Leena Patgir

Horror Fantasy Thriller

4.0  

Leena Patgir

Horror Fantasy Thriller

કોણ હતો એ ?

કોણ હતો એ ?

5 mins
24K


હું છું સંધ્યા, મારી ઉંમર 40 વર્ષની છે, સંતાનસુખથી વંચિત વિધવા છું, મારા પતિના અવસાનને 5 વર્ષ થઇ ગયા છે, દરિયાકિનારે બેસવાનું મને ખુબ પસંદ છે. પાણીમાં પથ્થર નાખ્યા બાદ જે વલયો રચાય છે એમાં ક્યાંક મને મારું જીવન પણ વલોવાતું દેખાય છે. 

 દૂર દૂરથી સમુદ્રની લહેરો મારા પગ પર આવતી અને મને જાણે સાંત્વના આપતી હોય એમ મને પંપાળતી, હું પણ કુદરતની આ અજીબ રમત જોઈને હસી કાઢતી, હું ચાહત તો મારા જીવનમાં બીજા કોઈને આવવા દેત પણ હવે એકલતા જ સહારો બની છે એવું લાગ્યા કરે છે, પતિ પ્રત્યેનો પ્રેમ બીજા કોઈ વિશે વિચારવા જ નથી દેતો, પોતે તો જતા રહ્યા અને મને ખબર નહિ કોના ભરોસે મૂકતા ગયા, આ વિચારોનું વંટોળ ચાલતું હતું

ત્યાંજ પાછળથી કોઈક આવ્યું હોય એમ મેં અનુભવ્યું અને જોયું તો એક ઘરડા કાકા હતા, મને જોઈને જાણે તેઓ મને પહેલેથી ઓળખતા હોય એવું લાગ્યું, તેઓ મારી પાસે આવ્યા અને મારી બાજુમાં બેઠા, દસેક મિનિટ સુધી નીરવ શાંતિ રહી છેવટે તેઓએજ શરૂઆત કરી અને બોલ્યા, 'બેટા, તને જોઈને તારી તકલીફો સમજુ છું પણ ટૂંક સમયમાં એ દૂર થઇ જશે, મારા દીકરાનો દીકરો છે આલોક, એ અનાથ થઇ ગયો છે એને પણ મમતાની જરૂર છે તો તું એને અપનાવી લે બેટા, બે દુખીયા ભેગા થઈને સુખ ભોગવી શકે !!'

મને નવાઈ લાગી કે તેઓ આ બધું કેવી રીતે જાણે છે કે મારા જીવનમાં શું થયું છે અને હજુ હું એમને પૂછવા જઉ એ પહેલા તો તેઓજ ફરી બોલ્યા, 'તને રોજ અહીંયા આવતી જોઉં છું, તારા પાડોશી નીતાબેનએ મને વાત કરી હતી'

હું સમજી ગઈ અને મેં પૂછ્યું કે, 'આલોકના પપ્પા એટલેકે તમારા દીકરા સાથે શું થયું ? '

તેઓ બોલ્યા, 'એનો કાર એક્સીડેન્ટ થયો જેમાં એ અને એની પત્ની મૃત્યુ પામ્યા એટલે આલોક હવે અનાથ છે, મારું કાંઈ નક્કી નહિ એટલા માટે તને જોઈ તો થયું કે લાવ વાત કરું ', 

હું સહમત થઇ અને કાકાએ આલોકના નામની બુમ મારી ત્યાં તો દસ વર્ષનો આલોક, ભૂરી આંખો વાળો, વાંકડિયા વાળવાળો, શરીરમાં ભરાવદાર અને દૂધને પણ ફિક્કો પડાવે એવો ગોરો હતો, પહેલી નજરે કોઈ પણ વ્યક્તિ એના પર આકર્ષિત થઇ જાય, ઘડીક તો એને જોઈને કુદરત પર ફરી રિસાવાનું મન થયું કે આટલા સુંદર છોકરા સાથે શું કામ આવી રમત રમ્યો હશે ! એને જોઈને હું મારું બધું જ દુઃખ ભૂલી ગઈ, આલોક મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો કે, 'આજથી હું તમને મમ્મી જ કહીશ ઓક્કે મમ્મી !'

