લાડકવાઈ પીન્કી
લાડકવાઈ પીન્કી
વિશ્વાના આંસુ સુકાતા ન હતાં. મારી ઈચ્છા પણ એને મળવાની હતી. પણ એના આંસુ જોવાની મારામાં હિંમત જ કયાં હતી !
જો કે વિશ્વા વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર જ ન હતી. ખરેખર તો જે થયું તે સારૂ જ થયું હતું. પણ એક માના હ્રદય ને કઈ રીતે સમજાવવું ?
લગ્નના ૩ વર્ષ બાદ તો પુત્રીનો જન્મ થયો હતો. પુત્રી જન્મી છે એ શબ્દ સાંભળતાં જ હર્ષની મારી બોલી ઉઠી હતી, "હે ઈશ્વર મારી ઈચ્છા પરિપૂર્ણ થઈ. મારે એક ઢીંગલી જેવી બાળકી જ જોઈતી હતી "અને બે હાથ જોડીને ઉપરવાળાનો આભાર માન્યો.
બાળકી ખૂબ જ રૂપાળી હતી. જો કે એને તો અગાઉથી એના પતિને કહેલું મારે સુંદર મજાની દીકરી જ જોઈએ છે. ત્યારે એના પતિએ કહેલું, " દીકરી તો મારે પણ જોઈએ છે પણ એ કંઈ આપણા હાથમાં નથી. "
"ના, મને વિશ્વાસ છે કે દીકરી જ આવશે મેં તો એનું નામ પણ વિચારી રાખ્યું છે પિન્કી. "
પિન્કીનું આગમન પતિપત્નીના જીવનને આનંદથી ભરી દીધું હતું. બંને જણ માનતાં કે હવે ઈશ્વરે આપણને બધુંજ આપી દીધું છે. દુનિયાભરની ખુશી અમને મળી ગઈ છે.
સવાર કયારે પડતી અને રાત કયારે પડતી એની એમને ખબર જ કયાં પડતી હતી ? વિશ્વાના પતિએ પંદર દિવસની રજા લીધી હતી. જયારે ઓફિસ જવાનો દિવસ આવ્યો ત્યારે પિન્કીને મુકીને જતાં એનો જીવ ચાલતો ન હતો. દિવસો ઝડપથી પસાર થતાં હતાં. પિન્કી પણ બધા સામે હસતી જ રહેતી. રડવાનું તો જાણે કે એને આવડતું જ ન હતું.ભગવાને તો બધી ખુશી જાણે કે એ ઘરમાં જ ઠાલવી દીધી હતી.
આ ખુશી પણ લાંબો સમય ના ટકી. ૩ મહિના બાદ પિન્કીએ એકાએક સતત રડવાનું ચાલુ કરી દીધું. શરૂઆતમાં તો વિશ્વા માનતી કે ભૂખ કે ઊંઘના કારણે રડતી હશે. પણ જયારે નિત્ય આ ક્રમ ચાલુ રહ્યો ત્યારે દવાખાનાના ચક્કર ચાલુ થઈ ગયા.પણ કોઈ દવાની અસર થતી ન હતી. છેવટે એમ. આર. આઈ, સોનોગ્રાફી. સીટી સ્કેનના ચક્કર ચાલુ થઈ ગયા. પણ રિપોર્ટ જયારે આવ્યો ત્યારે બંનેના પગ નીચેથી જાણે કે જમીન ખસી ગઈ. જયારે ખબર પડી કે માથામાં ગાંઠ છે અને તે પણ કેન્સરની. ડોકટરે કહ્યું ત્યારે વિશ્વાના આંસુ રોકાતાં ન હતાં એ તો રડતાં રડતાં ડોકટરના પગે પડી ગઈ. બોલી, "ગમે તે કરો, જોઈએ એટલા પૈસા લો પણ મારી પિન્કીને બચાવી લો. "
ડોકટર વિશ્વાને ઊભી કરતાં બોલ્યા,"હું તારૂ દુઃખ સમજી શકું છું પણ એને સાજી કરવા મેડીકલ સાયન્સ પણ અસમર્થ છે. "બેટા, તું વાસ્તવિકતા સ્વીકારી લે. તારી દીકરીનું આયુષ્ય માત્ર ર મહિના જેટલું જ છે. "
"નહિ ડોકટર ,આપણા હિંદુ ધર્મ મુજબ તો સ્ત્રી યમરાજ પાસેથી પણ પ્રિયજન ના પ્રાણ પાછા લાવે છે. હું મારી દીકરી ને બચાવીશ.એને યમરાજા પાસેથી પાછી માંગી લઈશ. "
ડોકટર એક માની લાગણી સામે માત્ર એટલુંજ બોલ્યા, "ઈશ્વર તારી ઈચ્છા પરિપૂર્ણ કરે"
વિશ્વા વિચારતી હતી કે મારી દીકરી તો હિંમતપૂર્વક રોગ સામે લડશે. એના આગમનના સમાચાર મળતાં જ એને રાણા પ્રતાપ, શિવાજી. ઝાંસીની રાણી વિષેની શૌર્ય કથાઓ વાંચી હતી. સુભદ્રા એ પણ ગર્ભાવસ્થા દરમ્યાન કૃષ્ણએ કહેલા સાતમાંથી ૬ કોઠાનું જ્ઞાન અભિમન્યુએ મેળવ્યું હતું. મારી દીકરી પણ હિંમત પૂર્વક કેન્સર સામે લડીને કેન્સરને હરાવશે.
