ખમીરવંતો સરદારનો પરિવાર - 6
ખમીરવંતો સરદારનો પરિવાર - 6
બોરસદની લડત પછી વલ્લભભાઈ કરમસદ આવ્યા હતા. ત્યારે લાડબાઈની ઉંમર ૮૦ વર્ષની હતી. દાદર ચડીને લાડબાઈ જ્યાં બેઠાં હતાં તે ઓરડામાં ગયા અને 'કેમ બા' કહીને તકિયે બેઠા. ત્યારે ઓછું દેખાતું હોવા છતાં લાડબાઈ અવાજ ઉપરથી તરત જ વલ્લભભાઈને ઓળખી ગયાં. ત્યારે પણ તેઓએ મણિબહેનના લગ્ન વિશે વાત કરી. વલ્લભભાઈ આવ્યા અને જે વાતો થઈ તે કંઈક આવી હતી.
'કોણ ? ભાઈ વલ્લભ ? આવો, છોકરાં સારાં છે ?'
'હા, બા! સૌ સારાં છે.'
'વિઠ્ઠલભાઈ હમણા કયાં છે ?'
'દિલ્હીમાં સરકાર સામે લડે છે. જનમથી તોફાની સ્વભાવ તે કાંઈ જાય !'
'અહીં રહેશો ?'
'ના, કાલે જવું છે.'
'જુઓને, બધાનું સારું થયું, અહીં પણ લોકોનું સારું થયું. ગાંધીજી પણ જેલમાંથી છૂટયા. હવે ઘરમાંય....'
'ઘરમાંય સારું કરો, એટલે મણિબહેનને માટે તપાસ કરો, કેમ ?'
'હાસ્તો, મારી ભગવાન પાસે કશી માગણી નથી. એટલું એક કામ થઈ જાય એટલે થયું.'
'ભાગ્યમાં લખેલું હશે તેમ થશે.' (જોકે આ પુત્ર ભાગ્યમાં માનતો નથી અને ઢોંગ કરે છે એ માતાને સમજતા વાર નહોતી લાગી. છતાં કહે છે.)
'તે તો થશેસ્તો. પણ આપણે પ્રયત્ન કર્યા વિના ચાલે એમ છે ?'
દીકરા વલ્લભભાઈને આ વાત પસંદ નથી એમ સમજીને માતા હવે નવી વાત કરે છે.
'બેય છોકરાં નિશાળે જાય છે કે ?'
'હા'
'બેયની પરીક્ષા કયારે છે ?'
વલ્લભભાઈ મુંઝાયા. પોતાનાં સંતાનો કઈ પરીક્ષામાં બેસવાના છે એ તેઓને ખબર નહોતી. એટલે તરત માતા કહે છે,
'આખા મલકની ખબર રાખો છો અને પોતાનાં છોકરાંની નહિ ?'
એ મોટાં થયાં. પોતે પોતાનું સંભાળી લે.'
સામે એક છોકરો બેઠો હતો. તેને આ ડોશીમા કહે છે,
'જો ભાઈ, સાંભળ. કાકા શું કહે છે ? તમારે તમારું સંભાળવું જોઈએ.'
હવે વલ્લભભાઈ કહે છે, 'ત્યારે ઊઠીએ છીએ.'
માતા કહે, 'વિઠ્ઠલભાઈને કહેજોની. તે કયાંક જોઈ રાખશે.'
'કેમ, એમને શા સારું કહેવું ?'
'તમે તો છોકરાં શું ભણે છે તેય જાણતા નથી, તો દીકરીને માટે વર શી રીતે શોધવાના હતા ?'
અને સૌ હસતાં-હસતાં નીચે ઊતર્યા.
સાદગી સાથે મહેનતું અને ખમીરવંતુ જીવન જીવીને તેઓ ઈ.સ. ૧૯૩રમાં અવસાન પામ્યાં.
(ક્રમશ:)
