ખમીરવંતો સરદારનો પરિવાર - 5
ખમીરવંતો સરદારનો પરિવાર - 5
લાડબાઈ મૂળ નડિયાદનાં. તેઓના પિતાનું નામ જીજીભાઈ દેસાઈ હતું અને ભાઈનું નામ ડુંગરભાઈ હતું. તેઓનું લગ્ન કરમસદના ઝવેરભાઈ પટેલ સાથે થયું. ઝવેરભાઈ કરતાં લાડબાઈ ૧૮ વર્ષ નાનાં. પિતાના કુટુંબ કરતાં અહીંના કુટુંબની પરિસ્થિતિ નબળી હતી. છતાં તેઓને જરાય ઓછું લાગ્યું નહોતું. ઘરની જવાબદારી તેઓ સુપેરે નિભાવતાં હતાં. કુશળતાથી ઘરને ચલાવી લેતાં હતાં.
લાડબાઈનો સ્વભાવ પતિ ઝવેરભાઈના સ્વભાવથી એકદમ વિપરીત હતો. પતિનો સ્વભાવ કડક હતો, તો લાડબાઈનો સ્વભાવ શાંત હતો. તેઓ સુશીલ સ્વભાવનાં સન્નારી હતાં. ઝવેરભાઈની આર્થિક સ્થિતિ નબળી હતી, પણ માન-મરતબો વધારે. તેથી તેઓના ઘેર મહેમાનો વધારે આવતા. લાડબાઈ આ મહેમાનોની આગતા-સ્વાગતા બરાબર કરતાં. સંબંધોને જાળવી રાખવામાં પણ તેઓ માહેર હતાં. ઝઘડો તો તેઓને જરાય પસંદ જ નહોતો. અરે, પડોશમાં ઝઘડો થતો હોય તો ત્યાં જઈને સમજાવીને ઝઘડો બંધ કરાવતાં. હળીમળીને રહેવું તેઓને વધારે પસંદ હતું. આસપાસના લોકોનો પ્રેમ સંપાદન કરવાની ખૂબ ફાવટ હતી.
તેઓ સેવાભાવી અને કામગરાં હતાં. પોતાના ઘરનું કામ તો ચીવટથી કરતાં જ, પડોશીઓને પણ કામમાં મદદ કરવા પહોંચી જતાં. લોકો તેઓને ખૂબ માન આપતાં. લોકો તેઓની આમન્યા જાળવતાં.
ઝવેરભાઈ સાથેના લગ્નજીવનથી તેઓએ પાંચ પુત્રો સોમાભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ તથા કાશીભાઈ અને એક પુત્રી ડાહીબાને જન્મ આપ્યો.
એ જમાનો વધારે રૂઢિચુસ્ત હતો. છતાં લાડબાઈએ પોતાના પુત્રોની પત્નીઓને વહુ તરીકે નહિ, દીકરી તરીકે માન આપ્યું હતું. તેઓ વહુઓને ખૂબ પ્રેમથી રાખતાં. ઝઘડવાનું તો તેઓના સ્વભાવમાં હતું જ નહિ. એટલે વહુઓ સાથે કદી' ઊંચા અવાજે વાત થઈ હોય એવી પણ માહિતી મળતી નથી. પોતાનાં સંતાનોને તો સારી રીતે ઉછેર્યાં જ હતાં, પણ સંતાનોનાં સંતાનોને પણ દાદીમાં તરીકે ખૂબ જ પ્રેમ આપ્યો હતો. આ સંતાનોની તેઓ ખૂબ કાળજી રાખતાં અને સતત ચિંતા રહેતી. જ્યારે નાના પુત્ર કાશીભાઈ વિધુર થયા ત્યારે તેમના ઘરની જવાબદારી લાડબાઈએ ઉપાડી લીધેલ. કામની આળસ તો હતી જ નહિ ! જીવ્યાં ત્યાં સુધી કાશીભાઈ અને તેઓનાં સંતાનોને રાંધીને જમાડતાં હતાં.
ગાંધીજીએ રેંટિયો શરૂ કરાવ્યો અને સૌને રેંટિયો કાંતવાની હાકલ કરી. ત્યારે લાડબાઈ પણ નવરાશ મળે એટલે રેંટિયો કાંતવા બેસી જતાં. કયારેય નવરું રહેવું ગમતું નહિ.
(ક્રમશ:)
