લોક ડાઉન કે મોરલ ડાઉન
લોક ડાઉન કે મોરલ ડાઉન


જેની બેન જેવા સોસાયટીમાં દાખલ થયા કે તરત જ લોકોએ ગુસપુસ કરવા માંડી. સ્ત્રીઓએ પોતાના નાના બાળકોને ઘરમાં ખેંચીને લઈ લીધા. જેનીબેન ને આશ્ચર્ય થયું. .કે લોકો કેમ આવી વિચિત્ર નજરે જુએ છે એમને પછી એમણે માસ્ક હટાવી ચુપચાપ એમના એપાર્ટમેન્ટના દાદર ચડવા લાગ્યા અને એમના કાને ગુસપુસમાંથી ગણગણાટ સાંભળ્યો.
"તમે કહો"
"ના ના તમે જ કહો તમે પ્રમુખ છો"
તમે પણ કહી જ શકો ને તમે સેક્રેટરી છો"
"આખા એપાર્ટમેન્ટ માં ચેપ લગાવશે"
એટલે એમણે ફરી ને પૂછ્યું, "કેમ ભેગા થયા છો? કોઈ માંદુ છે? દવાની જરૂર છે"
એટલે એપાર્ટમેન્ટ ના પ્રમુખ વિનોદ ભાઈ આગળ આવ્યા ને બોલ્યા ," જુઓ જેની બેન તમે નર્સ છો અને સિવિલમાં ચેપી રોગના વોર્ડમાં કામ કરો છો તો બધાં એવું કહે છે કે તમે થોડા દિવસ બીજે રહેવા જતા રહો. માફ કરજો પણ અમે આ નિર્ણય લીધો છે. ."
જેની બેને ગુસ્સાને કાબુમાં રાખી બોલ્યા. "અરે આ શું કહો છો તમે? હું બહાર જાવ? અરે તમે ઘરમાં શાંતિથી સલામત રહો એટલે હું સોળ કલાક તમારા ભલા માટે કામ કરું છું. અને તમે મને બહાર જવાનું કહો છો. અરે ગયા રવિવારે તો તમે અમને લોકોને થાળી ઘંટડી વગાડીને આભાર માન્યો હતો. અને આજે ?? !! છટ. આવા સ્વાર્થી લોકો સાથે રહેવા કરતા મારી સિવિલ હોસ્પિટલમાં રહેવું સારું. .ખૂબ સારો બદલો આપ્યો તમે લોકો એ. યાદ છે ને વિનોદભાઈ તમને કે તમારા દીકરા ને જ્યારે રમતા રમતા વાગ્યું હતું ત્યારે મેં જ એને પ્રાથમિક સારવાર આપેલી જેને કારણે એ મોટી ઇજામાંથી બચી ગયો હતો. અને જગદીશભાઈ તમારા ઘરે દીકરીને ઇલેકટ્રીક શોક લાગેલો તેની સારવાર પણ મેં જ કરેલી હું જ મારા એક્ટિવા પર લઈ ગયેલી. તમે ને ભાભી તો નોકરી પર હતા.. જવા દો આ બધું મારે તમને ન કહેવું જોઈએ. આજે મારા પતિ હયાત હોત તો મારે તમને જવાબ ન આપવા પડત. હું મારા દીકરા સાથે નર્સ ક્વાર્ટર માં ચાલી જઈશ." બધાને સચ્ચાઈનો અહેસાસ થવા માંડ્યો. પણ મોડું થઈ ચૂક્યું હતું કયે મોઢે કહે કે અમારી ભૂલ થઈ ગઈ છે. .અને ત્યાંતો જગદીશભાઈ ના ઘરેથી જ ચીસ પડી. એમની પત્નીએ બૂમ પાડી કહ્યું. .જલ્દી આવો તમારા બા ને હાંફ ચડી છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે કોઈ ડોકટર ને બોલાવો. ." એટલે જેની બેને પળવારમાં જ મોબાઇલમાંથી કોલ કરી એકસો આંઠ ને બોલાવી દીધી અને એ દોડ્યા ટોળાને ચીરતા જગદીશભાઈ ના બા ને ત્યાં. એમને કૃત્રિમ શ્વાસ આપવાનું અને હૃદયને પંપીંગ કરવાનું ચાલુ કર્યું. . અને એમને કળ વળી ત્યાં એમ્બ્યુલન્સ આવી ગઈ. .બધા સિવિલ દોડ્યા અને ત્યાંના ડોકટરે કહ્યું. " જો તમે આ પેશન્ટ ને પાંચ મિનિટ પણ મોડું લાવતે તો એ ગુજરી જતે. .પ્રાથમિક સારવારે જ એમનો જીવ બચાવ્યો છે. આભાર સિસ્ટર જેની બેન તમે આજે એક જિંદગી બચાવી છે. જેની બેને કહ્યું,"આભાર ગોડ નો માનો. . હું તો એમના આદેશનું પાલન કરું છું. અને હા ડોકટર મારે આજ થી અહીં જ રહેવું છે. લોકોને મારો ડર લાગે છે કે ક્યાંક એમને કોરોના ન થઈ જાય. ભલે અમને થતો પણ મારા પડોશીઓને ન થવો જોઈએ. આ લોકો લોક ડાઉનની સાથે સાથે મોરલ ડાઉન પણ કરે છે. એટલે જ હવે મારે અહીં રહી ને જ સેવા કરવી છે. "
જગદીશભાઈ એ આંખમાંથી આંસુ રોકીને કહ્યું" મારી મોટી ભૂલ થઈ ગઈ છે. મેં જ લોકોને ઉશ્કેરેલા કે આ આપણી સાથે રહેશે તો બધા ને કોરોના થઈ જશે. .મને માફ કરો જેની બેન તમે તો ઈશ્વરના દૂત છો. તમે અમારી સાથે જ પાછા ચાલો. "
અને જેની બેન પરત સોસાયટીમાં ફર્યા એટલે દરેક ફ્લેટ વાસીઓએ ફરીથી તાળી પાડી થાળી ને ઘંટડી વગાડીને સ્વાગત કર્યું.