Rahul Makwana

Fantasy Thriller Children

4  

Rahul Makwana

Fantasy Thriller Children

લાપુટા

લાપુટા

7 mins
42


  ગુલિવર લીલીપુટમાંથી ભાવભીની અને અશ્રુભીની વિદાય લઈને પોતાનાં વતન પરત ફરવાં માટે નીકળે છે, લીલીપુટને શત્રુથી બચાવીને ગુલીવરે લીલીપુટ પર ઉપકાર કરેલ હોવાથી લીલીપુટનાં રાજા અને પ્રજા પોતાનાં બંને હાથ જોડીને ગુલીવરનો હૃદયપૂર્વક આભાર માની રહી હતી. ગુલીવરને પણ જાણે લીલીપુટનાં રાજા અને પ્રજા સાથે લાગણી બંધાઈ ગઈ હોય તેવું પોતે અનુભવી રહ્યો હતો. લીલીપુટની પ્રજા એકદમ સરળ, ભોળા અને માયાળુ હતાં, તેઓ હાલ આપણી કપટી અને સ્વાર્થી દુનિયાથી જાણે એકદમ પરે હોય તેવું લાગી રહ્યું હતું.

  ગુલીવરે સપનામાં પણ નહીં વિચારેલ હોય કે તે પોતાનાં જીવનમાં લીલીપુટ જેવાં પ્રદેશની મુલાકાત કરશે. લીલીપુટની મુલાકાત ગુલીવર માટે એક યાદગાર પ્રવાસ સમાન બની ગયેલ હતું, ગુલીવર હાલ પોતાનાં ઘરે પરત ફરવાં માટે ખુબ જ ઉત્સાહિત હતો, પરંતુ તે એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે હાલ એક રહસ્યમય ટાપુ તેનો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો.

  આ બાજુ ગુલીવર પોતાની નાવ લઈને લીલીપુટમાંથી વિદાય લઈને પોતાનાં ઘર તરફ જતાં દરિયાઈ માર્ગે આગળ વધવા માંડે છે. ગુલીવર એ વિશાળ દરિયાને ચીરતા ચીરતા આગળ વધી રહ્યો હોય છે.

એક મહિના બાદ

  ધીમે ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વિતાવા માંડે છે, લગભગ એકાદ મહિના બાદ ગુલીવર પોતાની નાવ દરિયામાં આગળ ધપાવી રહ્યો હતો, એકાએક આકાશમાં ઘનઘોર અંધકાર છવાઈ જાય છે, સુસવાટા મારતો પવન ફૂંકાવવા માંડે છે, દરિયામાં સુનામીની માફક ઊંચા ઊંચા મોજાઓ ઉછળવા માંડે છે, આમ જાણે ગુલીવરની નાવ અને એ તોફાની દરિયા સાથે કોઈ દ્વંદ્વ યુદ્ધ ખેલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું, ગુલીવરે પોતાની જાત અને નાવને બચાવવા માટે અથાગ મહેનત કરી...પરંતુ એકાએક તેની નાવ દરિયાનાં એ મોજમાં એટલાં જોરથી પછડાય છે કે જેથી ગુલીવરની નાવનાં ટૂકડે ટૂકડા થઈ જાય છે. અને ગુલીવર એ દરિયાઈ તોફાનમાં ફંગોળાઈ જાય છે.

***

બીજે દિવસે સવારે 

સમય : સવારનાં દસ કલાક.

સ્થળ : કોઈ અજાણ્યો ટાપુ.

  ગુલીવર બેભાન અવસ્થામાં જમીન પર પડેલો હતો, આજુબાજુમાંથી અલગ અલગ પક્ષીઓનાં કલરવ સંભળાય રહ્યો હતો. ચારેકોર લીલાંછમ વૃક્ષો અને ઊંચા ઊંચા ઘાસનાં મેદાન આવેલાં હતાં, ચારેબાજુએ ઊંચી ઊંચી ટેકરીઓ આવેલ હતી. નદીઓ પણ મુક્તમને ખળ ખળ કરીને વહી રહી હતી.

  જ્યારે આ બાજુ ગુલીવર હજુપણ જમીન પર બેભાન હાલતમાં પડેલ હતો. એવામાં એકાએક ગુલીવર ભાનમાં આવે છે. પોતાની જાતને આવી વેરાન જગ્યાએ પામ્યાનું તેને જેટલું આશ્ચર્ય હતું, તેટલું જ તેને પેલાં દરિયાઈ તોફાનમાં પોતે હેમખેમ બચી ગયાંનો અનહદ આનંદ પણ હતો, આથી ગુલીવર સફળો ઊભો થઈ જાય છે, અને ઉપરની તરફ જોઈને પોતાનાં બને હાથ જોડીને ભગવાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

  ત્યારબાદ ગુલીવર ઊભો થઈને આગળની તરફ ચાલવા માંડે છે, થોડું આગળ વધાતાની સાથે જ ગુલીવરનાં પગ એકાએક અચરજ સાથે થોભી જાય છે, કારણ કે ત્યાં એક મોટું બોર્ડ લગાવવામાં આવેલ હતું જેનાં પર એવું લખેલ હતું કે, "રાજા પ્લુટોના લાપુટા ટાપુમાં તમારું હાર્દિક સ્વાગત છે, જે દુનિયાનાં એકમાત્ર ઉડતો ટાપુ છે." - આ વાંચ્યા બાદ ગુલીવર એકદમ આશ્ચર્ય ચકિત બની જાય છે.

   ગુલીવરનાં મગજમાં વિચારોનું એક ચક્રવાત સર્જાય છે, શું હશે આ લાપુટા ટાપુ ? કોણ હશે રાજા પ્લુટો ? શું આપુટા ખરેખર એક ઉડતો ટાપુ હશે ? પોતે અહીં કેવી રીતે પહોંચ્યો હશે ? પેલાં તોફાની દરિયામાં તેની નાવ તૂટ્યા પછી પોતાની સાથે શું ઘટનાંઓ ઘટેલ હશે..? શું પોતે હાલ ફરી પાછો લીલીપુટ જેવાં કોઈ રહસ્યમય ટાપુ પર ફસાઈ ગયો હશે? શું પોતાની સાથે લાપુટા ટાપુ પર કોઈ અજુગતી કે રહસ્યમય ઘટનાઓ તો નહીં ઘટશે ને..? " આમ ગુલીવર ચારેબાજુએથી ઘણાં બધાં પ્રશ્નોથી ઘેરાયેલ હતો, જેનાં ઉત્તરો હાલ ગુલીવર પાસે હતાં જ નહીં.

  બરાબર એ જ સમયે ગુલીવરના કાને કોઈ વિચિત્ર પ્રકારનો સમજાય નહીં એવો અવાજ સંભળાય છે, આ અવાજ સાંભળીને પોતાને કોઈ મદદ મળી રહેશે એવાં ઈરાદાથી ગુલીવર પેલાં અવાજની દિશામાં દોડવા માંડે છે. થોડું આગળ વધ્યા બાદ ગુલીવર જે દ્રશ્ય જોવે છે, તે એકદમ અચરજ પમાડે તેવું હતું.

  ગુલીવરની સામેની તરફ વિચિત્ર પ્રકારનાં મનુષ્યો ઊભેલાં હતાં, જેઓનો દેખાવ એકદમ વિચિત્ર અને અલગ જ પ્રકારનો હતો, તેનાં વાળ એકદમ લાંબા હતાં, ગળામાં બધાંએ એક સરખું વાદળી રંગનાં સ્ફટિક વાળું લોકેટ પહેરેલ હતું. બધાએ સિલ્વર રંગના એકસરખો પહેરવેશ ધારણ કરેલ હતો. ગુલીવરને અને તેનાં પહેરવેશને જોઈને તે લોકો ખૂબ જ ડરી ગયેલાં હતાં. આથી તે બધાં ગભરાઈને વૃક્ષ પાછળ છૂપાઈ ગયેલાં હતાં.

  બરાબર એ જ સમયે પેલાં વિચિત્ર દેખાતાં મનુષ્યો એકબીજાની સામે જોઈને પોતાની ભાષામાં વાતચીત કરે છે. જેમાંથી મનુષ્ય આગળ વધીને કંઈક બોલે છે, અને ગુલીવર તરફ એક પતંગિયું છોડે છે, આ જોઈ ગુલીવર ખડખડાટ હસવા માંડે છે, ગુલીવરનું આવું અટ્ટહાસ્ય સાંભળીને તે બધાં મનુષ્યો એકદમથી દોટ મૂકીને ભાગે છે. બરાબર તે જ સમયે પેલું પતંગિયું ગુલીવરની એકદમ નજીક આવે છે, આથી ગુલીવર એ પતંગિયાને જોઈને પોતાનો હાથ લંબાવે છે, અને પતંગિયું ગુલીવરની હથેળી પર બેસી જાય છે.

