લગ્નમંડપમાં છલક્યો પ્રણય રંગ
લગ્નમંડપમાં છલક્યો પ્રણય રંગ
મોહિની આજ લગ્નમંડપમાં આવીને બેઠી તો હતી પણ તેનાં ચેહરાના હાવભાવ અલગ જ હતાં. તેનાં ગુલાબી મુખડાં પર ઘડીક વ્યાકુળતા તો ઘડીક શરમના શેરડા ફૂટતા હતાં.
તેનાં લગ્નનાં બે વર્ષ બાદ છેલ્લા એક વર્ષથી મોહિનીને એકલી મૂકી અમેરિકા ગયેલો તેનો પતિ મયુર આજે સીધો જ અહીં લગ્નમાં આવવાનો હતો અને લગ્ન પતાવીને પછી બંને સાથે ગોવા ફરવા જવાના હતાં. મોહિનીની સહેલીઓ આ વાત જાણતી હતી અને વારંવાર મોહિનીને ટીખળ કરીને ખીજવતી હતી.
મોહિનીની સહેલીની દીકરીનાં લગ્ન શરૂ પણ થઈ ગયાં હતાં પણ મયુર હજીય આવ્યો ન હતો. ચિંતિત ચેહરે મોહિની આજુબાજુ નજર ફેરવ્યા કરતી હતી.
અચાનક પાછળથી કોઈ જાણીતા હાથનો તેનાં ખભા પર સ્પર્શ થતાં તે ચમકી, પાછળ જોયું તો તેની પાછળ જ તેનાં મનનો માણીગર મયુર તેની સામે મધુરું સ્મિત આપી ગુલાબનાં ફૂલો તેની સામે ધરી રહયો હતો. આ જોઈ મોહિનીએ ખુશીથી કાંઈક બોલવા મોઢું ખોલ્યું તે પહેલાં જ મયુરે તેનાં મોઢામાં ગુલાબજાંબુ મૂકી દીધું. સહેલીઓ તો આ જોઈ ખડખડાટ હસી પડી.
સહેલીઓને જોઈ મોહિની શરમાઈને હસી પડી.
સહેલીઓ બંનેને ઊભા કરીને લગ્નમંડપની ચોરી પાસે ઊભા કરી દીધાં હતાં. થોડીવાર પછી ધીરેથી મયુરે નજીક જઈને કાનમાં મોહિનીને કહ્યું,.
"ખીલી ગઈ છે તું તો.. ! જરા એકાંતમાં આવો "
મયુર મોહિનીને પકડીને ઘરની બહાર ગેલેરીમાં લઈ જઈને તેનાં ગાલે વ્હાલથી મીઠું ચુંબન આપ્યું. એટલામાં જ છુપાઈને જોતી તેની ચાર સહેલી જોર જોરથી હસી પડી.
એક સહેલી બોલી,..
"હજી તો લગ્ન શરૂ થયાંને અહી રોમાંસ શરૂ થઈ ગયો."
મોહિની શરમાતાં બોલી,... "તમે ચાર હજીય સુધરી નથી કેમ ?"
સહેલીઓ એક સાથે બોલી,.. "સુધરે ઈ બીજા હો. "
મયુર ધીરેથી છટકવા જતો હતો કે તરત જ એક સહેલીએ દરવાજો આડો કરતાં કહ્યું,..
સહેલી મો મચકોડી બોલી,..
" આ તારી સહેલીઓ તરફથી જીજુને તેમની વહાલી મોહિનીની ભેટ આપી છે."
કહીને હસીને બધી ચાલી ગઈ
ત્યારબાદ ભરપૂર હેત સાથે બંને એકબીજાની બાહુપાશમાં લપેટાઈ ગયાં.

