કંકુ પગલાંની કિંમત
કંકુ પગલાંની કિંમત
ઝાઝેરા હરખથી કંકુ પગલાં કરી કોડભરી લાડલી વકીલ બનેલ દીકરી રીટા મોટા ઘરની વહુ બનીને ઢોલિયામાં શણગાર સજીને પિયુની રાહ જોતી બેઠી હતી.
બહારનાં રૂમમાં ઝગડાનો અવાજ થતાં જ કુતુહલવશ તે રૂમની બારીએથી ડોકિયું કરી જોવા લાગી.
બહાર તેની સાસુ ને નણંદ તેનાં પતિ રાકેશને ધમકાવી રહ્યાં હતાં. નણંદ લહેકો કરીને બોલી,...
"આવડા મોટા ઘરમાં ચપટી જેટલું કરિયાવર આપીને તેમની દીકરીને કંકુ પગલાં કરાવી આપણને છેતરી ગયાં તારા સસરા."
રાકેશની મા બોલ્યાં,
" સોનાની જાળ પાણીમાં નાંખી આવી કરિયાવર વગરની કોરી વહુ લાવી. "
રાકેશનાં પિતા બોલ્યા,.
"દહેજ માંગવું પાપ છે."
" છાનામાનાં મૂંગા મરો.. !" સાસુ બોલ્યાં.
રાકેશ બોલ્યો,.. "મા શાંતિ રાખોને હવે તો દીકરી આપી છે. એટલે તેનો બાપ તમે જે કહો તે કરશે જ. શાંતિથી ફોસલાવીને બધું એક વર્ષમાં માંગી લેજો. "
અચાનક ઘૂંઘટ હટાવીને બહાર આવીને પોતાનાં કંકુ પગલાં ભૂંસીને રીટા બોલી,..
" પહેલાં પાગલ હતી પરણવા માટે ને સહુ સાસરિયાને પોતાના પરિવારજનો માનવા માટે, પણ હવે આપની વાત સાંભળીને હોશમાં આવી છું. અરે અહીં તો કંકુ પગલાંની કિંમત જરાય નથી. તમને તો કરિયાવરની જ ભૂખ છે.
જે મળ્યું છે દહેજમાં તે મારા પિતાજી તરફથી દાન સમજીને રાખજો." કહીને રાકેશના મહાન પિતાનાં ચરણોમાં નમન કરી રીટા ઘરની ચોખટ ઓળંગી ગઈ.

