કંપની
કંપની


"...મને ઘરડા ઘરમાં મૂકી આવને...!"
નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો.
શહેરના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી.
અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલામાં રહેતો હતો.
એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું "બેટા મને ઘરડા ઘરમાં મૂકી આવને !!"
અજય અને રીટા બંને એકદમ ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજતમાં કોઈ ખામી રહી ગઈ કે શું ?
અજયે કહ્યું "કેમ પપ્પા, અમારાથી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ?
હસમુખરાયે હસતાં-હસતાં કહ્યું-: "ના બેટા ના; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ?
... પણ હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘરમાં મારા ત્રણ જૂના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઈ જશે....!
અજયે તરત જ કહ્યું-: "પપ્પા, સમાજ અમારા માટે શું વિચારશે, ૫-૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી આપીશ.
હસમુખરાય પણ માની ગયા.
વાત વિસરાઈ ગઈ.
અજયે વિલાની બાજુમાં જ એક નાનું આઉટ હાઉસ બનાવવાનું શરુ કર્યું અને જોત જોતામાં એક સુંદર મજાનું આઉટ હાઉસ તૈયાર થઇ ગયું.
હસમુખરાયે પૂછ્યું ; બેટા, આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને !!
અજયે કહ્યું કે મહેમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે.
રવિવાર આવી ગયો.
ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રો ને બોલાવવામાં આવ્યા હતા, આઉટ હાઉસ પર રીબીન બાંધવામાં આવી હતી,
હસમુખરાયે તાળીઓનાં ગડગડાટ સાથે રીબીન કાપી.
અજયે કહ્યું-: "પપ્પા દરવાજો પણ તમે જ ખોલો.
હસમુખરાયે બારણું ખોલ્યું, સામે ખુરશી પર તેમના ત્રણ મિત્રો બેઠા હતા!!
...હસમુખરાય ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ત્રણે મિત્રોને ગળે લગાડી દીધા.
અજય રૂમમાં દાખલ થયો તો ચારે વડીલો એને ભેંટી પડ્યા.
અજયે કહ્યું કે "પપ્પાની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું તમને ઘરડા ઘરમાંથી અહીં લઇ આવ્યો, આજથી આ ઘર તમારૂ જ છે અને તમારે મોજથી અહીં જ રહેવાનું છે, અને હા, મેં એક કેર ટેકર શંભુકાકા ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે.
ચારે વડીલોની સાથે સાથે અજયની આંખમાંથી અશ્રુઓ વહી ગયા.
અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમમાંથી ખડખડાટ હાસ્યનાં અવાજો આવવા લાગ્યા.
અજય મનોમન બોલી ઉઠ્યો "મિત્રો ની "કંપની" "સ્ટીરોઈડ જેવી હોય છે" !!!
મિત્રતાથી ઉત્તમ કોઈ ટોનીક નથી.