લેડી સિંઘમ - અનોખું અંગદાન
લેડી સિંઘમ - અનોખું અંગદાન
"સુંદરવનમાં રેવા નદીને કાંઠે આવેલ કદંબની ડાળી પર વેણુ વગાડતો એ સંદર્ભ સોલંકી આજે કેમ મને બહુ જ સાંભરી રહ્યો છે ?"
આમ એકલી એકલી બબડતી રહે છે, તો ક્યાંક કોઈક ભૂત-પ્રેત કે પલીત તો નથી વળગી ગયું ને મારી સંરચનાને ! - એવાં અળવીતરાં વિચારોને ડાબે હાથેથી ઝટકો દઈ બારીની બહાર ફંગોળી દીધા બાદ હળવે પગલે ઝંખનાબા સંરચનાનાં ઓરડામાં પ્રવેશી એકદમ એની પાછળ ઊભાં રહી એને નવયુવતી જેમ ખભે ટપલી મારી દીવાન પાછળ છુપાઈ ગયાં. અને, અહીં, તંદ્રામાંથી જાગૃત અવસ્થામાં સફાળી બેઠી થઈ હોય એમ સંરચના આકળવિકળ થઈ ક્ષિતિજની પેલે પાર સુધીય કંઈક શોધવા મથી રહી. પણ, કંઈ ન જડતાં ફરી પોતાની સ્વપ્નવત સૃષ્ટિમાં ખોવાઈ ગઈ.
સોહામણો એ યુવક મને એની ઓર આકર્ષી રહ્યો છે. અને હું પતંગની કાચી ડોર સમ એની ભણી ખેંચાઈ રહી છું.
"કોણ છે એ સંદર્ભ અને એનો મારી સાથે શું સંબંધ !"
'સંરચનાનો સંદર્ભ' કે સંદર્ભની સંરચના' - એકદુજે કે લિયે !
"કોની સાથે વાત કરી રહી'તી બેટા ? અને ડિજિટલ ટેક્નોલોજીનો જમાનો વટાવી આમ કોને પત્ર લખું લખું કરી રહ્યું છે તારું મન ?"
ઝંખનાબાને પોતાની એકદમ નિકટ પામી ક્ષણભર તો સંરચના ઝંખવાઈ જ ગઈ. પછી, પોતાને સ્વસ્થ રાખવામાં સફળ પણ થઈ એવું જણાતાં, "ઝંખનાબા, કેટલો સુંદર સંગમ છે નૈં આ રાખોડી ધરાનો ક્ષિતિજે પંચરંગી આસમાન સાથે ભેળાં થવાનો !"
વાતને ટાળતા બહુ જ સરસ રીતે આવડી ગયું છે બેનબા તમને, પણ, તમે ભૂલી ગયાં છો કે હું ય તમારી નાની-સા છું. મને ભોળવી નહીં શકો. - મનમાં ને મનમાં મરકતાં ઝંખનાબાની હળવી ટપલી ફરી એકવાર સંરચનાનાં ગાલે પડી.
"એટલે કે એ તમે જ હતાં નાની-સા, મને થોડીવાર પહેલાં ટપલી મારી હવામાં ઓગળી ગયા'તા, હં ને !"
"તે બીજું કોણ આટલાં લાડ કરવાનું મારી ઝમકુડીને, બોલ !"
"નાની, તમે પણ શું ઝમકુડી કહી મને પજવો છો! આ તમારી પાસેથી જ સાંભળી ગયેલાં મારાં સર્વ મિત્રો મને સંરચના કહેવાનું છોડી ઝમકુડીની જ રટ લગાવ્યે રાખે છે.." ખોટેખોટુ રિસાવાનું નાટક કરતી બારસાખે અઢેલીને બેસી ગઈ ઝમકુડી.
હમ્ હમ્ હમ્ હમ્ , લા લ લા, લા લ લા, લ લ લા,....
"કેટલી મધુર ધૂન વાગી રહી છે. કોણ છે આટલી મધુર ધૂન વગાડનાર વેણુધર!!" ઝંખનાબાનાં મુખે કોઈના વખાણ સાંભળી સંરચના ભાવવિભોર થઈ ઉઠી. દોડીને એ એનાં નાની-સાને ગળે બાઝી ગઈ, અને પપ્પીઓ ભરવા લાગી.
***
"દીકરી સયાની થઈ ગઈ ડૉ. કેતકી મહેતા. આ ટાણેનાં એનાં રંગઢંગ ઘણાં બદલાયેલા દેખાય રહ્યાં છે."
"મા, હજુ નાની છે આપણી ઝમકુડી."
"શું વાત કરે છે કેતકી! આવતે મહિને એકવીસમું બેસશે. એકવીસ વર્ષની ઘોડી પરણેતર બની બીજાનું ઘર સંભાળતી થઈ જાય, અને તું ! એને પણ તારી જેમ જ અઠ્ઠાવીસ સુધી કુંવારી રાખવા માંગે છે કે !"
મા - દીકરી વચ્ચે લગ્નની બાબતે હરહંમેશ તુતુ-મેંમેં થયે રાખતી. પણ, અંતે કેતકીની વ્યાજબી દલીલો સામે ઝંખનાબા માથું ય ટેકવી દેતાં. દલીલો એટલી હદે સમજણભરી રહેતી કે ઝંખનાબાનું અનુભવી હૃદય એની સામે ક્યારેય ન થતું. ડો. કેતકીએ આદિત્ય પરીખની વણકહી પ્રીતને અનુભવી અને એટલે જ એ પ્રીતની રીત આદિત્યનાં 'અંગદાન'માં એનાં સ્પર્મ થકી સંરચનાનો જન્મ સાકાર કર્યો. આદિત્યને સંરચના સ્વરૂપે જીવંત રાખવાનું પ્રણ એની ઝાંખના માઁ દ્વારા કુંવારી માતા બની ય પાર પાડ્યું.
રા'ખેંગાર કુળનાં એકમેવ વંશજ હોવાનું બહુ માન હતું એમને. અને એટલે જ દીકરી ઘરની 'જણસ' મનાતી સાપનો ભારો નહીં.
ડૉ. કેતકી મહેતા, 'ચાલો, જીવી લઈએ' ફિલ્મમાં આદિત્ય પરીખની પ્રાઇવેટ ડોક્ટર. આદિત્યનાં અકારણ મૃત્યુ બાદ 'અંગદાન' સ્વરૂપે જેને તેને જે પણ અંગ રોપણ થયું હતું એમાંનું એક અંગ ડૉ. કેતકી મહેતાએ પોતાનાં ઉદરમાં સેવ્યું. અને પૂરાં નવ મહિના ને આઠ દિવસ બાદ એટલે કે આદિત્યનાં જન્મદિવસે જ સંરચનાનો જન્મ થયો. અને, ડૉ. કેતકી મહેતાએ આદિત્ય બીપીનચંદ્ર મહેતાનો વંશજ આગળ વધાર્યો.... પૂર્ણવિરામને અલ્પવિરામ આપીને.
વેણુનાં રેલાતાં સૂરની ધારે ધારે સંરચના કાંકરિયા તળાવે પહોંચી. જ્યાં સંદર્ભ ભાવિક સોલંકી, આદિત્યનો જીગરજાન દોસ્તાર. એનાં સુખ-દુઃખનો સાચો સંગાથી. એનો જ પુત્ર સંદર્ભ, સોલંકી કુળનો આખરી વંશજ. બે વંશજોનો મેળાવડો જામ્યો અને આદિત્ય થકી ડૉ. કેતકીએ પરીખ ખાનદાનને ઉજાળ્યું અને દોસ્તી નિભાવી ભાવિકે. ઝંખનાબાને સંદર્ભ ખૂબ ગમ્યો. સહુની રાજીખુશીથી ગોળધાણાં ખવાયા. ધામધૂમથી સગપણ ઉજવાયું. ત્યારે એમાં સહુને આમંત્રિત કરવામાં આવ્યાં.
ત્યાં તો માઈક લઈને ઝંખનાબાએ એલાન કર્યું, "સંદર્ભ તેમજ સંરચના પોતપોતાનું શિક્ષણ પૂરું કરી નોકરીએ લાગી જાય એટલે કરો કંકુના !"
"મા, આખરે તમે તમારું જ ધાર્યું કર્યું હં ને !" કેતકીએ મજાક કરતા ટાપસી પુરાવી.
"ના, હોં ડૉ. સાહેબા ! ઝમકુડીને સંદર્ભ જમાઈસા ભણી ગણીને પગભર થાશે ત્યાં સુધીમાં અઠ્ઠાવીસમું વર્ષ આવ્યું જ સમજો!"
સહુ ઝંખનાબાની સ્ટાઈલિશ રમૂજી પર ખડખડાટ હસી પડ્યાં. ડૉ. કેતકી મહેતા અને ભાવિક સોલંકીએ અજાણપણે જ સ્વ. આદિત્યને સંભારી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
(ડૉ. તરીકેની ભૂમિકા બખૂબી ભજવી ડૉ. કેતકી મહેતાએ સફળ અભિનેત્રી તરીકેની પોતાની આગવી છવિ પ્રગટ કરી છે.)

