લોહીનો રંગ
લોહીનો રંગ
આજે ફરી એ આવી લંગડાતા પગે માંડ માંડ ચાલી શકતી હતી, ને છતાં કામ પર આવવું એટલું જ જરૂરી..નામ ભલે ‘ખુશી’ હતું પણ આ ‘ખુશી’નાં જીવડાને ખુશ રહેવામાં કેટલી તકલીફ પડતી હતી એ આખાય ઠાકોરવાસમાં કોઈનાંથી અજાણ્યું નહોતું હા..નહતો જાણતો તેનો આ નવો શેઠ ! શેઠને તો બસ હુકમ આપવા સિવાયની એક પણ વાત તેને કોઠે હતી નહીં. “ અલી એ બસ આ મારી સાવરણી ઘસી મારવી છે તારે?, જલ્દી કર, હજુ પોતા કરવાના છે, પાણી ભરવાનું છે. અને આજથી ગુમાસ્તો આવવાનો નથી, હવેથી તેનું પણ બધુ જ કામ તારે જ કરવાનું છે અને હા …ઘેરથી શેઠાણી ટિફિન, આપે તે હાથ ધોયા વગર પકડીશ નહીં.! જા હવે …આ નાના શેઠ માટે આખા દૂધની ચા લઈ આવ ..!
ખુશીને વાસીદૂ કાઢતા કાઢતા, ઊભાં થતા માથામાં ઝટકો લાગેલો, તે મનોમન બોલી ઊઠી ..! હે નાથ આ તે કેવી તારી દુનિયા.. અને કેવા તારા રમકડાં નાથ ? મનમાં ને મનમાં જ માંડી ફરિયાદ.. વચમાં પંચશેરિયું પેટ આડુ હોય ત્યાં ઊંચે મોઢે તો ક્યાંથી બોલાય .? શું આમ જ જિંદગી જશે ? આગળ કઈં જ નહીં …? દુકાન સફાઈ કામ કરવા આવતી હતી પણ લાગે છે કે હવે આ શેઠ જીવ લઈને જ રહેશે કોક દિ..!!! નાના શેઠની હુકમ બજવણી માટે આવતો ગુમાસ્તો તો શેઠનાં ત્રાસે ભાગી ગયો હતો, પણ એ ક્યાંય ભાગી શકે તેમ છે જ નહીં એને તો બસ બીજી નોકરીના મળે ત્યાં લાગી આ શેઠનો ટકટકારો જીલવાનો રહ્યો …આવી મૂંગી ફરિયાદોનો અંત નથી આવવાનો, તે યાદ આવતા જ મગજનો દરવાજો ફટાફટ બંધ કરી, દુખતા તનની પીડાને રામ રામ કરીને શેઠનાં ધાણી ફૂટ આદેશો અનુસાર કામ કરતાં કરતાં એમ ને એમ જ રોજની જેમ જ આજે પણ સાંજ પડી ગઈ. ખુશીએ શેઠે દુકાન વધાવી, તે પછી તેણે ઘર ભણી ચાલવાનું શરુ કર્યું … તેના ટાયરના બનેલા પગરખાંની રોજનાં રસ્તાની જાણકારીને લઈને ઘેર જવા માટે ખુશીને કોઈ દિમાગ ચલાવવાની જરૂર નહતી.
….. પણ લાંબા રસ્તે ચાલતા...ચાલતા...એને તેની મા યાદ આવી ગઈ ! એની મા ના સ્મરણના જોરે રોજ કરતાં રસ્તો જલ્દી ખૂટવા લાગ્યો … ભૂતકાળમાં માના ખોળે જીલેલા તેના મીઠાં ઓવારણા યાદ આવ્યા, ને સાથે યાદ આવી, ઝાડ નીચે સૂતા સૂતા જોયેલ વહેતી નદીની ..તૂટેલો ઘાટ …કપડા સાથે ઘસાઈને લીસા થયેલા છીપરા ….અને કપડાં ધોતી માના ધોકાનો ધબ ધબ થતાં અવાજની .. તો કોઈવાર... તેજ નદીનાં કિનારે આથમતી સાંજ..મંદિરની વાગી રહેલી ઝાલરની. સાંજ પછી, આભમાં ફરી વળતાં અંધારાની સાથે જ તેની સાથમાં રહેતું ચંદ્રનું અજવાળું ….એ ઉજાસની શીતળતાના જોરે સાવકા બાપનાં ત્રાસને સાથે કપાતા દિવસો. સદાય આસુડાં ગળી હસતી રહેતી માં ને એ ટાણે જોઈ જીવવાનું બહાનું મળતું હતું ….!
