'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

ખમીરવંતો સરદારનો પરિવાર 10

ખમીરવંતો સરદારનો પરિવાર 10

2 mins
456


તેઓએ નડિયાદ અને ખેડા જિલ્લાના ખેડૂતોની દુર્દશા જોઈ. તેમનો જીવ કકળી ઊઠયો. તેઓ આ ખેડૂતોના પડખે ઊભા રહેવા તૈયાર થયા. દરમિયાન ખેડા જિલ્લામાં દેશભક્તિનો વાવટો ફરકાવનાર નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ઉપર અંગ્રેજ સરકારે રાજદ્રોહનો આરોપ મૂકી તેમની ધરપકડ કરી. નરસિંહભાઈના બચાવ માટે વિઠ્ઠલભાઈ આવ્યા. તેઓ સામે સરકારી વકીલ ટકી ન શકયા અને વિઠ્ઠલભાઈ કેસ જીતી ગયા. હવે વિઠ્ઠલભાઈએ અંગ્રેજો સામે જાણે યુદ્ઘ આદર્યું. હવે ચૂંટણી લડીને મુંબઈ ધારાસભામાં દાખલ થયા. તેઓનો પ્રશ્નોનો મારો સત્તાધારી પાંખને મૂંઝવી દેતો. ગાંધીજીની અસહકારની લડતને માન આપી ઈ.સ. ૧૯ર૦માં ધારાસભા છોડી. હવે ધારાસભાની બહાર રહીને જ દેશને ગજવવા માંડયો. પરંતુ ફરી તેઓ ઉત્તર મુંબઈમાંથી ચૂંટાઈને ધારાસભાના પ્રમુખ બન્યા. ત્યારે પ્રમુખના ખાસ પોશાકને બદલે ખાદીની ધોતી અને ખાદીની કફની પહેરી બેસવા ઇચ્છતા હતા. છતાં કેટલીક પરંપરાને અનુસરવું પડયું અને ગૂંચળાવાળા લાંબા વાળની બનાવટી વિગ અને ઝભ્ભો પહેરવાનું તેમણે કબૂલ્યું, પણ એક શરતે કે તે બંને ખાદીમાંથી તૈયાર થયાં હોવાં જોઈએ.

ગાંધીજીએ દાંડીકૂચનું એલાન કર્યું. ત્યારે વિઠ્ઠલભાઈએ વડી ધારાસભાના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું અને ગાંધીજીના કાયોઁમાં જોડાઈ ગયા. તેઓના માર્ગદર્શન હેઠળ વિદેશી કાપડની હોળી થઈ. તેઓની તર્કશુદ્ઘ દલીલવાળાં ભાષણોમાં આગ ઝરતી હતી. પરિણામે અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી. જેલમાં તબિયત બગડી. તેઓને પંજાબની જેલમાંથી કોઈમ્બતૂરની જેલમાં ખસેડયા. લોકોની લાગણી ઊકળી ઊઠી. નાછૂટકે તેઓને જેલમુકત કરવા પડયા.

હવે ગોળમેજી પરિષદ ભરાવાની હતી. તેમાં ગાંધીજી જવાના હતા. વિઠ્ઠલભાઈ બિમાર હતા, છતાં ગાંધીજી સાથે ગોળમેજી પરિષદમાં ઈંગ્લેન્ડ ગયા. પછી તેઓ વિયેના ગયા. ત્યાં સુભાષચંદ્ર બોઝ સાથે દોસ્તી થઈ. ભારતની આઝાદીને અનુલક્ષીને વિઠ્ઠલભાઈ પટેલ અને સુભાષબાબુએ વિયેનામાંથી એક નિવેદન બહાર પાડયું.

વિઠ્ઠલભાઈ વિયેનામાં હતા ત્યારે જ માંદગી વધી. અહીં સુભાષબાબુએ ખૂબ સેવા કરી. આ માંદગીને લીધે બાવીસ ઓકટોબર, ૧૯૩૩ના રોજ તેઓનું અવસાન થયું. વિઠ્ઠલભાઈની અંતિમ ઈચ્છાને લીધે સુભાષબાબુએ તેઓના મૃતદેહને ભારત પહોંચાડવાની વ્યવસ્થા કરી. સ્વતંત્રતા સંગ્રામના મહાન યોદ્ઘા વીર વિઠ્ઠલભાઈ પટેલના અંતિમ દર્શન માટે લાખો મુંબઈવાસીઓ ઉમટી પડયા હતા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract