બે કિલો માખણ
બે કિલો માખણ


{લઘુકથા}
એક ખેડુત હતો. તે તેના ગામના ભઠિયારા ( = બેકરીવાળો) ને માખણ વેચતો, અને બદલામાં તેના બૂઢા માં-બાપ માટે નરમ પાઉં ખરીદતો.
એક દિવસ ભઠિયારા ને થયું "લાવ, ખેડુતનાં માખણ ને જોખી જોઉં, એ બરાબર તો તોલીને આપે છે ને?" જે એ ખેડૂત નહોતો આપતો. ભઠિયારા એ થોડા દિવસ ખેડુતનાં વેચેલા માખણ નું બરાબર તોલ-માપ કરી જોયું.. માખણનો વજન બરાબર આવતો નહોતો.
" બસ હવે ... બહુ થયું... આજે તો આ ખેડુ ને કોરટમાં જ ઢસડી જઈશ...!!" ભઠિયારો કેસ નોંધાવી કોર્ટે ચડ્યો.
કોર્ટ માં -
જજ : તમારો આ ખેડૂત સાથે છેતરપિંડીનો કેસ છે .. બોલો શું કહેવું છે ?"
ભઠિયારો ફરિયાદના સુરે બોલ્યો : જજસાહેબ, આ ઠગ ખેડું રોજ મારે ત્યાંથી બે કિલો પાઉંના બદલામાં માખણ વેચે છે, જે હંમેશા બે કિલો કરતા ઓછું જ નીકળે છે..."
જજ ખેડૂતને : " તમે માખણ કેવી રીતે જોખીને આપો છો...?"
ખેડૂત સ્વસ્થતાથી - ભોળા ભાવે : "જજ સાબ્ય, હું રિયો અભણ-ગમાર... મારે તે વળી વજનકાંટા કેવા હોય..! મારી પાસે એક સાદું ત્રાજવું છે ..."
જજ: "તો વજન કેવી રીતે કરો છો?"
ખેડૂત: " ઘણાં વરસ પે'લાં મેં આ ભઠિયારા પાહેંથી પાઉં લેવાનું શરુ કઈરું અને ઈ મારી પાહેંથી માખણ ખરીદતો..મારા ઈ જ સાદા જુના ત્રાજવામાં એનું બે કિલો પાઉં રાખી, બીજાં પલ્લામાં પાઉંની બરોબઇર માખણ જોખી દેતો, તમારે દંડવો હોય તો આ ભઠિયારાને દંડો...! "
કેસ પૂરો થયો અને ભઠિયારાને છેતરપિંડી બદ્દલ દંડ અને સજા થઇ.
વાર્તા નો સાર: જીવન માં "જેવું વાવશો, એવું જ લણશો" જેવું તમે અન્યોને આપશો, તેવું જ તમે પામશો.. માટે કોઈની સાથે છેતરપિંડી - દગાખોરી કરવી નહિ...!