કંકુનાં સૂરજ
કંકુનાં સૂરજ
"મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યાં,
મારી વે'લ શંગારો વીરા,
શગને સંકોરો રે.
અજવાળાં પહેરીને ઊભા શ્વાસ,
મારી આંખે...."
રાવજીભાઈ પટેલ
સંગીતાબેન પચાસનાં અને રમેશભાઈ પંચાવનનાં. વર્ષોથી બન્ને એક જ શાળામાં શિક્ષક. સાથે જ જવું અને સાથે આવવું ચોવીસ કલાકનો સાથ સથવારો. બન્ને સંગીત અને સાહિત્યનાં શોખીન.રવિવારની સાંજે તો બન્ને વચ્ચે મુશાયરો જામતો,
બન્નેનો જ મુકાબલો. 'સુખી દાંપત્ય જીવન' એટલે આ દંપતિ.
"પલ્લુ તારી તરફ ગયાનો તને,
મુજને આનંદ ઊંચે ગયાનો છે."
મુકુલ ચોક્સી
આ ઉક્તિનાં બન્ને પલ્લાંનાં પાત્રો એટલે આ બેલડું. નીચેનું સમીકરણ એમણે ઈતિ સિધ્ધમ્ કરી બતાવ્યું હતું. હું તું = શૂન્ય આ એક જ એવો સરવાળો છે કે જેનો ઉત્તર શૂન્ય આવે .શૂન્ય એટલે એકબીજામાં ઓગળી જવું. ક્યારેક સંગીતાબેન થાકી જતાં ત્યારે રમેશભાઈ સધિયારો આપતાં,"અરે, વહાલી હવે તો ગણતરીનાં જ વરસો બાકી છે,પછી તો એ ય ને નિવૃતિ. આપણાં વ્યાજ જેવાં બાળકોને રમાડશુ ને જલસા કરશું."
કાલ કોણે દીઠી છે ! રમેશભાઈને ધીમે ધીમે શરૂ થયેલી ઉધરસ મટતી નહોતી અને અવાજ બેસી જતો. ફેમીલી ડૉક્ટર પાસે ગયાં, પંદર દિવસ દવા લીધી પણ કાંઈ ફેર ન પડતાં ડોક્ટરે સ્પેશિયાલિસ્ટ પાસે ચેક અપ કરાવવાની સલાહ આપી. હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું. બન્ને સાથે જ રીપોર્ટ લેવા ગયાં. ડોકટર બે ઘડી તો બન્નેને જોતાં જ રહ્યાં અને વિચારી રહ્યાં, "ક્યાંથી શરૂ કરું ? એમનાં રિએકશન કેવા હશે ? સહન કરી શકશે ?"પણ હકિકત ક્યાં સુધી છુપાવે અંતે એમની સામે આંખ મિલાવ્યાં વગર અને શબ્દ ચોર્યા વગર કહી જ દીધું.
રમેશભાઈને ગળાનું કેન્સર હતું, કદાચ સ્વરપેટી કાઢી નાખવી પડે. બન્નેએ એકબીજાનો હાથ કચકચાવીને પકડી લીધો. આમ જ થોડીક ક્ષણો એમ જ બેસી રહ્યાં,ધીમે ધીમે બન્નેની આંખો વહેવાં લાગી. ડોક્ટર પણ થોડી વાર એમને જોતાં જ રહ્યાં, એમનાં માટે પાણી મગાવ્યું અને ઘરે જવાની વ્યવસ્થા કરી આપી.
ઘરે પહોંચીને થોડી વાર તો ખામોશ બેઠાં રહ્યાં, "સૂર ,સંગીત મઢયું ઘર આમ કાં સુનું લાગે ! આ શૂન્યાવકાશ,આ મૌન "
દિકરો, દિકરી જેઓ પરદેશમાં સ્થાયી થયાં હતાં એમને જાણ કરી. ઓપરેશનની તારીખ નક્કી થઈ. બન્ને સંતાનો આવી ગયાં. ઓપરેશન 'સફળ' થઈ ગયું પણ વાચા ગુમાવી. સૂર અને રાગ ગયાં, શબ્દો હવે ધ્રુજતાં હાથે ગડબડિયાં અક્ષરે કાગળની ચબરખી પર લખાવાં લાગ્યાં. ધીમે ધીમે પરિસ્થિતિ વકરતી ચાલી, બીમારીની અસર આખાં શરીર ઉપર વર્તાવા લાગી. મઝધારમાં જ જીવનનૈયા હાલક -ડોલક થવા લાગી.
રમેશભાઈનાં ખાટલે સંગીતાબેન સુનમુન બેઠાં હોય. એમને જોઈને રમેશભાઈ દુઃખી દુઃખી થઈ જતાં અને પોતે બોલી ન શકવાની લાચારી અનુભવતાં. અત્યાર સુધી ઘર બાબત કોઈ ચીજની ચિંતા સંગીતાબેનને કરવાં જ નહોતી દીધી. બધું રમેશભાઈ જ સંભાળી લેતાં અને માળામાં બન્ને પંખીની જેમ ટહુકતાં રહેતાં. ટહુકો અચાનક સમી ગયો, માળામાં શાંતિ છવાઈ ગઈ. બન્નેએ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો કે,
"એકલાં જ આવ્યાં મનવા, એકલાં જવાનાં,
સાથી વિના, સંગી વિના, એકલાં જવાનાં.
બરકત વિરાણી
અને એક દિવસ પંખી માળામાંથી ઊડી ગયું. એક સફર જે સાથે, હાથમાં હાથ મિલાવીને શરુ કરેલી ,સાથે હલેસાં માર્યા હતાં, મુકામે પહોંચવાં માટે. અધવચ્ચે સાથ છુટી ગયો અને એક હલેસે મઝધારેથી નૈયા હાંકીને કિનારો લેવો બહુ મુશ્કેલ હતું.
