કુમુદ: કેન્સરગ્રસ્ત સ્ત્રીમાં માતાના દર્શન અને સેવા
કુમુદ: કેન્સરગ્રસ્ત સ્ત્રીમાં માતાના દર્શન અને સેવા
કુમુદ: કેન્સરગ્રસ્ત સ્ત્રીમાં માતાના દર્શન અને સેવા
'કોઈના પર કરેલો ઉપકાર પોતાના સ્વાર્થ માટે વટાવી ખાવો, એ પણ એક પાપ જ ગણાય''. અખિલેશનો દ્દષ્ટિકોણ
''દાદીમા, દામ્પત્ય એ ચોપાટની રમત નથી કે એક સોગઠું આઉટ થાય એટલે એની જગા ભરી દેવાની ઉતાવળ હોય !''
મંતવ્યના પપ્પા ગામડે રહે છે. ભર જવાનીમાં વિધુર થયા પછી દાદીમાના અતિ આગ્રહ છતાં બંને પુત્રીઓ સુચરિતા અને કર્મણ્યા ખાતર તેઓ પુનર્લગ્ન માટે તૈયાર થયા નહીં. પુત્ર મંતવ્યને વધુ અભ્યાસ માટે મોસાળમાં રાખવાનું નક્કી કર્યું.
મંતવ્યના પપ્પા અખિલેશ સાચા અર્થમાં ખેડૂત હતા. લંડનમાં અભ્યાસ કરી ઇજનેરીની ઊંચી પદવી પ્રાપ્ત કરી. તેઓ સ્વદેશ પાછા ફર્યા ત્યારે મોટી- મોટી કંપનીઓ તેમને ઊંચા પગાર સાથે વગદાર હોદ્દો આપવા તૈયાર હતી. પણ અખિલેશ એ પૈકી એક પણ નિમણૂક સ્વીકારવા તૈયાર નહોતા.
બીજી તરફ પોતાની પુત્રી માટે વિદેશ રહી આવેલા યુવકની શોધમાં રસ ધરાવતાં મા- બાપોએ અખિલેશના ઘરનાં પગથિયાં ઘસી નાખવાનું શરૃ કરી દીધું હતું. જાતજાતના ફોટા અને અને દીકરીઓની વિશેષતા વર્ણવતા બાયોડેટા દ્વારા અખિલેશનું મન લલચાવવા ખાસ્સી જહેમત ઉઠાવી હતી.
પણ અખિલેશ સહુને કહેતો ''હું કાચની ગુડિયા જેવી પત્નીની પસંદગી માટે ભારત નથી આવ્યો, ભારત માતાની સેવા કરવા માટે પાછો આવ્યો છું. મને ખેતરમાં હળ હાંકતો જોઈ હરખાય એવી પત્ની જોઈએ છે. જેના હૃદયમાં કરુણા હોય, આતિથ્યની ભાવના હોય અને સેવાનો ઉમળકો હોય. જેનામાં પ્રસન્ન દામ્પત્યનો તલસાટ હોય એવી સ્ત્રી પર હું મારી પસંદગીનો કળશ ઢોળીશ.''
અને અખિલેશના સદ્ભાગ્યે મનોરમા નામની યુવતી એ બધા ગુણો ધરાવતી હતી. મનોરમા સાથે એણે કોઈનેય પૂછ્યા વગર સાદાઈથી લગ્ન કરી લીધાં. મનોરમાની ખાનદાની અને પતિપ્રેમ અખિલેશની તાકાત બની ગયાં.
પંદર વર્ષના પ્રસન્ન દામ્પત્યે અખિલેશની જીવનવાટિકામાં ત્રણ ફૂલો આપ્યાં. પુત્ર મંતવ્ય અને બે પુત્રીઓ : સુચરિતા અને કર્મણ્યા. કર્મણ્યાની પ્રસૂતિ વખતે મનોરમાને કાળનું તેડું આવ્યું અને અખિલેશનાં સ્વપ્નનો મહેલ જમીનદોસ્ત થઈ ગયો. પણ હતાશા ખંખેરી એ ખેતીના કામમાં વળી પાછો પરોવાઈ ગયો.
