કૃપા બરસેગી
કૃપા બરસેગી
બાબાજીનો દરબાર ભરાયો છે. ખુબજ શાંત અને પવિત્ર વાતાવરણમાં ચંદનની અગરબત્તીની સુગંધ પ્રસરી રહી છે. ભક્તજનો આવી ગયા છે. બાબાજી પણ બ્લેક મર્સીડીઝમાં આવ્યા. હવે સવાલોનો સિલસિલો શરૂ થાય છે.
દરેક ભક્તોના સવાલ બાબાજી ધ્યાનથી સાંભળી એનો ઉકેલ લાવે છે, અને આશીર્વચન કહે છે "કૃપા બરસેગી"
ત્યાં જ એક યુવાન અચાનક બહારથી વગર ટિકિટે હૉલમાં ઘુસી ગયો અને બે ત્રણ માણસોએ એને કચકચાવીને પકડી રાખ્યો હતો. એ ચીસો પાડતો હતો. "બાબાજી મને બચાવો બચાવો..."
બાબાજી "છોડી દો એને" અને પૂછ્યું "શું થયું ભાઈ..બધી વાત કર, કૃપા બરસેગી"
યુવાન "નહિ એ દિવસે તમે કહ્યું હતું કે પર્સમાં લેડીઝ રૂમાલ રાખું તો પ્રમોશન મળશે.. પણ કૃપા એવી વરસી કે નોકરી જ છૂટી ગઈ.
બાબાજી "એવું કેમ બન્યું ?"
યુવાન "અરે બાબાજી ત્યારબાદ તમે મને કહ્યું હતું કે એક આંગળીમાં નેઇલપોલિશ લગાવવાથી બોસને મારુ કામ નજરમાં આવશે ...પણ કૃપા એવી વરસી કે બોસ તો શું બધાની નજરમાં આવી ગયો છું. અને બધા વિચિત્ર નજરે જુએ છે મારી સામે.
બાબાજી "પણ હું એ જ પૂછું છું કે આવું બન્યું કેમ ?"
યુવાન " અને છેલ્લે હજી અઠવાડિયા પહેલા જ તમે કહ્યું હતું કે વોલપેપરમાં બહુચર મા નો ફોટો રાખવો ઘરમાં શાંતિ રહેશે...પણ કૃપા એવી વરસી કે વાત હવે છેક મારા છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે.
બાબાજી "અરે મારા બાપલીયા, ભૈસાબ હું ક્યારનો એકજ વાત તને પૂછું છું કે મેં તને એવા કોઈ ઉપાય નહોતા આપ્યા કે તારૂ આટલું બધું નુકસાન થાય તો પછી આવું બન્યું કેમ..?"
યુવાન "બાબાજી મને બચાવો નહીંતર તમે પણ બચી નહિ શકો, એ આવતી જ હશે, અને એના હાથમાં વેલણ પણ છે જેને એ ધોધમાર વરસાવે છે... હું તો કહું છું કે તમે પણ મારી સાથે ભાગો ભાગવામાં જ ભલાઈ છે...ભાગો ભાગો, ભાગે એ ભાયડા ને રોકાય એ માર ખાય...મારી પત્નીનું નામ "કૃપા" છે...બાબાજી.!"