  જેવું પેલું પતંગિયું ગુલીવરની હથેળીમાં બેસે છે, એ સાથે જ ગુલીવરનાં પૂરેપૂરા શરીરમાં જાણે વીજળીનો એક મોટો પ્રવાહ પસાર થઈ રહ્યો હોય તેવું અનુભવે છે, તેનાં પૂરેપૂરા શરીરમાં એક ઝટકો લાગે છે, આથી ગુલીવર પેલાં પતંગિયાંને દૂર કેંકી દે છે, જોત જોતામાં ગુલીવરને ચક્કર આવવા માંડે છે, આજુબાજુનું બધું ધૂંધળું દેખાવા માંડે છે. ધીમે ધીમે તેની આંખો ઢળવા માંડે છે, જોત - જોતામાં ગુલીવર બેભાન થઈને જમીન પર ધરાશય થઈ જાય છે.

બીજે દિવસે..

  ગુલીવર ધીમે ધીમે પોતાની આંખો ખોલે છે, આંખો ચોળવા માટે પોતાનો હાથ ઉઠાવે છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેનાં પૂરેપૂરા શરીરને કોઈ મજબૂત દોરડા દ્વારા બાંધવામાં આવેલ છે, અને કોઈ મોટા ટેબલ પર સુવડાવે છે. આજુબાજુમાં પેલાં વિચિત્ર દેખાતાં અસંખ્ય મનુષ્યો તેને ઘેરીને વળેલ હતાં, અને ખૂબ જ નવાઈ અને આશ્ચર્ય સાથે પોતાને નિહાળી રહ્યાં હતાં, અને કોઈ અલગ જ ભાષામાં એકબીજાની સામે જોઈને જોરજોરથી વાતો કરી રહ્યાં હતાં.

  બરાબર એ જ સમયે તે જગ્યાએ એકદમ સન્નાટો છવાય જાય છે, અને પેલાં વિચિત્ર દેખાતા મનુષ્યો જમીન પર પોતાનાં ગોઠણ વાળીને બેસી જાય છે, બરાબર એ જ સમયે લાપુટા ટાપુનાં રાજા પ્લુટો, સેનાપતિ હોજો અને વિદ્વાન દેખાતા એક ગુરુ સાથે પ્રવેશે છે, ત્યારબાદ બધાં જ મનુષ્યો તેમને પોતાની ભાષામાં અભિવાદન આપે છે, જે ગુલીવરની સમજ બહાર હતું, પરંતુ હાલ ગુલીવર તે લોકોનાં માત્ર હાવભાવ જોઈને આ બધી બાબતોનો અંદાજો લગાવી શકવામાં સફળ રહ્યો હતો. 

  એવામાં રાજા પ્લુટો અને તેનાં ગુરુજી ગુલીવરની એકદમ નજીક આવે છે, ત્યારબાદ ગુરુજી ગુલીવરનાં માથા પર હાથ ફેરવે છે, જેવી તેની નજર ગુલીવરનાં ચહેરા પર પડે છે એ સાથે જ ગુરુજી અને રાજા પ્લુટોનાં ચહેરા પર એક અલગ જ પ્રકારનો આનંદ છવાય જાય છે, ત્યારબાદ રાજા પ્લુટો અને ગુરુ ગુલીવરને દંડવત પ્રણામ કરે છે. આ જોઈ તેની પ્રજા પણ ગુલીવરને પ્રણામ કરે છે. 

"હું ક્યાં છું…? તમે બધાં કોણ છો..? શાં માટે મને અહીં બાંધવામાં આવ્યો છે..? શાં માટે તમે મને પ્રણામ કરી રહ્યાં છો..?" ગુલીવર હેરાનીભર્યા અવાજે ગુરુજીને પૂછે છે.

"બેટા ! તારું નામ શું છે.?" ગુરુજી વ્હાલ સાથે ગુલીવરને પૂછે છે.

"ગુરૂજી ! તમે અમારી ભાષા કેવી રીતે જાણો છો.?" - ગુલીવર અચરજ પામતાં પૂછે છે.

"બેટા ! મેં જ્યારે તારા માથા પર હાથ ફેરવ્યો, એ સાથે જ તારા મસ્તિષ્કમાં કે કઈ જ્ઞાન હતું, તે બધું જ જાણી લીધું હતું.!" - ગુરુજી સ્પષ્ટતા કરતાં ગુલીવરને જણાવે છે.

"જી ! મારું નામ ગુલીવર છે, અને હું એક નાવિક છું, પણ હાલ હું મારા ઘરે પરત ફરી રહ્યો હતો, પરંતુ રસ્તામાં દરિયાઈ તોફાનને લીધે મારી નાવ તૂટી ગઈ અને હું બેભાન થઈ ગયેલ હતો, અને જ્યારે આંખ ખોલી તો હું આ લાપુટા ટાપુ પર આવી પહોંચેલ હતો." - ગુલીવર પોતાની વ્યથા જણાવતાં બોલે છે.

