STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Fantasy Inspirational Children

4  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Fantasy Inspirational Children

કરામતી કલમ

કરામતી કલમ

3 mins
430

રાહુલ પાંચમા ધોરણમાં આવી ગયો, છતાંય તેના તોફાન જરાય ઓછા નહોતા થયા, ભણવાનું એને જરાય ના સોરવે. ગૃહકાર્ય ના કરવા બદલ ઘણીવાર તેને કલાસ બહાર અંગુઠા પકડવાની સજા મળેલી.

આજે પણ રાહુલ ગૃહકાર્ય કર્યા વગર જ નિશાળ આવેલ. એને તો દરેક સજામાં મજા આવતી. ઘણીવાર બીજા શિક્ષકોનું કામ કરવાના બહાને છું થઈ જતો.

આજે ગણિતના કોઈ નવા સાહેબ આવેલા, જે સોટી લઈને બાળકોને ખુબ મારતા હતાં. જયારે પોતાના કલાસમાં સાહેબ આવ્યા, અને આજે તો રાહુલ ગૃહકાર્ય પણ નહોતો કરી આવેલો, હવે ?

રાહુલ તરત જ પાણીની બોટલ ભરવાના બહાને સાહેબની રજા લઈને વર્ગખંડની બહાર ગયો, અને નિશાળ પાછળની વંડી ઠેકીને સીધો.. બહાર.

કારણ વગર ભટકવામાં રાહુલને બહુ મજા આવતી. રોડ પર અચાનક તેને એક પેન મળી, કંઈક અલગ જ હતી. લાલ રંગ અને એમાં રંગબેરંગી સરસ ડાયમંડ. રાહુલ ખુબ નવાઈથી કલમને જોઈ રહ્યો. સાચવીને ખિસ્સામાં મૂકી પછી પાછો રમવા લાગ્યો. પાંચ વાગે છુટ્ટી મળી એટલે સીધો ઘર તરફ. તેનો પાક્કો દોસ્ત રિધમ રાહુલનું દફતર લઈ આવેલો.

રાતે આઠ વાગે રાહુલના પપ્પા ઘરે આવ્યા, રાહુલ ડાહ્યો ડમરો થઈને ચુપચાપ લેસન કરતો હોય છે. તરત ખિસ્સાની નવી કલમ યાદ આવી. કલમ હાથમાં લઈને રાહુલ બોલ્યો, આજે આ ગૃહકાર્ય જલ્દી થઈ જાય. "બસ.. કલમ તો ફટાફટ ચાલવા જ લાગી. પાંચ મિનિટમાં જ ગૃહકાર્ય પૂરું. પહેલા તો રાહુલ કાંઈ સમજ્યો નહિ, પછી વારંવાર આવું થવાથી ખબર પડી કે આ કરામતી કલમ છે. જે લખવું હોય, તે આપોઆપ લખાઈ જાય.

હવે તો રાહુલને મોજ પડી ગઈ, ગૃહકાર્ય ચાર પાંચ મિનિટમાં જ થઈ જતું. વળી, કોઈ દિવસ ભૂલ પણ ના નીકળે ! કલાસવર્ક ઝડપથી પૂરુ કરીને તો એ કાયમ કલાસ બહાર જ હોય. સજામાં નહિ, બસ મજા કરવા.

સત્રાંત પરીક્ષામાં રાહુલ લગભગ 70% આસપાસ ગુણ આવી જ ગયા. રાહુલને ભણવાનું પહેલેથી જ ના ગમતું. હવે તો રોજ મોજ પડતી.

રાહુલના વર્ગશિક્ષકે એક દિવસ બધા બાળકોને આવતીકાલે નિબંધ સ્પર્ધા છે, તથા સરપ્રાઈઝ ઈનામ પણ આપવાના છે, તેની જાહેરાત કરી.

રાહુલ તો મોજમાં આવી ગયો, તેને ખાતરી જ હતી કે પહેલો નંબર પોતાનો જ હશે. એટલે એ સાંજે જ રખડવા નીકળી ગયો.

