દિયાનું વચન
દિયાનું વચન


તે ઉનાળાની ગરમી પરની જીતની વધામણી સમો મોસમનો પહેલો વરસાદ હતો. નાનકડી દિયા તેની આતુર કથ્થાઈ આંખોથી બારીના કાચમાંથી બહાર જોઈ રહી હતી. તે દૂર એક મકાનની અગાસી પર દેખાતા કળા કરી નાચતા મોરને મંત્રમુગ્ધ બની જોઈ રહી હતી. તેણે બહાર કાફેની છત નીચે વરસાદ બંધ થાય તો પોત-પોતાના ગંતવ્યો પર જવાની રાહ જોઈ ઉભેલું એક ટોળું જોયું..દિયા એક સંવેદનશીલ બાળકી હતી અને તેની આઠ વર્ષની ઉમર કરતા વધુ પરિપક્વ હતી.
ત્યાં કાફે ના છપરા નીચે દિયા ને બે પ્રકાર ના માણસો ઉભેલા જોવાં મળ્યા, એકતો તેમાંના કેટલાંક દિયા ની જેમ જ ચુપચાપ-શાંતિથી ઉભા-ઉભા વરસાદનો આનંદ લઇ રહ્યા હતા અને બીજા કેટલાંક મિલનસાર લોકો, એક-બીજાથી અજાણ્યા હોવા છતાં એક-મેક સાથે વાતો કરતાં, હસતાં-મલકાતાં, એકબીજાના નંબરો શેર કરતાં દેખાતાં હતા. જાણે, તેમાંના કોઈને નવા મિત્રો મળ્યા હોય અથવા કદાચ તો તેમાંના કોઈક તો બીજાંનો કોઈ ફાયદો કરાવવામાં મદદ કરી શકે તેવા હોય..! એમાં એ બીજાં પ્રકારની સંભાવના વધુ લગતી હતી..
આટલાં વર્ષોના થોડા અનુભવોને લીધે, તે સમજતી કે કોઈ પણ વ્યક્તિ અન્યો સાથે અકારણ જ સંકળાતું નથી. તેના પિતાની જેમ જ. તેના પિતા કે જેણે દિયાને જવલ્લે જ મોઢું દેખાડ્યું હતું, જવલ્લે જ દીકરી સામે જોયું હતું... એ દીકરી કે જે હંમેશા એમની આંખોમાં પોતાના પ્રત્યેનો પ્રેમ શોધતી.
ગયા સપ્તાહમાં તેણીએ તેના માતાપિતા વચ્ચેની વાતચીત સાંભળી હતી.
" અસ્લમ, હું ફરીથી માં બનવાની છું."
“અલહમદુલીલ્લાહ તે અદ્ભુત સમાચાર છે, ખુશામદીદ અસીમા...! પણ ખાતરી કરજે કે આ વખતે તે છોકરો જ હોય, નહીં તો આપણે તેને છોડી દેશું. "
“અસ્લમ... ખૂદાને વાસ્તે મહેરબાની કરજો, હું તમને વિનંતી કરું છું, હું ફરીથી આપણાં બાળકનો ગર્ભપાત કરી શકીશ નહીં," તેણીએ ચીસો પાડીને આજીજી કરી.
પછીની ક્ષણે દિયા એ તેના પિતાને માતા પર મારતા - ધમકાવતાં સાંભળ્યા અને તેને રૂમમાં એકલા રડતી મૂકી ચાલી જતા જોયાં.
પિતાને આ રીતે પાશવી વર્તન કરતાં જોયાં પછી પોતાના કાનો પર ભરોસો કરવાનું દિયા માટે અત્યંત કપરું હતું .
તેના પગ ધ્રૂજતાં હતા, તે જડ્વત બની ગઈ હતી અને તેના પગલાં માંડ માંડ આગળ ધપી શક્યા...પછીની સવારે, દિયા એ અકળ શાંતિ અનુભવી. તેની માં ના કપાળ અને હાથ પર તાજા ઘા જોયાં.
તે તેની માં સામે તેના બાળ-મસ્તિસ્ક માં દોડતાં સેંકડો સવાલો સાથે, એકીટશે જોઈ જ રહી... દિયા એ એની માં નો હાથ ઝાલ્યો, તેની હથેળી સોજી ને વાદળી થઈ ગઈ હતી.
અને દિયા એ રડવાનું શરૂ કર્યું; તરત જ તેને થપ્પડ પડી.
“દિયા, તું હંમેશા મારાં માટે મુશ્કેલી બની રહી છો, હંમેશા... " કહી તેની માં પોતાના રૂમમાં ચાલી ગઈ.
"મુશ્કેલી" શબ્દ દિયા ના કાનમાં વારંવાર ગુંજતો રહ્યો.
પહેલી જ વાર દિયા એ બરોબર સાંભળ્યું હતું, અર્થપૂર્ણ ઉકેલ જેવું સ્પષ્ટ !
પોતે માં-બાપ માટે "મુશ્કેલી" થી વધું કઈં જ નથી ! એ દિયાને ખૂંચતું. દિયાને જવાબો જોઈતા હતા.
" દિયા બેગ પેક કર, આપણે મમ્મીને ત્યાં જવાનું છે, તારા નાનીમા ને ત્યાં..."
તે તેની મમ્મીને ત્યાં જતી તો ખુશ થતી, પણ આ વખતે નર્વસ હતી, દિયાને કારણની ખબર હતી…
જેવા અસીમાની મમ્મીને ઘેર પહોંચ્યા, કે વરસાદ શરુ થઇ ગયો...વરસાદથી દિયા ઝૂમી ઉઠતી, પણ તેણે પોતાની જાતને રોકી. એ ફરીથી "મુશ્કેલી" શબ્દ સાંભળવા માંગતી નહોતી, તેથી તે ચુપચાપ બેડરૂમ માં ચાલી ગઈ. જ્યારે દિયા પોતાના જ વિચારોની જાળ માં ખોવાઈ, શેરીમાં રહેલા લોકોનું નિરીક્ષણ કરતી, વિચાર કરતી હતી ત્યારે તેણે તેનાં નાનીમા નો સાદ સાંભળ્યો !
દીયાએ વિચાર્યું કદાચ નાની મા મમ્મીને મદદ કરી શકશે, તે દાદરા સોંસરી દોડી અને કમસેકમ ૩ પગથિયાં ચુકી ફસડાઈ પડી.
તેને ગોઠણમાં ઇજા થઇ હતી.
" તું આ મુશ્કેલી ને શું કામ સાથે લાવી, અસીમા ..! "
... અને …
"મુશ્કેલી" શબ્દ દિયા ને ખિન્ન કરી ગયો. તે પીડાથી રડતી ઘરની બહાર દોડી ગઈ. તે વરસાદમાં કલાકો સુધી હીબકાં લેતી બેઠી. કોઈ દિલાસો દેવા કે છાની રાખવા ન આવ્યું. કોઈને કંઈ દરકાર જ નહોતી. તે અસીમા ને ફોન પર રડતાં જોઈ અંદર ગઈ. તે "તલાક" નામનો શબ્દ સમજવા સમર્થ નહોતી.
એ "મુશ્કેલી" નામનો શબ્દ તેનો કે તેની માં અસીમાનાં નસીબમાંથી ખસવાનું નામ જ નહોતો લેતો.
પચીસ વર્ષ પછી... " તું શાં ને મારે માટે મુશ્કેલીઓ ઉભી કરે છે ?!?" દિયા તેની ત્રણ વર્ષની દીકરી આશ્કા પર બરાડી ઉઠી .... તેનું હૈયું ફાટી પડ્યું, અવાજ રૂંધાઇ ગયો.
દિયા તેના માતાપિતાનું ઘર છોડી, વર્ષોથી પોતાના અતિ પ્રેમાળ પરધર્મી પતિ સૌરભ સાથે સ્વતંત્ર જીવન જીવતી હોવા છતાં, "મુશ્કેલી" શબ્દ તેનો પીછો છોડતો ન હતો.
છેવટે તે શબ્દ તેનાં પાયાથી વણાયેલો હતો ...! દિયા એ પોતાના આત્મા ને એક વચન આપ્યું કે તે ક્યારેય એ શબ્દ આશ્કા માટે નહિ વાપરે. તે પોતાની લાડલી આશ્કાનો હંમેશા ધર્મ, રિવાજ-કુરિવાજો, જાતિ-લિંગ નાં પક્ષપાતોથી મુક્ત માનસિકતાવાળા વર્તનથી ઉછેર કરશે.
( લેખિકા-સિમરન કૌર ની અંગ્રેજી લઘુકથા "ફોર એવર" નો ગુજરાતી ભાવાનુવાદ )