કોયલનાં ઈંડાં કાગડાના માળે
કોયલનાં ઈંડાં કાગડાના માળે
એક કોયલ હતી અને એક કાગડી હતી. બંને પાકી બહેનપણીઓ. સાથે રમે, સાથે હરે-ફરે અને સાથે ખાય-પીએ. બંનેનો સમય આનંદથી પસાર થાય. ઝાડની ડાળ ઉપર બેસે, ગીત ગાય, નદીએ જાય, છીછરાં પાણીમાં ખંખોળિયાં કરે, ઝાડે-ઝાડે ફરે અને ઝાડનાં ફળો ખાય.
એક વખત કોયલ માંદી પડી. તો કાગડી પણ ખાવા-પીવાનું છોડીને કોયલની સેવા કરવા લાગી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. કોયલથી જરાયે દૂર ન જાય. ભૂખ્યા રહેવાથી કાગડીની તબિયત પણ બગડી. છતાં તેણે ભગવાનની પ્રાર્થના ન છોડી. તેથી ભગવાને દર્શન દઈને બંનેને સાજી કરી દીધી. ભગવાને જતાં પહેલાં કાગડીને વરદાન આપ્યું કે ‘‘તારા વંશજો બધાં ચતુર થશે અને એક વખત તું ધારીશ તે કરી શકીશ.’’ આ સાંભળી કાગડી તો ખૂબ ખુશ થઈ ગઈ. ભગવાન ત્યાંથી ગયા પછી બંને નાચવા-કૂદવા લાગી.
હવે બન્યું એવું કે એક નર કોયલ-કોકિલ આ કાગડી અને કોયલ બંને જ્યાં રહેતી હતી ત્યાં રહેવા આવ્યો. તેના મીઠા મધુર અવાજથી કાગડી તેના ઉપર મોહી ગઈ. તે નર કોયલને પટાવવા લાગી. પછી તો બંને એકબીજાના ગાઢ પ્રેમમાં પડી ગયા. પેલી કોયલને તો આ વાતની ખબર પણ ન પડી. તે પણ નર કોયલના પ્રેમમાં પડી. નર કોયલ સાથે હરવા-ફરવા ને વાતો કરવા લાગી. કાગડીએ નર કોયલને લગ્નની વાત કરી. ત્યારે નર કોયલે કહ્યું કે, ‘‘આપણી જાત અલગ હોવાથી હું તારી સાથે લગ્ન કરી શકીશ નહીં !’’ આમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. થોડા દિવસો પછી તેણે કોયલ સાથે લગ્ન કરી લીધાં. બંનેનો સુખી સંસાર જોઈને કાગડીને ખૂબ ઈર્ષા આવી. તે મનમાં ને મનમાં બળવા લાગી. તે સાવ દૂબળી પડી ગઈ. આ જોઈને તેની બહેનપણી કોયલે કાગડીને તેનું કારણ પૂછયું. કાગડીને ભગવાનનું વરદાન યાદ આવ્યું. તે ગુસ્સે થઈને બોલી, ‘‘તેં મારા પ્રેમી સાથે લગ્ન કરી લીધાં અને બંને જલસા કરો છો ! આજે હું ભગવાનના વરદાનનો ઉપયોગ કરીને તને શ્રાપ આપું છું કે તમારી કોયલજાત કદી માળા બાંધી જ શકશે નહીં !’’ આ સાંભળી કોયલને ખૂબ દુ:ખ થયું. પરંતુ હવે તે કંઈ કરી શકે તેમ ન હતી. તેણે પણ કાગડીને સંભળાવ્યું કે, ‘‘અમે માળા નહીં બાંધી શકીએ તો અમારાં ઈંડાંને તમારી કાગડાની જાતે જ સેવવાં પડશે. તમારી જાત ગમે તેવી ચતુર હશે તો પણ અમારાં ઈંડાંને ઓળખી નહીં શકે.’’
આ બનાવ બન્યો ત્યારથી કોયલજાતના માળા કદી બંધાયા નથી અને જ્યારે પણ ઈંડાં મૂકવાનો સમય આવે ત્યારે કાગડાના માળામાં જઈને મૂકી આવે છે અને કાગડા તેને પોતાનાં ઈંડાં માનીને સેવે છે. ઈંડાંમાંથી જ્યારે બચ્ચાં બહાર આવે છે ત્યારે ફુરરર..... કરતાં ઊડી જાય છે. અને પોતાની કોયલજાત સાથે ભળી જાય છે.