ઓહો …શું દિવસો હતા ! એ દિવસોની યાદ જાણે, અત્યારે આખા શરીરમાં ફરી વળી.. ને ખુશીની ચાલ ઉતાવળી થઈ ગઈ, રોજ કરતાં આજે ઠાકોરવાસ ઝડપથી આવી ગયો. ઠાકોરવાસમાં ઘર તો એ જેમ મૂકીને ગઈ હતી એવું ને એવું જ ઊભું રાહ જોઈ રહ્યું હતું. મ્યુનિસિપાલિટીની લાઈટોમાં ઉજાસમાં પડતાં તેના લાંબા પડછાયાને વટાવી ખોરડે આવી, દરવાજો એમને એમ જોયો, ભીખો હજુ આવ્યો નથી લાગતો ? સ્વગત બબડી પણ અંદરખાને એક જાણીતો ભય ઘેરી વળ્યો..પણ શું થાય હવે ? આ ફરિયાદ તો ઈશ્વર સાંભળવાનું જ ભૂલી, ગયો છે ને એ પણ થાકીને હવે ઈશ્વરને કહેવાનું ભૂલી ગઈ છે ….!
બાજુની કાચી-પાકી ઝૂંપડીઓમાંથી આવતા નવા પરણેલાઓના ઊંહકારા કે નવા જન્મેલના ઉંવા ઉંવાનો અવાજ હવે એને કોઠે પડી ગયો હતો. હવે ઉદરમાં કઈ ફરફરતું નથી એ વિચારે લાય નથી ઊઠતી. ….ઊલ્ટાની ટાઢક વળે છે કે, ભીખાના રાજમાં નવા જીવને દુઃખી થવા લાવવા માટે તેનો કોઈ અધિકાર નથી.
દુનિયા ભરના દુ:ખો વચ્ચે તેનું નામ ખુશી હતું. તે વિચારતી કે કોણ જાણે શું જોઈને નામ રાખ્યું હશે મારી માએ.? ‘ ખુશી ! ‘ જેના ખુદનાં જીવવાનાં ઢંગધડા નથી, એને વારી ખુશી ક્યાથી હોય. વળી ભીખો યાદ આવ્યો..કોણ જાણે ક્યાં ગયો હશે આજે..? કોણ એને ઘર સુધી પહોંચાડશે આજે..? આજે પણ સાવ ભાનમાં જ ન હોય તો સારું.. ખાટલે પડી ગરગડીયા બોલાવશે તે પોસાશે, પણ અડધોપડધો ભાનમાં હશે તો વળી આજની દહાડી માગશે ને નહીં આપું તો ધબકારશે ….મારીને થાકશે ત્યારે આ હાડને તેના વાસ મારતા ગંધાતા મોઢેથી ચૂંથશે. હે ભગવાન ! એને મારા આંસુ કેમ દેખાતા નથી ? અને હું યે મૂઈ પાછી, એને જે કરવું હોય તે કરવા દઉં છું. હા બે દિવસ પહેલા, ના પડેલી તો એને તો લાતો ફટકારી એની સોથ બોલાવી, મરેલી માંને યાદ કરવી દીધી.
ખુશી મનના બારણાંને આગળીયો મારી રોટલા ઘડવા બેઠી... તે અચાનક આજે તેના ‘નાનકા’ને વિચારે ચડી, શું કરતો હશે... આજકાલ કરતાં નવ વરસ થઈ ગયા. ત્યાં જ ચૂલાનાં ધુમાડાની અસર આંખ પર થઈ ને પાછી વિચારોના વમળમાંથી બહાર આવી. અરે રે ! આ ચુલાને શું થયું છે કાં સળગે નહીં ? એક લાકડું ઊંચું કરી ચૂલામાં કેરોસીનમાં ગાભો પલાળી નાખ્યો, ને એકાદ સૂકું લાકડું ઓળ્યું ત્યારે માંડ માંડ ચૂલો સળગ્યો, હવે ઝટ ઝટ બાજરીનો લોટ કાઢ્યો ને રોટલા ઘડવા માંડી. ફરી પાછો ગોળમટોળ ‘નાનકો’ યાદ આવ્યો…રોજની જેમ લૂસલૂસ રોટલાના ટપાકા પછી ખાટલે પડી, અને પાછી વિચારના વલોણે ચકરાવે ચડી....નવી પરણી, ભીખાને ખોરડે આવી ત્યારે.. ફાગણ મહિનાની એક ઠંડી-ઉની ભર બપોરે.. વડલાની છાયામાં ભીખાએ એને પકડેલી, તેનો બરછટ હાથ પછી ગાલે પહોંચ્યો ને પછી ગળે,અને તે દિવસે ભિખાએ ખેતરની કોરી માટીને બે શરીરોનાં પરસેવાથી ભીંજવેલ..એ સુગંધીદાર ગંધ યાદ આવી ગઈ. આખા શરીરમાં ફરી વળેલી એ સુગંધ નવમે મહિને પંડથી અવતરી ત્યારે, ખુશી ગાંડી થઈ હતી, જાતને આખા મલકની ધનેશરી સમજીતી. પણ ભીખો પાંચમે મહિને, તે પંડની જણસને કોણ જાણે કોને વેચી આવ્યો.. તે ગંજેરીને.. થોડું યાદ રહેવાનું.. કે આવવાનું હતું ? અને પૈસા બે દિવસમાં મહુડામાં પી ગયો. પણ ખુશી મૂઈને એના છગડિયા નામ હાળે જોડાએલ, તે દસ-શેરીયાની એક એંધણી યાદ રહી ગયેલી, ને તે એના જાણેલા છોકરાના જમણા પગે છ આંગળા હતા …બસ એ જ …. બીજું કઈ નહીં !
ફરી ભૂતકાળની ભૂતાવળ નાચવા લાગી …ભીખાના પરસેવાથી ભીંજાયેલી માટીમાં વારેઘડીએ ભીંજાવાનું ખુશીને ઘેલું લાગ્યું …એ ભીંજાયેલી માટીમાં ફરીથી કોટા ફૂટતા ગયા અને તેને ભીખલો વાઢતો ગયો... કોણ જાણે કોણ આવી કૂંપળને ખરીદતું હતું.. પણ ભીખાને આ ધંધો ફાવી ગયેલો.! ચાર વખતના ઝટકાઓ પછી, ખુશી ને મન કકળાટ હતો..અરે રે ! ક્યાં સુધી તનની તોડને મનની જોડ સાથેની ઝીંક જીલવાની છે ….! આવા વિચારો સાથે આમ જ સવાર પડી.
રાતે વધારે પીધો હોઈ ભીખો હજુ નશામાં હતો, ને સવારે એને ઉઠાડીને એની સરભરા કરીને માંડ માંડ પહોંચી શેઠની દુકાને ને ઘેર.. દર મહિને છૂટતા કામને એ પોતાની નીતિથી બાંધી રાખવા શક્તિમાન ન હતી કારણ કે …..એ ભીખાની “ખુશી” હતી.. તો ક્યાથી..બીજાને ‘ખુશ’ રાખી શકે ….. ભીખા હાટુ અપમાન સહન કરીને પણ ભીખની જેમ કામ માંગવુ પડતું ને ભાઈસાબ બાપા કરવા પડતાં … તો ક્યાંક પગારમાં બાંધછોડ કરવી પડતી ને ક્યારેક કેટલીયે લોલુપ નજરોનો સામનો કરવો પડતો.
…સઘળા વિચારોનો ઘા કરીને દુખતા તને શેઠની દુકાને પહોંચે છે ત્યાં જ સામે ગલ્લે દસ વરસના નાના શેઠ ગાડી તકીએ બેઠેલા દેખાય છે. શેઠે તેના હાટું રાખેલો ગુમાસ્તો તો ભાગી ગયેલો, તેથી, તેની સરભરા એના ભાગે હતી અને રોજ ત્રણ રૂપિયા વધારાના મળવાના હતા. શેઠ બેઠા બેઠા હુકમ કરે, ખુશી જઈને તેની સેવામાં ઊભી રહી જાય છે …..નાનો શેઠ બાપથી ય ચાર ચાસણી ચડે તેવો ઉતાર, આ લાવ.. આ લઈજા અવિરત હુકમો છોડતો રહે. ખુશી કંટાળી વિચારતી, આ શેઠનો નાનકો કેવા રંગના લોહીનો બનેલો છે, દયાભાવ કે ઠરેલ છે જ નહીં.
બપોરના બાર થયા હતા, ઉભડક પગે ખુશીએ દોટ મૂકી અને શેઠને ઘેરથી નાના શેઠ માટે ટિફિન લઈ આવી, ચોખ્ખી થાળી અને ઠંડા પાણીનું પવાલું ભરી, નાના શેઠને ગલ્લેથી બોલવા ગઈ, દૂર રહે, કહેતા શેઠના ‘નાનકા’એ ખુશીને લાત ફટકારી... ચાર ફૂટ ભોંય પટકાયેલી ખુશીને ઘડીક તમ્મર આવી ગયા, પણ ભીખાની કઈ લાતો ખાઈ તેનો બરડો મજબૂત હતો, તે તેની સાડીનો પાલવ સરખો કરતાં ઊભી થવા જાય ત્યાં,લાત મારી પગ સરખો કરી રહેલા નાના શેઠના જમણા પગની છ આંગળીઓ જોતાં, ઘડી પહેલા મનમાં ઊભા થયેલા નાના શેઠના લોહીના રંગ અંગેના સવાલનો જવાબ મળી ગયો હતો. ખુશીને કોઈ ખુશી નહતી થઈ, છગડિયાના જનમ વેળાએ ધોવાયેલા શરીરની યાદે, જીવ્યા ઉપર અરેરાટી ઉમટી આવી. નાનકો આજે તેના પેટને લજવી ગયો હતો. તે કાલે બીજે નોકરી શોધશે, અને નોકરી નહીં મળે તો ઉપવાસ કરશે પણ અહી તો નહીં આવે એવું થાની લીધેલું !
