કુંવારી વિધવા
કુંવારી વિધવા


નેહા અને આકાશ આજ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા. બધી વિધિ સરસ રીતે સંપન્ન થઈ ગઈ. નેહાના માબાપ ખૂબ ખુશ હતા. આકાશ એક આર્મી ઓફિસર હતો. ઊંચો દેખાવડો આકાશ કોઈ ફિલ્મનો હીરો લાગતો હતો. આમ પણ નેહાને યુનિફોર્મવાળા ઓફિસર ખૂબ ગમતા. હવે એજ એનો સુહાગ બની ગયો હતો. આકાશની વાત આવી તો નેહાએ તરત હા પાડી હતી. એ તો આકાશના ફોટા સાથે પ્રેમમાં પડી ગઈ હતી. એકાંતમાં એ ફોટાને ચૂમ્યાં કરતી.
લાલ પાલવવાળા ઘરચોળામાં આજ એ ખૂબ સુંદર લાગી રહી હતી. આકાશ પણ બેઇઝ રંગની શેરવાનીમાં હીરો લાગી રહ્યો હતો. બંનેની જોડી નજર લાગી જાય એવી સુંદર દેખાતી હતી. આવનારા મહેમાનો પણ બંનેની જોડીની પ્રશંશા કરી રહ્યા હતા.
મિત્રો આકાશને એના રૂમમાં મૂકી આવ્યા જ્યાં નેહા બેચેનીથી આકાશની રાહ જોઈ રહી હતી. ઘૂંઘટમાં એ શરમાઈ રહી હતી. એના મહેદી રંગેલાં હાથના કંગન ખનકી જતા હતા. ગુલાબનો હાર એને મદહોશ કરી રહયો હતો. આકાશના પગલાનો અવાજ સાંભળી એનું હ્દય ધડકન ચૂકી ગયું. આકાશ દરવાજો બંધ કરી એની પાસે આવ્યો. પલંગની કિનારી પર બેઠો. પલંગ આખો ફૂલોથી સજાવેલો હતો. ધીરેથી નેહાનો ઘૂંઘટ ઉઠાવ્યો. નેહા તો જાણે શરમથી લાલ લાલ થઇ ગઈ. આકાશે નેહાનો સુંદર મહેદી રંગેલો હાથ હાથમાં લઇ એક સુંદર પેકેટમાંથી વીંટી કાઢી નેહાની કોમળ આંગળીમાં પહેરાવી દીધી. અને નેહાનો હાથ ચૂમી લીધો. નેહાને થયું કે આકાશને ભેટી પડે પણ શરમ આડે આવી. આકાશે ગળામાથી ફૂલોનો હાર કાઢી બાજુ પર મૂક્યો. નેહાની બાજુમાં આવીને બેઠો. નેહાની હડપચી ઊંચી કરી એના ગુલાબની પાંખડી જેવા હોઠને ચૂમી લીધા. નેહા પોતાના પર કાબુ ના રાખી શકી. એ આકાશને વીંટળાઈ વળી જાણે વેલી કોઈ થડને વીંટળાઈ જાય.
ફોનની રીંગ વાગી પણ બંને મદહોશ હતા. ફરી ફોનની રીંગ વાગી. છતાં બંનેને હોશ જ ના હતા. પણ હવે દરવાજા પર ટકોરા થયા. બંને સફાળા જાગી પડ્યા. આકાશે સ્વસ્થ થઈને દરવાજો ખોલ્યો. એનો નાનો ભાઈ સંજય બહાર ઉભો હતો. એને કહ્યું," ભાઈ, આર્મી ઓફિસરનો કોલ છે લેન્ડ લાઈન પર." આકાશ બહાર ધસી ગયો. ફોન ઉપાડ્યો. સામેથી ઓફિસરનો હુકમ થયો તાત્કાલિક હાજરી આપવાનો. યસ સર કહી આકાશે ફોન મુક્યો.
ઘરના બધા લોકો જમા થઇ ગયા. આકાશને સમજાવવા લાગ્યા કે કાલે સવારે જજો. એક દિવસમાં શું ફરક પડે છે? પણ આકાશ આર્મીના નિયમોનો પાબંદ હતો. એ રૂમમાં ગયો. અને નેહાને સમજાવી કે, "સરહદ પર મારી જરૂર છે. મારે જવું પડશે." કહી એ કપડા બદલવા લાગ્યો. શેરવાની કાઢી આર્મીના કપડા પહેરી લીધા, પછી એકદમ નેહા પાસે આવ્યો. નેહાની આંખમાં આંસુ હતા. એને નેહાને બાહુપાશમાં લીધી અને ધીરેથી કહ્યું તારી સુહાગરાત મારા પર લેણી અને તું જોજે જિંદગીભર યાદ રાખીશ એવી સુહાગરાત મનાવીશું. એમ કહીને નેહાની સામે આંખ મારી. પણ નેહા તો એને ગળે લાગી ગઈ જાણે એને છોડવા જ માગતી ના હતી. આકાશ એને ચૂમીને બહાર આવ્યો. ઘરવાળા બધા ઉદાસ હતા. પણ આકાશ એકલો હસતો હતો.
આકાશ ઊપડી ગયો. નેહા એને જતો જોઈ રહી.આતંકવાદીઓ એ હુમલો કર્યો હતો. સરહદ ઉપર ગોળીબાર ચાલું હતો. આકાશના ઘરવાળા ટી વી સામે બેસી રહ્યાં હતા. પ્રાર્થના કરતા હતા. દિવસ નીકળી ગયો. બધા થાકીને સુવા ગયા. નેહાની આંખમાં ઊંઘ ના હતી. એ એકલી ટીવી સામે બેસી રહેલી. એક બૉમ્બ ફેંકાયો અને કેટલાક આર્મી મેન શહીદ થઇ ગયા. નેહાની ચીસ નીકળી ગઈ અને બેભાન થઇ ગઈ. સંજય બધે કોલ કરવા લાગ્યો કે બૉમ્બ ધડાકામાં મૃત્યુ પામેલાની યાદી મળી આવે. ઘણા કોલ પછી પણ કાંઈ જાણવા ના મળ્યું.
બીજા દિવસે સવારે ડોર બેલ વાગી. એક આર્મી ઓફિસર હાથમાં આકાશની ટોપી અને એના બેઝ લઈને આવ્યા અને ખુબ માનથી સામેના ટેબલ પર મૂક્યાં. અને કહ્યું કે, "આકાશ દેશની હિફાજત કરતા કરતા શહીદ થઇ ગયા છે. જય હિન્દ" નેહા અવાકપણે ટોપી અને બેઝને તાકી રહી. ધીરેથી એને પોતાના માથા પર લગાવેલું સિંદૂર ભૂંસી નાખ્યું.