ખમીરવંતો સરદારનો પરિવાર - 3
ખમીરવંતો સરદારનો પરિવાર - 3
પરંતુ ઝવેરભાઈની બાબતમાં કંઈક જુદી જ વાત બની. જ્યારે તેઓને મલ્હારરાવ હોલ્કર પાસે હાજર કરવામાં આવ્યા ત્યારે હોલ્કર એક અંગ્રેજ સામે ચેસ રમી રહ્યા હતા. હોલ્કર પોતાની ચેસ રમવાની ધૂનમાં હતા. ઝવેરભાઈ ઊભા-ઊભા આ ચેસની રમત જોઈ રહ્યા હતા. જ્યારે આ રમત પૂરી રીતે જામી હતી ત્યારે રાજા હોલ્કર એક ખોટી ચાલ ચાલવા જતા હતા. આ ચાલ ચાલવાથી તે હારી જાત. ત્યારે ઝવેરભાઈથી રહી શકાયું નહિ અને રાજાને કહ્યું, ખોટી ચાલ શીદને ચાલો છો ? આ મહોરું આમ ચાલો ! રાજા એ રીતે ચાલ્યા અને એક અંગ્રેજ સામે ચેસની રમત જીતી ગયા. પોતાને જીતાડનાર આ કેદી પ્રત્યે રાજા ખુશ થયા અને અંગ્રેજોને ખબર ન પડે એ રીતે ઝવેરભાઈને કેદમુકત કરી દીધા અને ગુજરાત રવાના કરી દીધા. આ રીતે તેઓ ત્રણ વર્ષ સુધી કરમસદની બહાર રહ્યા હતા. ગયા ત્યારે કોઈને જાણ પણ કરી નહોતી. ઝવેરભાઈ ચેસને સારી રીતે રમી શકતા હતા. તેઓનો વારસો વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈમાં પણ આવ્યો હતો. આ બંને ભાઈઓ પણ ચેસ અને બ્રિજના ખૂબ સારા ખેલાડી હતા.
ઝવેરભાઈએ ઈન્દોરથી આવ્યા પછી લગ્ન કરેલ. તેઓનું પહેલું લગ્ન સુણાવ ગામમાં થયેલું. તેમનાં પહેલા પત્નીનું નિ:સંતાન મૃત્યુ થયેલ. ત્યારબાદ બીજું લગ્ન નડિયાદના દેસાઈ વગાના જીજીભાઈ દેસાઈનાં પુત્રી લાડબાઈ સાથે થયું. લાડબાઈના ભાઈનું નામ ડુંગરભાઈ હતું. તેઓનું કુટુંબ આર્થિક દૃષ્ટિએ સદ્ઘર હતું.
લગ્ન પછી ઝવેરભાઈનો સંસાર આગળ વધ્યો. આનંદ, કામ, ભક્તિમાં તેઓનું જીવન આગળ વધતું ગયું. આગળ કહ્યું છે તેમ ગામમાં માન-મરતબો પણ વધી ગયેલ. એમ કહેવાય છે કે, તેઓ ઘરથી બહાર વધારે રહેતા. તેથી સંતાનોને પિતા તરીકેનો પ્રેમ ઓછો આપી શકયા હતા. છતાં પણ તેઓનાં સંતાનો ખૂબ આગળ વધી શકયાં એ આપણી નજરોનજર છે.
(ક્રમશ:)