"હું એ બાબતથી ખૂબ જ સારી રીતે વાકેફ છું..!" - ગુરુજી ગુલીવરની સામે જોઈને હળવા આવજે જણાવે છે.

"પણ..ગુરુજી એ કેવી રીતે…?" - હેરાની સાથે ગુલીવર પૂછે છે.

"જી ! અમારા આ ટાપુ પર એક દાનવ "કેરવા" નો કાળો કહેર છે, તે દર અમાસે અમારા ટાપુ પર હુમલો કરે છે, અને અમારા ટાપુને ખૂબ જ નુકશાન પહોંચાડે છે, આથી એ દાનવથી બચવા માટે અમે ભગવાનને પ્રાર્થના કરી, બરાબર તે જ સમયે આકાશવાણી થઈ કે, "આ કેરવા દાનવનો નાશ કરવાં માટે ઉત્તર દિશામાંથી એક સાહસિક, બહાદુર, ખડતલ, હિંમતવાન એક નાવિક તમારા ટાપુ પર આવી ચડશે અને તેમને માત્ર એ જ આ કેરવા દાનવના કહેરમાંથી બચાવી શકશે.!" - ગુરુજી સ્પષ્ટતા કરતાં જણાવે છે.

"શું ! તો હું એ જ નાવિક છું..!" - ગુલીવર આશ્ર્ચર્ય સાથે પૂછે છે.

"હા !" ગુરુજી પોતાનું માથું હલાવતાં હળવા અવાજે બોલે છે.

  ધીમે ધીમે દિવસો વિતવા માંડે છે, અને અંતે અમાસની એ ભયંકર રાત પણ આવી જાય છે, બરાબર એ જ સમયે પેલો કેરવા દાનવ લાપુટા ટાપુ પર પોતાનો હુમલો કરી બેસે છે, તે હવામાં આગનાં ગોળા ફેંકીને લાપુટા ટાપુને અને તેનાં બધાં ઘરોને નુક્શાન કરી રહ્યો હતો, અને સાથોસાથ અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. સૌ કોઈ ગભરાઈ રહ્યા હતાં, સૌ કોઈ મદદની આશા સાથે ગુલીવર તરફ જોઈ રહ્યાં હતાં, ત્યારબાદ ગુલીવર હિંમતપૂર્વક કેરવા દાનવની સામે જાય છે, અને પોતાનાં કમરે લટકાવેલ ગન કાઢીને "ઢી છુમ" એવાં અવાજ સાથે બે ત્રણ ગોળીઓ કેરવા દાનવની છાતીના ભાગે છોડે છે, આથી કેરવા દાનવ અસહ્ય દર્દ, પીડાને લીધે સિચિયારી કરવા માંડે છે, અને જોતજોતામાં કેરવા દાનવના રામ રમી જાય છે.

  આ જોઈ લાપુટા ટાપુનાં રાજા, ગુરુ અને પ્રજાની ખુશીઓનો કોઈ જ પાર ના રહ્યો, ત્યારબાદ તે લોકો એક અઠવાડિયા સુધી ગુલીવરની મહેમાન ગતિ કરે છે, એક નવી નકોર નાવ બનાવી આપે છે.

"બેટા ! લાપુટા ટાપુ પરથી પૃથ્વી પર જવું હોય તો તેના માટે આ તાવીજ ખૂબ જ જરૂરી છે, આ તાવીજ વગર તમારું પૃથ્વી પર પાછા ફરવું અશક્ય છે." ગુલીવરને વાદળી રંગનું સ્ફટિકવાળું તાવીજ આપતાં ગુરુજી બોલે છે.

  ત્યારબાદ ગુલીવર તે નાવમાં બેસે છે, નાવમાં બેસ્યા બાદ, ગુરુજીએ જે વાદળી રંગનું તાવીઝ આપેલ હતું, તે તાવીઝ પહેરે છે, તાવીઝ પહેરતાની સાથે જ સૂસવાટા મારતો પવન ફૂંકવવા લાગ્યો, પછી આ પવન એટલી જોરથી ફૂંકવવા લાગ્યો કે તેની નાવ હવામાં ઉડવા લાગી અને થોડા જ સમયમાં ગુલીવરની નાવ ફરી પાછી દરિયામાં એ જ સ્થળે આવી પહોંચી કે જે સ્થળેથી ગુલીવર લાપુટા ટાપુ પર આવી ચડેલો હતો, ત્યારબાદ ગુલીવર પોતાની એ નાવમાં હલેસા મારતાં મારતાં અને વિશાલ દરિયાને ચીરતા ચીરતા એક નવા સાહસને ખેડવા માટે નીકળી પડે છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy