લોભી ઉંદર
લોભી ઉંદર
લોભી ઉંદરને મકાઈથી ભરેલી ટોપલી દેખાઈ. તે હર્ષ થી ઉછળી પડ્યો, તે બધા મકાઈ પેટ ભરી ખાવા ઈચ્છતો હતો, તેથી તેણે ટોપલીમાં એક નાનો છિદ્ર બનાવ્યો. તે છિદ્રમાંથી ગળકી આરપાર નીકળી ગયો. તેણે પેટ ભરીને મકાઈ ખાઈ લીધી અને ખુશખુશાલ હતો.
હવે તે બહાર નીકળવા માંગતો હતો. તેણે નાના છિદ્રમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો. પણ કંઈ કારી ફાવી નહીં. તેનું પેટ છલોછલ હાંડાની જેમ ભરાયું હતું. તેણે ફરીથી પ્રયત્ન કર્યો. પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.
ઉંદર હવે રડવા લાગ્યો. એવામાં એક સસલું ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. તે ઉંદરનો રડવાનો અવાજ સાંભળીને પૂછ્યું, "કેમ દોસ્ત, તમે રડો છો ?"
ઉંદરે બધી ઘટના સમજાવી, “મેં એક નાનું કાણું કર્યું અને તેમાં ગળકી, અહીં ટોપલીની અંદર મકાઈ ખાવા માટે આવ્યો. હવે હું તે કાણાંમાંથી બહાર નીકળી શકતો નથી !'
સસલાએ કહ્યું, “તે એટલા માટેથયું કે તમે વધારે પડતું ખાઈ લીધું છે, હવે ખોરાક પચે અને તમારું પેટ સંકોચાય ત્યાં સુધી રાહ જુઓ” - સસલું હસી પડ્યું અને ચાલ્યું ગયું.
ચિંતાતુર ઉંદર આખરે ટોપલીમાંજ સૂઈ ગયો. બીજે દિવસે સવારે ખોરાક પચતાં તેનું પેટ સંકોચાયું ! ઠંડી રાત વિતાવી અને બહાર નીકળવાની ખુબ કોશિશને લીધે હવે તેણે ખુબ જ કકડીને ભૂખ લાગી હતી. હવે ફરીથી થોડા દાણાં મકાઈ ખાઈ લેવાની તીવ્ર તાલાવેલી જાગી..
મકાઈની લાલચમાં જ તે ટોપલીમાંથી નીકળવાનું ભૂલી ગયો, તેણે મકાઈ અકરાંતિયાની જેમ ખાધી અને ફરીથી તેનું પેટ ખરેખર ઢમઢોલ જેવી મોટું થઇ ગયું હતું. ખાધા પછી ઉંદરને યાદ આવ્યું કે ટોપલીમાંથી બહાર નીકળી જવાનું હતું ! હવે દેખીતી રીતેજ તેમ થાય તેમ નહોતું ..
તો એણે વિચાર્યું - ઓહ...હવે ફરી કાલે બહાર નીકળી જઈશ , એમાં શું !
એવામાં , એક બિલાડી ત્યાં ટોપલી પાસેથી પસાર થઇ, તેને ટોપલીમાં સૂંઘી જોયું, ઉંદરની ગંધ આવી, તેણે ટોપલીનું ઢાંકણ ઉપાડ્યું અને ઉંદરને પકડીને ખાઈ ગઈ...!
વાર્તાનો સાર: લોભ કરવો કે લોભી બનવું એ સાવ નકામું છે . સફળ ધંધાના પરિપ્રેક્ષ્યમાં કરકસર એ જરૂરી બાબત હોવા છતાંય, એ કરકસર લોભમાં ન પરિણમે તે ખાસ ધ્યાન રાખવું. નહીતો વાર્તામાંના લોભી ઉંદરની જેમ કરેલો લોભ ભયંકર દુર્ઘટનામાં પરિણમતા વાર નથી લાગતી.