ખમીરવંતો સરદારનો પરિવાર - 18
ખમીરવંતો સરદારનો પરિવાર - 18
ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ
વલ્લભભાઈના પુત્ર ડાહ્યાભાઈનો જન્મ મોસાળ ગણા ગામમાં ઈ.સ. ૧૯૦પના નવેમ્બર માસમાં થયો હતો. માતા ઝવેરબાનું અવસાન થયું ત્યારે ડાહ્યાભાઈની ઉંમર ત્રણ વર્ષની હતી. એટલે માતા વિશે તો તેઓ જાણે કંઈ જાણતા જ નહોતા. પિતા વલ્લભભાઈ બેરિસ્ટર બનવા ઈંગ્લેન્ડ ગયા ત્યારે ડાહ્યાભાઈને મુંબઈની અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરતા ગયા હતા. વલ્લભભાઈ જ્યારે અમદાવાદમાં આવ્યા ત્યારે બંને સંતાનોને પણ અમદાવાદ બોલાવી લીધાં.
અમદાવાદમાં આ બંનેનો અભ્યાસ શરૂ થયો. આ બંને બાળકોનું ગાંધીજી ખાસ ધ્યાન રાખતા હતા. એટલે વલ્લભભાઈને ચિંતા નહોતી. ગાંધીજીએ ડાહ્યાભાઈ માટે ઉચ્ચ અભ્યાસ માટે ઘણી ગોઠવણ કરી હતી, પણ ડાહ્યાભાઈએ તો પોતે જ વિમાની લાઈન પસંદ કરીને આપમેળે જ ગોઠવણ કરી લીધી હતી.
લગ્ન માટે કન્યા પણ ડાહ્યાભાઈએ પોતે જ પસંદ કરી લીધેલ. ડાહ્યાભાઈનાં લગ્ન કાશીભાઈ અમીનની દીકરી યશોદાબહેન સાથે માર્ચ, ૧૯રપમાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધીજીની હાજરીમાં થયેલ. યશોદાબહેન સાથેના લગ્નજીવનથી ડાહ્યાભાઈના પુત્ર બિપિનભાઈનો જન્મ થયો. યશોદાબહેનનું અવસાન થતાં ડાહ્યાભાઈએ ઈ.સ. ૧૯૪૦માં વડોદરાના પશાભાઈ પટેલનાં બહેન ભાનુમતીબહેન સાથે લગ્ન કરેલ. ભાનુમતીબહેન અને ડાહ્યાભાઈના પુત્રનું નામ ગૌતમભાઈ અને આ ગૌતમભાઈ તથા નંદિનીબહેનના પુત્ર કેદારભાઈ હાલ અમેરિકામાં રહે છે.
ડાહ્યાભાઈ મુંબઈમાં ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સમાં નોકરી કરતા. ઈ.સ. ૧૯પ૪-પપમાં મુંબઈના મેયર બનેલ. પછી મૃત્યુ સુધી દિલ્હીમાં રાજ્યસભાના સભ્ય રહેલ.
(ક્રમશ:)
