ્યાન રાખવા પોતે લોહી પાણી એક કરી નાંખેલ...અને અમદાવાદ ઉચ્ચ અભ્યાસ માટે મોકલી હતી...છેલ્લા એકાદ વર્ષથી...!

યાદ છે...એ ભલો બેન્ક અધિકારી જેણે ખાસ કિસ્સા તરીકે આ લોન માધવની સ્થિતિ અને દીકરીને ભણાવવાની જીજીવિષા જોઈ મંજૂર કરેલ..જેના થકી દીકરીની કોર્સ ફી અને હોસ્ટેલ ફી ભરાઈ ગયેલ. હવે માધવને એવું ઠસી ગયેલું કે દીકરીના કોર્સની ફી ભરાઈ ગઈ હોઈ દર વખતે હવે હોસ્ટેલની ફી નો જોગ કરવાનો રહેશે...તો લોનની માયાજાળ મૂકી વધુ મહેનત અને કરકસર કરી થઈ જશે ! હવે આ વ્યાજના હપ્તા ભરાય તેમ નથી.

બેંકમાં આજે બધું નવું નવું લાગ્યું.

બધો સ્ટાફ બદલાઈ ગયેલો....!

કાઉન્ટર ઉપર કેશ જમાં કરાવી ' નો ડ્યું સર્ટિ.'ની ગડી વાળી પેલા લોન મંજૂર કરનાર અધિકારીની કેબિન તરફ ડગલાં માંડ્યા..

અચાનક મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી...!

" પપ્પા, રમી બોલું..."

" હા, બેટા...ઠીક છે ને...?"

" હા.., પણ...?"

" શું થયું...દીકરી...બોલને ?''

" આ વખતની કોર્સ ફી ભરવાની નોટિસ મૂકાઈ ગઈ છે...મહિનાની આખર લગત ભરવાની છે...!"

"હા.....!! ... બેટા આ ફી દર વર્ષે હોય એવું...?"

" હા...ત્રણ વરસ હોય...પપ્પા..."

" વાંધો નથી...રમી બેટા, હું જોગ કરી મોકલાવી દઈશ...આખર તારીખ પહેલાં...અને તું ચિંતા કર્યા વગર ભણજે બેટા..!"

" સારું... પપ્પા, તબિયત સાચવજો.."

ફોન કપાઈ ગયો...પણ માધવના વિચારોનો તંતુ નવી મથામણમાં જોડાઈ ગયો.

વળી.. પાછી લોન...?

અચાનક...તેની નજર સામે કેબિનમાં પેલા ભલા અધિકારીની ખુરશીમાં બેઠેલ યુવાન મહિલા પર પડી...

મતલબ, પેલા સાહેબ પણ બદલાઈ ગયા..?

વળી...નવા લોન મેનેજર તરીકે આવેલ યુવતી ને અનિમેષ જોઈ રહ્યો ને મનમાં બબડ્યો..

" અદ્દલ રમી જેવી લાગે છે"

" મારી રમી પણ આમ જ શોભશે..ને !"

.....અને રમી એ હમણાં જ કરેલ મોબાઈલ પરનો વાર્તાલાપ યાદ આવી ગયો..!

લોનના વ્યાજ બોજમાંથી હવે છૂટવાનો નિર્ણય કરવાનું બાજુએ રાખી નવી લોનનું ફોર્મ કાઉન્ટર પરથી લઈ...માધવ તેની આંખોમાં અનોખી ચમક સાથે પોતાની દીકરી રમી જેવી લાગતી લોન મેનેજર યુવતીની કેબિનમાં પ્રવેશ્યો...!


Rate this content
Log in

Similar gujarati story from Drama