ખરો દેશભક્ત
ખરો દેશભક્ત
સવારે સવારે બસસ્ટેન્ડેથી ઉપડેલી અમારી બસ પેસેન્જરોથી ખીચોખીચ હતી. બેસેલા સિવાય ઉભા પેસેન્જર પણ હતાં. ત્યાં બસસ્ટેન્ડેનાં નાકેથી એક બા (વૃદ્ધ મહિલા) ચડ્યાં. બસમાં એમને ચડતાં જ ડ્રાઈવર કમ કંડક્ટર પાસેથી ટિકિટ લઈ બસની અંદર બેસવાં માટે નજર કરી,પણ આખી બસમાં સરખાં ઉભા રહેવાની પણ જગ્યા નહોતી.
છતાંય તેઓ દબાતાં દબાતાં અંદર આવ્યા. મેં જોયું કે તેઓ વૃદ્ધ હતાં ને એમ માન્યું કે કોઈ તરત જ પોતાની સીટ છોડીને એમને બેસાડશે,પણ જવાન લઠ્ઠ છોકરાંઓ કે અન્યોએ પણ એમના પર ધ્યાન ના આપ્યુ. હું અંદરની સીટે હતો અને એમનાંથી દૂર હતો, છતાંય મારાથી ના રહેવાયું. મેં બૂમ પાડીને તેમને બોલાવ્યા અને મારી સીટ પર બેસાડ્યા. એમને સીટ આપી ખરેખર મારો બધો થાક ઉતરી ગયો. હું ખૂબ ખુશ હતો, કંઈક સારું કર્યાનો આનંદ ખરેખર અલૌકિક હોય છે !
પણ એ આનંદ લાંબો ના ટક્યો. આગળના સ્ટેન્ડેથી એક દાદા અને દાદી બસમાં ચડ્યાં. એમને પણ દરેકે અવગણ્યાં. ઘણાં લોકો અંદર સીટ પર બેઠાં બેઠાં મસ્તી કરી રહ્યા હતાં અને અહીં દાદા-દાદી બસનાં ઝોલે ચડ્યાં હતાં. તેમનાં અશક્ત હાથ એકબીજાનાં સહારો બનીને સાચવી રહયાં હતાં.આ બધું જોનારો હું કંઈ જ કરી શકું એમ નહોતો. ફક્ત એમનાં એકબીજાના પ્રત્યેનાં પ્રેમને જોયાં સિવાય !
એવાંમાં બરોબર મારી બાજુમાં ઉભેલો એક કોલેજ સ્ટુડન્ટ તાજેતરના પુલવામા અટેક વિશે એના બીજા મિત્રો સાથે ચર્ચા કરી રહ્યો હતો.
" એની માને...એકએક આતંકવાદીને પકડીને જીવતાં સળગાવી દેવાં જોઈએ. હિંમત હોય તો સામી છાતીએ લડે..
એમ બાયલા વેડા થોડી કરાય...!"
બીજો મિત્ર કહે,
" અરે...જવાદે...બે...આમાં આપણો જ દોષ છે. ..ઘરમાં જ સાપ પાળીને બેઠ્યા છીએ. નહી તો કોણ માઈ નો લાલ 350 kg RDX પહોંચાડી જાય...
'અલ્યા ઘર કા ભેદી જ લંકા ઢાય'
અને સિસ્ટમ પણ નક્કર નિર્ણય નથી લઈ રહી..."
પેલો કોલેજિયન વળતો જવાબ આપે છે,
"એમાં સિસ્ટમનો વાંક શેનો કાઢે છે. .
એકદિવસ સરકાર કેમની ચાલે છે કાંઈ ખબર છે. .?
તારાં જેવાં દેશની સરકારની કદર નથી કરતાં એમાં જ બહારનાં હાથ ઘાલી જાય છે. .."
પેલો મિત્ર વળતો જવાબ આપે છે. ..
" એ બહુ મોટી દેશવાળી ના ભાળી હોય તો...
મેં કાંઈ ના કર્યુ દેશ માટે એમ, સારું તે શું કર્યુ બોલ ?
એમ ફોકઇની વાતોથી દેશભક્ત ના થઇ જવાય !"
કોલેજિયન ગુસ્સાથી,
" હું તો દેશભક્ત જ છું,
મારા રગેરગમાં દેશ વસે છે. .
તારા જેવો દેશદ્રોહી નથી હું....!"
પેલો મિત્ર ,
"સારું હું દેશદ્રોહી બસ...
તું શાંતિભાઈને રાખ ને...!!"
આ આખી વાતચીત હું બાજુમાં જ ઉભો ઉભો સાંભળી રહ્યો હતો. તે પેલાં ઘરડાં દાદા-દાદી પણ થાકેલાં પગે અને થાકેલાં શ્ર્વાસે સાંભળી રહયા હતા. લગભગ 20 કિમી અંતર કપાયું હશે. ને પેલાં કોલેજિયનની બાજુમાં સીટમાં બેસેલો ભાઈ એનું ગામ આવતાં ઉભો થયો. જગ્યા ખાલી થતાં દાદા ખુશ થયાં ને એમને આગ્રહ કરીને દાદીને બેસવા માટે તે ખાલી થયેલી સીટમાં બેસવાં માટે કહ્યું.
પેલા દાદી હજુ આવીને બેસે તે પહેલા પેલો કોલેજિયન લાંબો થઈને ઉતાવળથી ત્યાં બેસી ગયો. બસની ખૂબ ભીડમાં દાદીને આવતાં વાર થઇ તેથી દાદીએ કહ્યું ,
" બેટા, અહીં મારે બેસવાનું હતું."
તો પેલો કોલેજિયન કહે,
" બા, અમે શું અહીં હવા ખાવાં ઉભાં છીએ. અમેય કયારના'ય ઉભા છીએ. થાક તો અમનેય લાગે..."
દાદી એની સામે જોઈ જ રહ્યા. ..ને ફકત એટલું બોલ્યા,
"ઠીક છે, બેસો વડીલ...!"
આજુબાજુવાળાં નિષ્ઠુર લોકો તમાશો જોતાં રહયાં ને હું તો સાવ સિવાઈ જ ગયો. લોહી ઉકળ્યું પણ કાંઈ કરી ના શક્યો. પેલો એનો મિત્ર પણ ખાર ખાઈ ગયો...
5 કિમી પછી બીજું ગામ આવ્યું ને વળી એક જણ ત્યાંથી ઉભો થયો.આ વખતે હું અને પેલો મિત્ર બંને એકબીજા સામે જોઈ રહ્યા અને એકસાથે દાદીને બૂમ પાડી,
"બા ,આવી જાઓ જગ્યા થઈ ગઈ. ..!"
પછી તેઓ નિરાંતે બેસ્યાં. મારાં મનને હવે શાંતિ હતી. પણ પેલો મિત્ર પેલા કોલેજિયન પાસે જઈને મોટાં અવાજથી બોલે છે,
"બા,આ કળિયુગ છે અહી તો દેશદ્રોહી જ જગ્યા આપે..
બેસો તમતમારે...!"
પેલો કોલેજિયન વાઢે તો લોહી ના નીકળે તેવો થઈ ગયો. અને કદાચ એને એની ભૂલની પ્રતિતી અચૂક થઇ. ..
અને મને ખરેખરો આનંદ પણ થયો કે પેલા મિત્ર જેવાં 'ખરાં દેશભક્ત' હજુય દેશમાં રહીને દેશની શાન વધારી રહ્યા છે, પછી ભલે તે બોર્ડર પર જઈને ના લડે....
વંદે માતરમ
જય હિંદ