લગ્ન : પ્રેમ કે રમત...!!?
લગ્ન : પ્રેમ કે રમત...!!?


પ્રેમ એકનો એક દિકરો હતો અમુલખ રાય અને બીનીતા નો. ભણવામાં એકદમ હોંશિયાર. આઈ. ટી.એન્જિનિયર બની ને મલ્ટી ઇન્ટરનેશનલ કંપનીમાં ઓફિસર બની ગયો હતો. છ આંકડાનો પગાર મળતો હતો. મા બાપ ફુલા નહિ સમાતા હતા દીકરાની પ્રગતિ જોઈ. હવે લોકો કહેવા માંડ્યા કે હવે પ્રેમ માટે કોઈ છોકરી શોધો. અને એમણે સરસ મજાની એક છોકરી પરિતા શોધી પણ કાઢી. દેખાવડી હતી પણ માત્ર આર્ટ્સ ગ્રેજ્યુએટ જ હતી. મા બાપે આ છોકરી માટે પ્રેમને વાત કરી. તો પહેલા તો એણે ઉડાઉ જવાબ આપ્યો કે જોઈશું. હમણાં કેરિયર પહેલા પછી છોકરી અને એની બદલી બેંગ્લોર થઇ એટલે એ ત્યાં શિફ્ટ થયો. અને ત્યાં એ એની સાથે જ કામ કરતી છોકરી શ્વેતાના સંપર્કમાં આવ્યો. આ બાજુ બીનીતા બેને પરિતા જોડે એનું નક્કી કરી નાખ્યું હતું. એ જ્યારે રજા પાડી ઘરે આવ્યો એટલે એની મમ્મી એ પરિતા ને બોલાવી દીધી હતી. એમને એમના દીકરા પર ખૂબ જ વિશ્વાસ હતો કે એ ના નહિ જ પાડે. પરિતા તો પ્રેમ ને જોઈ ને પ્રેમમાં જ પડી ગઈ. એને એનું ભવિષ્ય ઉજળું બનતું દેખાયું. પ્રેમ ના મનમાં શ્વેતા રમતી હતી. પણ એની મમ્મીના પ્રેમને જીદ આગળ એ શ્વેતાનું બલિદાન આપી બેઠો. . અને પરિતા ને કમને હા પાડી બેઠો.
અને પ્રેમના લગ્ન બહુ જ ધામધૂમથી પરિતા સાથે થયાં. અને બે જણા હનીમૂન માટે લોનાવાલા ગયા. ત્યાં પ્રથમ રાત્રી એ જ પ્રેમે ધડાકો કર્યો. ," જો પરિતા હું તને દુઃખી કરવા નથી માંગતો પણ હું ખરેખર મારી સાથે ઓફિસમાં કામ કરતી શ્વેતાના પ્રેમમાં છું. . તારી સાથેના લગ્ન એક સમાધાન છે. મારા માબાપ ને હું ના ન પાડી શક્યો કારણકે તારી મમ્મી ને મારી મમ્મી નાનપણથી સખી છે. અને મારી મમ્મી જિદ્દી છે એટલે એનું ધારેલું કરાવવા કઈ પણ કરે. એટલે હું એને ના નહીં પાડી શક્યો. હું તને અડકીશ પણ નહીં. તારું કૌમાર્ય અક્ષત રહેશે. " અને પરિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ રડી પણ નહીં શકી. હતપ્રત થઈ ગઈ હતી. લગ્ન ના નામે રમત નો એક ભોગ બની ચુકી હતી.
ત્રણ દિવસમાં જ તેઓ પરત ફર્યા. અને પ્રેમ એકલો બેંગ્લોર જવા ઉપડી ગયો. પરીતા ના સ્વપ્નો ને ચકનાચૂર કરીને. એના ગયા પછી એણે એની સાસુ ને વિગત કહી તો એ હતાશામાં સરકી ગયા. અમુલખ રાયને તો સાંભળી એટેક આવી ગયો. એકના એક દીકરા એ પારકી છોકરીની જિંદગી બગાડી નાખી એનો એમને આઘાત લાગ્યો. . પણ પરિતા એ મક્કમ બનીને એક નિર્ણય લઈ લીધો હતો.
અને રાત્રે એના મોબાઈલમાં પ્રેમનો વોટ્સએપ મેસેજ આવ્યો. " પરિતા. મને માફ કરજે. તારો કોઈ વાંક નથી. હું શ્વેતાને ચાહું છું. હું એની સાથે માનસિક ને શારીરિક રીતે જોડાયેલો છું. . ને હતો એટલે મેં તને સ્પર્શ નહોતો કર્યો. મને માફ કરી દેજે. અને તારે છુટા છેડા જોઈતા હોય તો પણ કહેજે. હું સહી કરી આપીશ. તારી આખી જિંદગી આર્થિક રીતે હું સંભાળીશ. તને દર મહિને હું તું કહે એટલા રૂપિયા મોકલીશ.
છુટા છેડા ન આપવા હોય તો પણ તને છૂટ છે. હું શ્વેતા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહીશ.. મારા તરફ થી તું છૂટી. . "
મેસેજ વાંચી એ ખૂબ રડી. પણ પછી મન મક્કમ કરી એણે વળતો મેસેજ કર્યો
" પ્રેમ. . જે મારા માટે હવે રહ્યો નથી. હું છૂટા છેડા લેવાની નથી. હું એક હિન્દૂ નારી છું. મારા સંસ્કાર એવું કહે છે કે મને તારા રૂપિયાની જરૂર નથી. હું મારા ઘરે પણ પરત નથી જવાની. હું તારા મા બાપ ને જિંદગીભર સાચવીશ. એક દીકરી બની ને. હું તારા માર્ગમાંથી ખસી જાવ છું બિનશરતી. મારે તારી મિલકત પૈસા નથી જોઈતા. હું સ્ટેમ્પ પેપર પર સહી કરીને મોકલીશ કે મને તારી મિલકતમાંથી કોઈ ભાગ નહિ આપવામાં આવે.
અને હા હવે હું તારું મોં પણ નહીં જોઇશ. તું જ્યારે અહીં આવશે ત્યારે હું મારા ઘરે જઈશ. તું બેંગ્લોર જશે એટલે પાછી આવી જઈશ.
આ મારો તને છેલ્લો મેસેજ છે. ગુડ બાય, અને હું તને બ્લોક કરું છું તારા ઉજળા શ્વેત ભવિષ્ય માટે. . "
અને આમ "લાઈક" થી શરૂ થયેલું દામ્પત્ય જીવન બ્લેક અને "બ્લોક" થઇ ગયું.