મેં આંખનો ખૂણો લૂછતાં ડોકું હલાવ્યું, પહેલી વાર આટલી સુખની અનુભૂતિ થઇ હતી જેને શબ્દોમાં વર્ણવી અઘરી પડશે, 

ત્યારબાદ હું અને આલોક દરિયાકિનારે ખૂબજ રમ્યા, પછી મને યાદ આવ્યું કે ઓલા કાકા ક્યાં ગયા ? 

આલોક બોલ્યો, ' દાદાજી મને મુકવાજ આવ્યા હતા એટલે તેઓ પાછા જતા રહ્યા હશે, ફરી તમને નહિ મળે કેમકે એમણે કહ્યું હતું કે જો ફરી મને જોશે તો ખૂબજ દુઃખી થઇ જશે એટલે એમણે પ્રોમિસ લીધું તું કે હવે અમે બંને નહિ મળીએ ', 

સમય પણ લહેરોની માફક વહેતો ગયો, આલોક હવે પંદર વર્ષનો થઇ ગયો હતો, મારા માટે આલોક જ મારી દુનિયા હતો એટલે મને કાંઈજ ભાન નહોતું રહેતું, હું બસ ઘરે બેઠા બેઠા ઓનલાઇન દવાઓનો બિઝનેસ કરતી હતી, આલોક ભણવામાં અને બધીજ વાતે એટલો બધો એક્ટિવ હતો કે મારે મોટાભાગે સ્કૂલે પણ જવુ નહોતું પડતું, મારા જીવનમાં જાદુગર બનીને આવ્યો હતો, જેણે જાદુ કરી નાખ્યું મારી પર, જેના લીધે મને જીવવાની આશા જાગી અને મારા જીવનમાં પાછી ખુશીઓ છવાઈ ગઈ.

આલોક હવે 21 વર્ષનો થઇ ગયો છે, એના માટે સારી છોકરી ઓનલાઇન જોવાનું મેં ચાલુ કરી દીધું હતું, પણ આલોકે એકજ જીદ પકડી છે એ લગ્ન નહિ કરે અને આખી ઝીંદગી મારી સાથેજ વિતાવશે, આવું સાંભળવું દરેક માને ગમતું હોય છે પણ આપણે પણ આપણા છોકરા માટેજ સારુ વિચારતા હોઈએ છીએ,

  એક દિવસ મને પાયલ કરીને એક છોકરી ખૂબજ પસંદ પડી, એ મનોવિજ્ઞાનની જાણકાર હતી , આલોકના કહ્યા વગર મેં એની જોડે વાત કરવાનું ચાલુ કરી દીધું અને એણે પણ મળવા માટે હામી ભરી દીધી, આલોકને હું પરાણે ખેંચીને લઈજ ગઈ મળવા, પાયલ એકદમ ગંભીર થઈને મારી સામું જ જોયા કરતી હતી, કદાચ એને આલોકને જોઈને શરમ આવતી હશે, એ પણ ગાંડી આલોક એની સામેજ બેઠો હતો ને પૂછતી કે ક્યાં છે આલોક ? 

થોડીવાર પછી એનો ડર દૂર થયો અને એ વાતચીત કરવા લાગી આલોક સાથે પણ... 

પાયલે કહ્યું કે એ હવે ઘરે આવશે આવતા અઠવાડિયે. હું તો ખુશ થઇ ગઈ, આલોકે મોઢું બગાડ્યું પણ મારી ખુશીના લીધે કાંઈજ ના બોલ્યો.