એકવાર એક ખેતમજૂર બાઈની આંખોમાં આંસુ જોઈ અખિલેશે પૂછયું,''મા, રડશો નહિ. તમારા દુ:ખમાં હું સહભાગી બનવા માગું છું. મારી નજરમાં માલિક અને મજૂરનો ભેદ નથી. હું માનું છું કે અનાજ, શાકભાજી, કે ફળોના ઉત્પાદનમાં જેટલો હિસ્સો મારો છે એટલો જ હિસ્સો તમારા જેવા સહુ શ્રમજીવીઓનો છે. આપણા દેશમાં માણસને મૂલવવાનો ઊંધો માપદંડ છે.
શ્રમ કરાવે તે મોટો અને શ્રમ કરનાર નાનો એવી અન્યાયી દ્દષ્ટિ પ્રવર્તે છે. રૃડો રૃપાળો ભવ્ય બંગલો તૈયાર કરનાર શ્રમજીવીને બંગલાના ઉદ્ધાટનમાં કોઈ યાદ પણ નથી કરતું. બોલો, તમારી શી પીડા છે ?
પેલી મજૂરબાઈ અખિલેશ તરફ જોઈ રહી. જિંદગીમાં એને પહેલી વાર એક એવા માણસનો ભેટો થયો હતો જે બીજાના ંઆંસુને ગંગાજળ માનતો હતો.
થોડીવાર એ બાઈ ચૂપ રહી પછી એણે આંસુ લૂછીને કહ્યું,''મને છેલ્લી સ્ટેજનું કેન્સર છે. ડૉક્ટરો કહે છે કે હું થોડાક દહાડાની મહેમાન છું... મને ચિંતા કોરી ખાય છે..''
મજૂર બાઈ બોલતાં- બોલતાં અટકી ગઈ !
''મા, સંકોચ વગર કહો. તમારા દીકરા જેવો અખિલેશ તમને બધી જ રીતે મદદરૃપ થવા તૈયાર છે... તમને આજે જ સારવાર માટે મોટી હોસ્પિટલમાં હું દાખલ કરાવીશ. બાકી તો જિંદગી પરમેશ્વરના હાથની ચીજ છે. હવે બોલો, બીજી ચિંતા કઇ ? ''અખિલેશે કહ્યું.''
''બીજી ચિંતા મારી જવાનજોધ પુત્રી કુમુદની છે...મારા ગયા પછી એ નોંધારી બની જશે... આજનો જમાનો તો તમે જુઓ છો ને ! લોકોને વાસનાનો હડકવા વળગ્યો છે. રૃપ અને રૃપિયો બંને સલામત નથી, ત્યારે મારી કુમુદનો રખેવાળ કોણ બનશે, એની કલ્પના કરતાં હું ધૂ્રજી ઊઠું છું.
''એનું રખોપું હું કરીશ, બસ, ચાલો, હાથ- પગ ધોઈ આવો પછી મારી કારમાં હોસ્પિટલ જઈશું. ત્યાં તમારી સારવાર શરૃ કરાવી તમારી વહાલસોયી દીકરી કુમુદને પણ બોલાવી લઈશું -'' અખિલેશે કહ્યું... અને એ મજૂર બાઈનો ભાર હળવો થઈ ગયો.
એ મનોમન અખિલેશને આશીર્વાદ આપી રહી હતી. મજૂરીનો હિસાબ રાખનાર કારકુન પાસે જઈને એણે કહ્યું, ''મારી આજની મજૂરીનો દિવસ ચેકી નાખજો. મેં આજે કામ કર્યું નથી એટલે મારાથી અણહકના પૈસા ન લેવાય.''
