ક્ષમા
ક્ષમા
સત્યઘટના પર આધારિત-
અમદાવાદમાં એક જ કોલેજમાં સાથે ભણતા એક હિન્દુ યુવતી અને એક મુસ્લિમ યુવાનનો સંબંધ અભ્યાસ સંબંધિત વાતચીત, નોટ ચોપડીઓની આપ-લે પછી મિત્રતા અને ધીમે ધીમે પ્રણયમાં પરિણમ્યો. કુટુંબની સખત વિરોધતા છતાં બેઉ પરણી ગયા. મુસ્લિમ યુવાન માં એટલી હિંમત હતી કે યુવતીને લઈને તે ઘરે આવ્યો અને બધાને માંડ માંડ મનાવી બંને બધાની સાથે જ રહેવા લાગ્યા.
હિન્દુ યુવતીના માતા-પિતા પોતાની પુત્રીને "ક્ષમા" કરવા તૈયાર ના હતા. 2002 નું વર્ષ. માતા પિતાને મનાવવા તેણે ઘણા નિષ્ફળ પ્રયાસ કર્યા. મુસ્લિમ યુવક નોકરીએ જાય તે પછી તેને સતત તેના કુટુંબીજનોના મેણા ટોણા, નફરત અને ધુત્કાર સહન કરવા પડતાં. તેમને ખબર હતી કે હવે આ ઘર સિવાય તેને ક્યાંય આશરો નથી.
2002 માં જ્યારે હિન્દુ મુસ્લિમ કોમી તોફાનો ફાટી નીકળ્યા ત્યારે અમદાવાદમાં સ્થિતિ ખૂબ જ વણસી ગયેલી. વાહનો સળગાવવાના, પથ્થરમારાના, જૂથ અથડામણના ઘણા કિસ્સા રોજ જ બનતા. એક દિવસ તે યુવાન જેમ તેમ કરીને પોતાના મુસ્લિમ વિસ્તારમાંથી ઓફિસ જવા નીકળી ગયો હતો. હિન્દુઓ તરફથી પોતાના વિસ્તારમાં થતા પથ્થરમારા અને આગ ચાંપવાના બનાવોનો ગુસ્સો કુટુંબીજનોએ તે યુવતી પર કાઢ્યો અને બધાએ ભેગા થઈ તેને જીવતી સળગાવી દીધી. લગભગ બળીને રાખ જ થઈ ગયેલી તેમ માનો.
જ્યારે માતા-પિતાને ખબર પહોંચાડી ત્યારે તેમને એક જ વિચાર આવ્યો.... દિકરી તો નાદાન હતી, તેની કાચી ઉંમર હતી પણ અમે તો સમજુ હતા ને! જે થયું તે પણ તેને "ક્ષમા" કરી; અમે તેની સાથે હોત અને એને થોડો પણ ટેકો હોત તો તેના દુઃખની અમને ખબર પડત. કદાચ ઘરે પણ લઈ આવ્યા હોત અને આજે તે સાથે હોત. "ક્ષમા" એ મનનું એક અમૂલ્ય ઘરેણું છે.
