“લાફિંગ બુધ્ધાનું હસતું ઘર”
“લાફિંગ બુધ્ધાનું હસતું ઘર”


"ઓહો! વળી રામજી કટકો લઇને ફરી વળશે..જરાક હળવે લુછતો હોય તો! મને ઉઝરડા પડી જાય છે. ખેર! એને કેવી રીતે સમજાવાય!"
ટેબલ પર હું એકચક્રી રાજ્ય ભોગવું છું.
નાનકડી માસુમ સરગમ હવે મુગ્ધા બની ગઈ છે!આજે મારી બાજુમાં પડેલા ફોન પરથી વાત કરતી દેખાઈ,
"હું એક્ઝેટ બે વાગે નીકળીશ."
સહેજ ઝોકું ખાઇને જાગ્યો ત્યાં ઘરમાં ધમાલ જોઈ, આખો પરિવાર ચર્ચાની એરણે ચડ્યો હતો.
"સરગમ આમ કહ્યા વગર આવું પગલું ભરશે એ જરાય અંદાજ નહોતો.
લગ્ન તો આપણેય કરાવી આપત."
આ મને પણ ન ગમ્યું પણ મારે તો આ માહોલમાં પણ હસતો જ ચહેરો રાખવાનો ને! હું તો લાફિંગ બુધ્ધા!
થોડો સમય ગમા-અણગમા અને ફરિયાદનો દોર ચાલ્યો. સમય જતાં સમાધાન થયાં. આજે સરગમના રિસેપ્શનમાં ખૂબ મહેમાનો આવ્યા છે.
મને બહુ ગમ્યું. ખેર! બધા ભાવ મારે તો એક જ ભાવમાં અભિભુત કરવાના.
બસ, પછીના વર્ષોમાં મોટી પેઢી વિદાય થઈ. નાની પેઢી મારી આસપાસ કિલકિલાટ કરતી થઈ. એ નવજીવનને જોઇને મને તાજગી લાગે પણ હવે આમ ઉંમર જણાય છે.
ચાલો, એક અખંડ લાફિંગ ભાવ સાથે જરા જંપી જાઉં.