ખમીરવંતો સરદારનો પરિવાર - 2
ખમીરવંતો સરદારનો પરિવાર - 2
ખેતીમાં ધ્યાન ઓછું દીધું તેથી આર્થિક સ્થિતિ નબળી હતી, પણ શરીર તંદુરસ્ત અને કસાયેલું હતું. ચાલતી વખતે ટટ્ટાર અને સામે જોઈને જ ચાલે. એમ કહેવાય છે કે, તેઓની તંદુરસ્તી એવી હતી કે દરરોજ મુઠ્ઠી ચોખ્ખા અને બાજરી કાચા ખાઈ જતા અને પચાવી પણ લેતા. આ નિયમ જીવ્યા ત્યાં સુધી ચાલ્યો.
તેઓ સ્વભાવે સ્વતંત્ર મિજાજના અને કડક હતા. બોલે ઓછું. કયારેય કોઈથી દબાતા નહિ. ગામના સૌ તેઓનું માન જાળવતા. ગામમાં સૌ તેઓને 'ભગવતી પુરુષ' તરીકે ઓળખતા. ગામલોકો તેઓને 'રાજભા' પણ કહેતા, તો તેમના ભાઈનાં બાળકો તેઓને 'મોટાકાકા' કહેતા, એટલે સરદાર વગેરે ભાઈઓ પણ તેઓને 'મોટાકાકા' કહીને જ બોલાવતા. તેઓનું એટલું માન હતું તોયે ગામની પંચાયતમાં ભાગ ન લેતા.
પોતાનાં સંતાનો ભણે એવી તેઓને ઈચ્છા ખરી. પણ નબળી આર્થિક સ્થિતિને લીધે વધુ ખર્ચ થાય એવું તેઓ પોતાનાં સંતાનોને ભણાવી શકે તેમ ન હતા. સંતાનોમાંથી વલ્લભભાઈ વધુ ભણે એવી તેઓની ખાસ ઈચ્છા હતી. એટલે તેઓ જ્યારે ખેતરે જાય ત્યારે વલ્લભભાઈને સાથે જ લઈ જાય. કામ કરાવવા માટે નહિ, પણ રસ્તે આવતાં-જતાં પાડા(આંક) વગેરે શીખવવા માટે. રસ્તે ચાલતાં-ચાલતાં પાડા ગોખાવતા જાય અને પલાખા પણ પૂછતા જાય. તેઓએ વલ્લભભાઈને થોડું ખેતીનું કામ પણ શીખવ્યું હતું. એટલે વલ્લભભાઈ સીધા અને ઊંડા ચાસે હળ ચલાવી શકતા હતા અને યોગ્ય રીતે બિયારણ પેરી શકતા તથા ઢોરઢાંખરને સાચવવાનું અને ઓળખવાનું પણ શીખી ગયેલ.
ઝવેરભાઈ પોશાકમાં તદ્દન સફેદ ધોતિયું, પહેરણ, ખેસ અને પાઘડી પહેરતા. ઝવેરભાઈ પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હતા. એમ કહેવાય છે કે, ૧૮પ૭ના વિપ્લવ વખતે તેઓ ઝાંસી તરફથી ભાગ લેવા ગયા હતા. તેઓ ઝાંસીની રાણી લક્ષમીબાઈની આગેવાની હેઠળ કામ કરવા ઈચ્છતા હતા. સૈન્યમાં ભરતી થઈ શકાય તો સૈનિક બનવું હતું અને તેમ ન થાય તો સૈન્યની મદદ કરવા ઈચ્છતા હતા. તેઓ સૈન્યને સરસામાન, પૈસા અને રાણીના એ સૈન્યને જરૂરી માહિતી પૂરી પાડવાનું કામ કરવા ઈચ્છતા હતા. તેમાંથી કયું કામ કર્યું હતું તે જાણી શકાયું નથી, પણ આવું કોઈક કામ કરતાં-કરતાં તેઓ ઈન્દોરના મલ્હારરાવ હોલ્કરના પ્રદેશમાં પકડાઈ ગયા હતા. આવી રીતે પકડાય તેને કાળકોટડીમાં પૂરીને આકરી સજા કરવામાં આવતી હતી. કાળકોટડીમાંથી કદી' બહાર નીકળવા ન દેતા.
(ક્રમશ:)