    બીજે દિવસે સવારે પ્રાર્થના પછી હોલમાં બધા વિદ્યાર્થીઓ નિબંધ લખવા ભેગા થયા. રાહુલ પોતાનો નિબંધ લખવા શરૂઆત કરે છે, ત્યાં જ વર્ગશિક્ષક સાહેબ રાહુલની કરામતી કલમ જોઈને,

" અરે, વાહ. રાહુલ. લાવ, આજે તારી કલમથી બધાના પેપરમાં સહી કરું. તેને બીજી ત્રણ ચાર પેન લખવા આપતા, તેનાથી બધાની જવાબવહીમાં સહી કરવાનું શરૂ કરે છે. ત્યાં જ પ્રિન્સિપાલ બોલાવે છે, એટલે વર્ગશિક્ષક સાહેબ પ્રિન્સિપાલની ઓફિસે જતા રહે છે.

બિચારો રાહુલ, ઘણા સમયથી ભણવાનું પણ છોડી દીધેલ. અને હવે આ કરામતી કલમ વગર સ્પર્ધા કેમ જીતવી ? ઉદાસ બનીને રાહુલ નિબંધના વિષય વાંચે છે. એક વિષય હતો, મારું કબૂલાતનામું. રાહુલને એમ થયું કે જો હું કાંઈ નહિ લખું, તો સાહેબ ખીજાશે અને બીજા છોકરાઓ મશ્કરી પણ કરશે. એટલે તે લખવાનું શરૂ કરે છે, પણ લખવું શું ? અંતે મારું કબૂલાતનામું વિષય પર લખવાનું શરૂ કરે છે.

પોતાને મળેલી કરામતી કલમ, અને તેનો કરેલો દુરુપયોગ બધુ જ રાહુલ કબૂલ કરે છે. આજે કોણ જાણે તેને હૈયે હળવાશ લાગે છે. અને પોતે જાતે નિબંધ લખ્યો, એનો આત્મસંતોષ પણ થાય છે.

ખબર નહિ કેમ પણ જાતે નિબંધ લખવામાં જે આનંદ રાહુલને થયો, તેવો આનંદ કરામતી કલમ વડે લખવામાં ક્યારેય નહોતો થયો. રાહુલ સાહેબ પાસેથી કરામતી કલમ પાછી માંગવાનું રહેવા દે છે.

બીજે દિવસે નિબંધ સ્પર્ધાનું પરિણામ આવે છે. રાહુલનો બીજો નંબર આવે છે. અને સાથે સાથે ઈનામ પણ મળે છે. સાહેબ બધા વિદ્યાર્થીઓ વચ્ચે રાહુલના એક હોશિયાર વિદ્યાર્થી તરીકે ખુબ વખાણ કરે છે. અને જો થોડી વ્યાકરણની ભૂલ ના હોત, તો રાહુલ જ વિજેતા હોત એમ સૌને કહે છે.

આ પ્રસંગ પછી રાહુલમાં ખુબ પરિવર્તન આવે છે. તે હવે ઉત્સાહથી ભણવા લાગે છે. રાહુલ ભણવાની સાથે સાથે બીજી બધી સ્પર્ધાઓમાં પણ વિજેતા બને છે.

આજે ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ હોય છે. રાહુલ નિશાળમાં પ્રથમ નંબર સાથે ઉતીર્ણ થયેલો. શાળા છોડતાં પહેલા રાહુલ ધોરણ 5ના પોતાના વર્ગશિક્ષક પાસે જાય છે. સાહેબને પગે લાગતા, સાહેબ રાહુલને આશીર્વાદની સાથે સાથે કરામતી કલમ પાછી આપે છે.

રાહુલ વિનયથી કલમનો અસ્વીકાર કરતા, " સાહેબ અસલ કરામત તો આપની છે, સાહેબ. મને યોગ્ય સમયે મહેનતનું મહત્વ સમજાવ્યું. એ પેન તમે લઈ ના લીધી હોત, તો હું આળસુ અને કામચોર અને ઠોઠ વિદ્યાર્થી જ બની રહેત. મહેનતથી મળેલી સફળતાનો આનંદ જ અનેરો હોય છે. એમ કહીને એ કલમના ટુકડા કરી નાખે છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy