કંકાસ બાદ વરસતો સ્નેહ વરસાદ
કંકાસ બાદ વરસતો સ્નેહ વરસાદ
નેવાંથી ટપકતાં વરસાદી બૂંદને મયુરી બારણે ઊભી ઊભી હાથમાં ઝીલીને વિરહથી જલતાં હૈયાને ટાઢક આપવાં મથામણ કરતી હતી. બહાર ઝરમર વરસતા વરસાદથી બનેલા કીચડમાં કૂદવાની તેની ભરપૂર ઈચ્છા હતી પણ ન જાણે કેમ તેનાં પગ ઉપડતા ન હતાં.
પતિ આજ સાસુ સાથે થયેલાં ઝગડાને લઈને ગુસ્સે થઈને બહાર જતો રહ્યો હતો. પાછળથી પોતાની ભૂલ સમજાતાં મયુરી પસ્તાવો કરી રહી હતી કે, "જો મારી માતાને કોઈ બોલ્યું હોત તો મારી પણ તેને બોલવાની ફરજ હોય. તેવી રીતે મારો પતિ પણ મને પહેલીવાર મા માટે થઈને બોલ્યો. મારે ખોટું જ ન લગાડવું જોઈએ સાચી સમજણથી મયુરીનો બધો જ ગુસ્સો વરસાદનાં ટીપાંથી ધોવાઈ રહ્યો હતો.
અચાનક સામેથી હાથમાં પ્લાસ્ટિક બેગ સાથે લઈને પતિ મેહુલ આવતો દેખાયો. તે ગુસ્સામાં કાંઈક બોલશે એમ માનીને મયુરી ડરીને રૂમમાં જતી રહી. મેહુલે આવતાં જ બૂમ પાડી,
"મયુરી જો મસ્ત ગરમ ગરમ ભજીયા બનાવડાવી લાવ્યો છું. ચાલો મમ્મી સાથે મળીને બધાં ખાઈએ મજા આવશે."
મયુરીનું મન મોર બનીને થનગનાટ કરવા લાગ્યું. પતિએ ગુસ્સો ન કરતાં વ્હાલથી તેને પોકારી હતી. મયુરી પણ સામે કાંઈક કરવાં માંગતી હોય તેમ રસોડામાં જઈને આદુવાળી મેહુલની મનગમતી ચા બનાવવાં લાગી. તપેલીમાં ચા ની ભૂક્કી જેમ ઉકળતાં પાણીમાં ઓગળી તેમ મયુરીનો ગુસ્સો ઓગળીને મેહુલનાં પ્રેમના જળમાં જાણે ઓગળી ગયો. બહાર જઈને તે મોં ચડાવેલ સાસુમાને બોલી,
"બા લ્યો આ ચા સાથે ભજીયા ખાવો. બહુ મજા આવશે."
બા નું મુઝાયેલ મુખ ખીલી ગયું. જોઈને તેની અસર મેહુલનાં મુખ પર થઈ. હવે કયાં કોઈ કમી રહી જ હતી ? કંકાસ બાદ વરસતો સ્નેહ વરસાદમાં સહુનો ક્રોધ તણાઈને દૂર જતો દેખાયો.