ત્યારબાદ તો જાતજાતના ઉકાળા, દવાઓ, બાધાઆખડી રાખી. સતત પ્રભુને કહેતી કે મારી પિન્કીને બચાવી લેજો. એ દરમ્યાન કોઈકે કહ્યું, "વિશ્વા, તું રેકી શીખી જા.એનાથી કેન્સરની ગાંઠ પણ ઓગળી જશે. " પરંતુ સતત દવાખાનાના ધક્કા, જાતજાતના ઉકાળા તૈયાર કરવા એ દરમ્યાન પિન્કીનું સતત રૂદન. તેથીજ એક દિવસ વિશ્વાના પતિએ કહ્યું, "તું એકલી પિન્કીને સાચવી શકતી નથી. હું નોકરી છોડી દઉં છું. અમારે આઈ. ટી. વાળાને ગમે ત્યારે નોકરી મળી જશે.પરંતુ આપણી પિન્કીને તકલીફ ના પડવી જોઈએ. "
ત્યારબાદ તો વિશ્વા રેકી શીખી. પિન્કી ના ર૬ પોઈન્ટ પર રેકી આપતી. ૧ાા કલાક નો સમય એની પાછળ આપતી. પરંતુ એનું આધ્યાત્મિક લેવલ એટલું ન હોવાથી અસર ઓછી થતી હતી. પણ પિન્કીને સારૂ લાગતું હોય એવો એને અનુભવ થવા લાગ્યો. જેમ દરેક વ્યક્તિ દુઃખ માં ઈશ્વર ને યાદ કરે છે એમ વિશ્વા એ પતિને કહ્યું, "શ્રવણ કાવડ લઈને માબાપ ને યાત્રા કરાવતો હતો આપણે આપણી દીકરીને ઉંચકીને એને યાત્રા કરાવીએ. "
ત્યારબાદ પતિપત્ની પિન્કીને લઈ નજીકના યાત્રાધામોમાં જતાં. ડોકટરનો બે મહિનાનો સમય તો કયારનોય પૂરો થઈ ગયો હતો. પતિપત્નીની સંભાળને કારણે બીજા ૮ મહિના પણ પસાર થઈ ગયા.
આખરે તો ઈશ્વર નું ધાર્યું જ થયું. પિન્કી એ આ દુનિયામાંથી વિદાય લીધી. વિશ્વા નું રૂદન જોવાતું ન હતું. પિન્કીના પારણા સામે જોઈ હાલરડાં ગાતી, "દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. તારા એક સ્મિતમાં તારા ચમકે, મોતીડાં હાજર.... દીકરી મારી.. "
હું વિચારતી હતી કે વર્ષો પહેલાં દીકરીને દૂધ પીતી કરવામાં આવતી. ત્યારબાદ સોનોગ્રાફી કરી દીકરી હોય તો એનો નિકાલ કરવામાં આવતો. જયારે આ પતિપત્નીને તો દીકરી જ જોઈતી હતી.
વિશ્વા અને એના પતિએ એમની લાડકવાઈ ગુમાવી એ વેદના જોનારની આંખોમાં આંસુ લાવી દેતા. દરેકના મુખે માત્ર એટલુંજ નીકળે, "પ્રભુ કોઈની પણ લાડકવાઈને એના માબાપની હયાતીમાં તમારી પાસે ના બોલાવતાં"
