ખમીરવંતો સરદારનો પરિવાર - 24
ખમીરવંતો સરદારનો પરિવાર - 24
સરદાર ગૃહપ્રધાન હતા, દેશનું નાણું તેમના હાથમાં હતું. પણ પોતાના સ્વાર્થ માટે એક પાઈ પણ વાપરી નહોતી. તેમના મૃત્યુ પછી રૂપિયાની પેટી જ્યારે નહેરુને સોંપવામાં આવી ત્યારે તે પેટીમાં પાઈએ પાઈના હિસાબનો કાગળ હતો. ત્યારે તેમનું અંગત બેલેન્સ પણ માત્ર ર૧૬ કે ર૬૦ હતું.
સરદારની કામગીરીના એકથી દસ ક્રમમાં તો દેશ જ આવતો હતો. પોતાનો વિચાર તો તેમાં કયાંય નહોતો. સ્વાર્થી વ્યક્તિત્વવાળા તો સરદારની કામીગીરીનો લાખમો ભાગ પણ ન કરી શકે. સરદારે જે કંઈ કર્યું એ કરવાની બીજાની ત્રેવડ જ નથી. ઘણી વખત નહેરુએ પણ સરદારનું કદ ઓછું કરવાના અનૈતિક પ્રયત્નો કરેલ. પણ સરદારે એ બધા પ્રયત્નોને ધૂળ ચાટતા કરી દીધા હતા. અત્યારના રાજકારણીઓમાં જે સ્વાર્થવૃત્તિ જોવા મળે છે તેના લાખમાં ભાગની પણ સ્વાર્થવૃત્તિ જો સરદારમાં હોત તો તેમને જે અન્યાય થયો તે ન થઈ શકયો હોત. પણ સરદારે આવી સ્વાર્થવૃત્તિનું પણ સમર્પણ કરી દીધું હતું. સરદારનું સમર્પણ સંન્યાસથી પણ વિશેષ હતું. તેને કોઈ પહોંચી શકે નહિ. ૧પ ડિસેમ્બર, ૧૯પ૦ના દિવસે મુંબઈમાં સરદારનું મૃત્યુ થયું ત્યારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમક્રિયા કરવાનું નક્કી કરવામાં આવ્યું. પણ પુત્ર ડાહ્યાભાઈ અને પુત્રી મણિબહેને કહ્યું કે, ''સરદાર ધરતીપુત્ર હતા. તેમના માટે એક સેન્ટિમીટર જમીનની પણ કિંમત હતી. તેમની સમાધિ માટે અલગ સરકારી જમીનનો ઉપયોગ કરવાની જરૂર નથી. તેમના અંતિમસંસ્કાર સામાન્ય માણસની જેમ સામાન્ય લોકોના સ્મશાનમાં જ થવા જોઈએ.'' અને આ ઈચ્છા મુજબ મુંબઈના સોલાપુર સ્મશાનમાં સરદારના અંતિમસંસ્કાર થયા. અહીં તેમનાં સંતાનોએ પણ સમર્પણની ભાવના દર્શાવી. દિલ્હીમાં અનેક નેતાઓના ઘાટ અને સમાધિઓ છે. પણ આપણા સરદારને આવી ઈંટ-માટીની સમાધિ કે ઘાટની જરૂર નથી. સરદારની સમાધિ તો ભારતીયોના હૃદયમાં છે અને તેની કાંકરી પણ ખરે તેમ નથી.
(પૂર્ણ)