પાયલ ઘરે આવી, એની સાથે બીજા 2-3 જણા હતા જે મને પકડીને ખુરશીમાં બેસાડી રહ્યા હતા, મેં આલોકને બુમ મારી તો એને પણ માર્યો, ધીરે ધીરે મને અંધારા આવવા લાગ્યા, મારી આંખો ખુલી ત્યારે કોઈક બોલ્યું કે હું ભાનમાં આવી ગઈ છું, પાયલ બોલી, 'મેડમ મારી વાત તમારે ધ્યાનથી સાંભળવી પડશે', હું આલોક આલોક બોલતી રહી, કંટાળીને પાયલે મને જોરથી તમાચો માર્યો અને કહેવા લાગી, 'આંટી કોઈજ આલોક નથી અહીંયા કે તમારા જીવનમાં ' મને એની વાત સાંભળીને હસુ આવવા લાગ્યું.... 

એ ફરી બોલી, 'આંટી હું હકીકત કહું છું, તમને જયારે પહેલી વાર મળી ત્યારે થોડી વાર પછી હું સમજી કે તમને આ બીમારી છે, આલોક એક તમારા મનનો ભ્રમ છે, આલોક હકીકતમાં છે જ નહિ'

સામે જ આલોક બેઠો હતો એટલે મેં પાયલને કહ્યું કે 'જો સામે જો મારો આલોક બેઠો છે '

પાયલે કહ્યું, 'ના આંટી એ ફક્ત તમને જ દેખાય છે બીજા કોઈને નથી દેખાતો, તમારા પાડોશીએ કહ્યું કે તમે આવું છેલ્લા 11 વર્ષથી કરો છો, તમને લોકો માનસિક રોગી કહે છે પણ તમે કોઈને નુકસાન નથી કરતા એટલા માટે કોઈ ફરિયાદ નથી કરતું, આલોકના સ્કૂલે પણ હું જઈ આવી જેમાં કોઈજ આલોક નથી, ટીચરો અને પ્રિન્સિપાલ કહી કહીને થાક્યા તમને કે કોઈજ છોકરો નથી તો શું કહે તમને,'

પાયલની વાતમાં મને હવે ધીરે ધીરે સમજણ પડવા લાગી, મારી ટ્રીટમેન્ટ કરવામાં આવી, બે વર્ષની સારવાર બાદ આજે આલોક મારી દુનિયામાંથી જતો રહ્યો છે, મેં મારા મન પર કાબુ પણ રાખી લીધો છે, સારવાર બાદ પહેલી વાર હું દરિયાકિનારે ગઈ, મને ફરી યાદ આવ્યું કે જો આલોક મારો ભ્રમ હતો તો પેલા કાકા કોણ હતા ? આ જાદુઈ લોકો શું જાદુ કરીને જતા રહ્યા મારા જીવનમાં. અચાનક પગમાં કોઈક ફોટો આવ્યો જોયું તો એમાં પેલા કાકા, કદાચ એમનો દીકરો અને વહુ અને આલોક હતો બાળપણનો. 

મને ખબર નહિ શું સૂઝ્યું કે આ ફોટો લઈને હું દોડતી નીતા (પાડોશી પાસે ગઈ અને એને બતાવ્યું કે એ આ લોકોને ઓળખે છે ? 

નીતાનો જવાબ સાંભળીને ફરી એક ઝાટકો લાગ્યો મને, એણે કહ્યું, 'આ તો સુરેશકાકા છે, આગળની સોસાયટીમાં રહેતા હતા, એક કાર એક્સીડેન્ટમાં આ બધા ત્યાં ગુજરી ગયા, પણ તું કેમ આ પૂછે છે ?'

હું કાંઈ પણ કીધા વગર ત્યાંથી નીકળીને ફરી દરિયા કિનારે આવી, અને ફરી કુદરતની આ ખરાબ રમત પર હસી કાઢ્યું, દૂરથી મને આલોક અને પેલા કાકા મારી પાસે આવતા દેખાતા હતા અને હું હસતા મોં એ એમને આવકારી રહી હતી.



Rate this content
Log in

Similar gujarati story from Horror