અખિલેશ એ બાઈના શબ્દો સાંભળી સ્તબ્ધ થઈ ગયો. લોકો ખોટી હાજરી પૂરી- પુરાવી અણહકના પૈસા વસૂલ કરે છે, જ્યારે આ બાઈ મહેનત કર્યા વગરનો પૈસો જતો કરવા તૈયાર છે. અભણોએ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ ભલે ન કર્યો હોય, પણ ભારતીય સંસ્કૃતિનાં ઉદાત્ત મૂલ્યો એ ચરિતાર્થ કરી જાણે છે.
અને અડધા કલાક પછી અખિલેશ એ મજૂરણ બાઈને કેન્સર હોસ્પિટલમાં લઈ ગયો. તેનાં મેલાં- ઘેલાં કપડાં જોઈ કેસ કાઢનારે પૂછ્યું. ''સર, આ બાઈને જનરલ વોર્ડમાં રાખવાની છે ને?''
અખિલેશે કહ્યું : ''એ નક્કી કરવાનું કામ મારું છે. સારામાં સારો એ.સી રૃમ એને ફાળવવાનો છે. ઊજળાં વસ્ત્રોવાળા મેલા દિલના માણસોને મોટા માનવા અને નેકદિલ ગરીબ ઇન્સાનોને નાના માનવા, એ આપણા દેશની ભ્રામક મનોવૃત્તિ છે.''
એટલામાં એક ગૌરવર્ણની કન્યા દોડતી આવી. એણે અખિલેશનો ચરણસ્પર્શ કર્યો અને પોતાની મમ્મીને ભેટીને રડવા લાગી.
મજૂર મમ્મીએ તેને આશ્વસ્ત કરી અને પૂછ્યું : ''દીકરી, મને હોસ્પિટલમાં ખસેડવાની ખબર તને કોણે આપી ?''
'લે મમ્મી, તેં તો ખેતરમાંથી માણસ મોકલ્યો હતો, હોસ્પિટલનું સરનામું લઈને. એ માણસે કહ્યું હતું કે ખેતરના માલિક અખિલેશ સર, તારી મમ્મીને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે.'
મજૂરબાઈએ અખિલેશ સામે જોયું, અને પોતાની પુત્રીને બોલાવી લેવા માટે તેમનો આભાર માન્યો.
અખિલેશે સારવાર અને તેને લગતા ખર્ચની તમામ ગોઠવણ કરી દીધી હતી. કુમુદના જમવા માટે કેન્ટીનમાં પૈસા પણ જમા કરાવી દીધા હતા. બધું જ બરાબર ગોઠવાઈ ગયા પછી અખિલેશે વિદાય લીધી હતી.
અખિલેશ દિવસમાં બે વાર એ મજૂરબાઈની ખબર પૂછવા આવતો. કુમુદ પણ રાતદિવસ પોતાની માતાની સેવા કરવામાં કોઈ કસર રાખતી નહોતી.
પણ અંતે સેવા હારી અને મૃત્યુ જીત્યું.. એ મજૂરણ બાઈએ પંદર દિવસ પછી દેહત્યાગ કર્યો. કુમુદ નોંધારી ન બને એટલા માટે અખિલેશ તેને પોતાને ઘેર લઈ ગયો અને દાદીમાને કહ્યું : આ પારકી થાપણ છે. એને સહેજ પણ ઓછું ન આવે એ જોશો.
દાદીમા પ્રેમાળ તો હતાં જ, પણ એમની નજર સ્વાર્થમુક્ત નહોતી. તેમણે મનોમન વિચાર્યું કે અખિલેશ ઇચ્છે છે એવી સાદગી, વિનયશીલતા અને નમ્રતા જેવા મહાન ગુણો કુમુદમાં છે. એટલે વહેલા- મોડા ચોકઠું ગોઠવાઈ જશે.
બીજે દિવસે અખિલેશે અવસાન પામેલી મજૂર બાઈનું બેસણું રાખ્યું. એ દિવસે ખેતરના કામમાંથી સહુ મજૂરોને મુક્તિ આપી.
અને એ બાઈની ઉત્તરક્રિયા પણ પાર પાડી. ઉત્તરક્રિયાને દિવસે તમામ મજૂરોને ભેટ-સોગાદો આપી. અખિલેશ પ્રેત ભોજનમાં માનતો ન હતો એટલે સહુને જમાડવાનો કાર્યક્રમ એણે રાખ્યો નહોતો.
