ખુમારી
ખુમારી
બેલાએ આકાશ તરફ દ્રષ્ટિ કરી. આકાશમાં સૂર્ય અસ્ત થઈ ચૂક્યો હતો અને એની જગ્યા પૂનમના પૂર્ણ ખીલા ચંદ્રમાએ લઈ લીધી હતી. સૂર્યાસ્ત પછી સોળે કળાએ ખીલેલા ચંદ્રમામાં બેલા ને પોતાના જીવનની પ્રતીતિ થઈ રહી હતી. લાંબી અમાવસ્યા પછી સોળે કળાએ ખીલેલું એનું જીવન પણ કંઈ કેટલાય તબક્કાઓ પસાર કરીને આખરે પૂર્ણ રીતે ખીલ્યું હતું. જીવન પણ કેવા રંગ બદલતું રહે છે. ક્યારેક બિલકુલ નીરસ અને બેરંગ, જાણે એનો અંત જ આવી ગયો હોય એટલું નિરર્થક લાગે છે અને પછી અચાનક જ જાણે ઈન્દ્ર ધનુષ્યના બધા જ રંગોથી ભરાઈ જાય છે. બસ, બેલાના જીવનની સફર પણ કઈ એવી જ હતી. પરંતુ એ બેરંગી દુનિયામાંથી સપ્તરંગી સપનાઓની દુનિયાની સફરમાં કેટલાય કાંટાઓભરી અડચણો આવી હતી. પણ એણે પોતાની પરિસ્થિતિ સામે કદી હાર ના માની.
બેલાને હજી બરાબર યાદ છે જ્યારે નાનપણમાં જ એણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. નાનપણથી જ ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવા છતાં પણ વિધવા માતાની લાચારી સામે હારીને એની ઈચ્છાને માન આપતા એણે નાની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા. એની આગળ ભણવાની ઈચ્છા અધૂરી મૂકીને એ પોતાના પતિ સાથે વિદેશમાં જઈ સ્થાયી થઈ ગઈ હતી. એના પોતાના મનને મનાવી લીધું હતું કે ઈશ્વરની જેવી ઈચ્છા. એણે જે આપ્યું છે એમાં ખુશ રહીને પોતાની ઘરગૃહસ્થી સાચવીને જીવનમાં ખુશ રહેશે. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. પતિનો અસલી રંગ વિદેશ ગયા પછી ધીરે ધીરે બહાર આવ્યો. હંમેશા નશામાં ધૂત રહેતો બેલાનો પતિ એના પર રોજ અત્યાચાર કરતો અને એ જાણે એનો નિત્યક્રમ બની ગયો હતો. ઘર ચલાવવા માટે પૈસા ના હોવાને કારણે બેલાએ કાળી મજૂરી કરવી પડતી.
એક દિવસ રાત્રે નશામાં ધૂત એના પતિએ એને ખૂબ જ મારી. એ દિવસે આખી રાત બેલાને ઊંઘ ના આવી. એને થયું જીવન એક જ વાર મળે છે અને જીવવું તો ખુમારી સાથે જીવવું. આ રીતે મરી મરીને જીવવાનો શું ફાયદો ? માણસ જો ધારે તો પોતાની મહેનતથી એના જીવનને અમાસમાંથી પૂનમમાં ફેરવી શકે છે. નિષ્ફળતામાંથી સફળતા તરફ જવાનો રસ્તો અઘરો જરૂર છે પણ અશક્ય તો નથી જ. બસ એ દિવસે એણે ગાંઠે બાંધી લીધી અને બીજે દિવસે સવારે પોતાની બે વર્ષની બાળકીને લઈને પતિનું ઘર છોડી દીધું. એ ક્ષણે તો એને જાણે જીવનનો અંત આવી ગયો હોય એવી પ્રતીતિ થઈ. વિદેશમાં રહીને અંગ્રેજી ભાષા બરાબર ના આવડતી હોય એવી બેલા માટે જીવન નવેસરથી શરૂ કરવું આસાન કામ ન હતું. પણ એણે હિંમત ના હારી. ત્યાં રહેતી એની એક વિદેશી બહેનપણીએ એનો હાથ ઝાલ્યો અને એને હિંમત આપી. એની મદદથી બેલા અંગ્રેજી ભાષા શીખી અને કોલેજમાં એડમિશન લીધું. અગાધ મહેનત અને મક્કમ મનોબળથી એણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. એની રાતદિવસની મહેનત આખરે રંગ લાવી અને એણે ડીગ્રી મેળવી. પછી એક સારી જગ્યાએ જોબ શોધીને એણે પોતાની માતા અને ભાઈ બહેનોને પણ વિદેશ બોલાવી દીધા. ધીરે ધીરે પોતાની ઓફિસમાં કામ કરતા એક સહકર્મચારી સાથે તેની મિત્રતા થઈ અને આખરે એ મિત્રતા લગ્નમાં પરિણમી. બેલાના વિરાન થયેલા જીવનમાં ફરી એકવાર એની મહેનતના કારણે બહાર આવી.