કુમુદ બારમું ધોરણ પાસ હતી. અખિલેશે તેને નર્સિંગ કોલેજમાં દાખલ કરી. હોસ્ટેલમાં રહેવા માટેના સઘળા ખર્ચની જવાબદારી ઉઠાવી લીધી.
દાદીમાએ ધીરે રહીને અખિલેશના લગ્નની વાત ચલાવી. એમણે કહ્યું કે ''દીકરા અખિલેશ, તું ઇચ્છે છે તેવા બધા જ ગુણો કુમુદમાં છે. તારી બંને દીકરીઓને માતા મળશે અને તને જીવનસંગિની. આખરે કુમુદના ભવિષ્યનો નિર્ણય તો તારે જ કરવાનો છે. પછી ઊંબરો મૂકી ડુંગરો પૂજવાનું શું કામ વિચારવું ?''
અખિલેશે કશો જ જવાબ ન આપ્યો, એટલે દાદીમાને લાગ્યું કે અખિલેશની સમ્મતિ છે...
એમણે એક દિવસ કુમુદને જમવાને બહાને ઘેર બોલાવી. અખિલેશ ખેતરે ગયો હતો. એમણે પોતાના મનની વાત કુમુદ સમક્ષ રજૂ કરી. કુમુદ શાણી હતી. એણે કહ્યું, ''દાદીમા, અત્યારે મારો નર્સિંગનો અભ્યાસ ચાલુ છે. આપની વાત વિશે પછીથી નિરાંતે વાત કરીશું.''
અખિલેશ અવાર-નવાર કુમુદની લેડિઝ હોસ્ટેલની મુલાકાત લઈ તેને કોઈ પણ વાતની મુશ્કેલી ન પડે તેનો સંપૂર્ણ ખ્યાલ રાખતો. હોસ્ટેલની ચીફ મેટ્રનને પણ અખિલેશની માનવતાવાદી દૃષ્ટિનો પૂરો ખ્યાલ હતો.
સમય વહી ગયો. કુમુદનો નર્સિંગનો અભ્યાસ પૂરો થયો. એને હવે ક્યાં રાખવી એ પ્રશ્ન હતો. ચીફ મેટ્રનની મદદથી એને સ્ટાફ નર્સ તરીકે અખિલેશે ગોઠવી દીધી અને હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા પણ ગોઠવી દીધી.
દાદીમાએ કુમુદ સાથે અખિલેશના લગ્નની વાત આગળ વધારવાનું નક્કી કર્યું. એક દિવસ ભોજન બાદ એમણે અખિલેશને કહ્યું : ''અખિલેશ, કુમુદ વિશે તારો શો ખ્યાલ છે ?''
''બહુ જ ઊંચો. એના જેવી ગુણિયલ છોકરીઓ આજ કાલ ભાગ્યે જ જોવા મળે. મને સંસ્કારી સ્ત્રીઓ પ્રત્યે ખૂબ જ માન છે''- અખિલેશે કહ્યું. દાદીમાને લાગ્યું કે પોતાનું નિશાન સફળ થઈ રહ્યું છે. તેમણે કહ્યું : 'જો તને કુમુદ ગમતી જ હોય તો પછી વધુ વિલંબનો અર્થ શો ? તું કહે તો તારી હાજરીમાં જ હું કુમુદ સાથે ચર્ચા કરું.'
અખિલેશને લાગ્યું કે પોતે હવે મોં ખોલવું જોઈએ. એણે કહ્યું : મારી પત્ની મનોરમાના મૃત્યુ પછી નવેસરથી ઘર માંડવામાં રસ નથી ! સુચરિતા અને કર્મણ્યાના લગ્ન પછી તેઓ સાસરે જશે એટલે મારો ભાર હળવો થશે. મને મારી પત્ની મનોરમાનાં સ્મરણોમાં રસ છે. દાદીમા, દામ્પત્ય એ ચોપાટની રમત નથી કે એક સોગઠું આઉટ થાય એટલે એની જગા ભરી દેવાની ઉતાવળ હોય. અને મંતવ્યનાં લગ્ન કરાવીશ એટલે પુત્રવધૂ ઘર સંભાળી લેશે.
મને ખેતીવાડીમાં રસ છે એટલે હું તો ખેતરને જ મારો અડ્ડો બનાવીશ. અને કુમુદ તો પેલી મજૂરણ બાઈની થાપણ છે. કોઈની થાપણના માલિક ન બનાય. રખેવાળ બનીને તેને સાચવવાનો ધર્મ અદા કરવો પડે. એટલે કુમુદના ભવિષ્યની વાત મારી પર છોડી દો- અખિલેશે સ્પષ્ટતા કરી દીધી.
''એટલે મારા વચનની કોઈ કિંમત જ નહીં. મેં તો કુમુદને પણ માનસિક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન શરૃ કરી દીધો હતો ''- દાદીમાએ કહ્યું.
''દાદીમા, તમારા વચનની મને કિંમત છે, તમારો ખૂબ જ આદર કરું છું. પણ જીવન પ્રત્યેનો મારો આગવો દૃષ્ટિકોણ છે. એ દૃષ્ટિકોણને વફાદાર રહેવું એ મારી ફરજ છે. કોઈના પર કરેલો ઉપકાર પોતાના સ્વાર્થ માટે વટાવી ખાવો એ પણ એક પાપ જ ગણાય! અખિલેશે કહ્યું.
અને દાદીમા અણગમા સાથે મૌન રહ્યાં.
અને કુમુદ સાથે કેન્સર હોસ્પિટલમાં કામ કરતા ડૉ. તૃપ્તેશની મુલાકાત કરાવી. તૃપ્તેશ દેખાવે રૃપાળો પણ હતો અને કુમુદના જેવા જ ગુણો ધરાવતો હતો.
અખિલેશે કુમુદને કહ્યું : ''તારી મમ્મી કેન્સર હોસ્પિટલમાં અવસાન પામી છે. હું તારાં લગ્ન તૃપ્તેશ સાથે એટલા માટે કરાવવા ઇચ્છું છું કે તે કેન્સર હોસ્પિટલમાં જ કામ કરે છે. હોસ્પિટલમાં કેન્સરપીડિત અનેક મહિલાઓ દાખલ થતી રહેશે. એમને આત્મીયતાસભર નર્સિંગની જરૃર હશે. તારી એક માતા મૃત્યુ પામી, પણ હોસ્પિટલમાં દાખલ થનાર સ્ત્રીઓમાં તું તારી માતાનું દર્શન કરજે. ડૉ.તૃપ્તેશને પણ તું પૂરી નિષ્ઠાથી મદદરૃપ બનજે. મારી વાતનો ઇન્કાર ન કરીશ.
અને ભવિષ્યમાં પણ તને આર્થિક ચિંતા ન રહે એ માટે તારા નામે રૃપિયા દસ લાખની ફિક્સ ડિપોઝિટની વ્યવસ્થા મેં કરી છે. કુમુદ, મને તારો મોટોભાઈ માની મારી પર તમામ પ્રકારનો હક કરવાની તને છૂટ. ચાલો, એક કેન્સરગગ્રસ્ત દર્દીની ખબર પૂછી આપણે શુભકામની શરૃઆત કરીએ. ડો. તૃપ્તેશ પણ એમાં જોડાશે.''
અને અખિલેશે ડૉ. તૃપ્તેશ સાથે કુમુદનાં સાદગીથી લગ્ન કરાવ્યાં હતાં. નર્સ તરીકે કુમુદ દરેક કેન્સરગ્રસ્ત સ્ત્રીમાં પોતાની માતાના ચહેરાનું દર્શન કરતી હતી.
લેખક ડૉ. ચન્દ્રકાન્ત મહેતાની અનુમતીથી સંપાદીત
