કહેવતમાં ધાતુ
કહેવતમાં ધાતુ
પ્રાચીનકાળથી માનવીનો ધાતુ પ્રત્યે પ્રેમ રહ્યો છે. ગુજરાતી સાહિત્યમાં કહેવતોમાં અવારનવાર વિવિધ ધાતુનો પ્રયોગ કરવામાં આવે છે. આજની આ વાર્તામાં અધમણ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કાઠિયાવાડમાં રમણીક શેઠના નામનો ડંકો વાગે, મોટા ધંધા અને મોટી શાખ. તેમના બાપ દાદા વર્ષોથી ધંધો કરે અને ગર્ભશ્રીમંત એટલે રમણીક જન્મ્યો ત્યારે બધા કહેતા એ તો ચાંદીની ચમચી લઈને જન્મ્યો છે. એના બાપા જમન શેઠ માટે પૈસા જ સર્વશ્વ અને કોઈ ગરીબ ગુજરની પણ દયા ના ખાય એટલે ગામના લોકો કહેતા જમન શેઠ તો પિત્તળ જેવા છે. જમન શેઠ અને એમના પિતા બંને રંગે તાંબા જેવા અને જમવા બેસે એટલે તાંબા જેવા રોટલા જોઈએ અને ઘીથી તરબતર. રૂપકુંવર શેઠાણી તાંબા જેવા રોટલા પીરસતા જાય અને કહેતા જાય કે ગાયનું ઘી પીળું સોનુ ને મલાઈનું ઘી ચાંદી.
જમતા જમતા પૂછતાં જાય કે આપણી દીકરી સોનાને ક્યારે રોટલા બનવતા આવડશે? શેઠાણી કહે ભાઈ રોટલા ચૂલે કરવા લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે ને તમારી દીકરી તો ચાંદીને ઘૂઘરે રમી છે. આ જુવો ને રૂપા વહુ જ સોનાની થાળીમાં લોઢાનો મેખ છે, એમને પરણીને સાસરે આવ્યા છે તો ય ક્યાં ચૂલે રોટલા કરતા આવડે છે? એમની મા તો કેવી સરસ રસોઈ બનાવે છે? એને જોઈને તો રમણીકને ત્યાં પરણાવ્યો તો, પણ પીળું તેટલું સોનુ નહીં. હા પણ કરિયાવર બહુ કર્યું આપણે તો લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી પણ આ સંબંધ થયો એટલે હવે તો આપણે તો ચાંદી થઇ ગઈ.
શેઠ કહે આપણો રમણીક પણ હીરા જેવો કિંમતી છે ને હીરાની પરીક્ષા ઝવેરી જ જાણે ને આપણા ઘરના સંસ્કાર જ એવા છે કે સોનાને ક્યાંથી લાગે કાટ? શેઠાણી કહે સાચી વાત છે, લોઢું બગડે કાટ થાય, બુદ્ધિ બગડે રાવણ થાય. જુવો ને સામા ગામવાળા બિરજુ શેઠ કેટલા પૈસા કમાયા અને કોર્ટ કચેરીમાં ધોવાઇ ગયા, કુદરત કોઈને છોડે છે? કહેવત છે ને સો સુનારની એક લુહારની. એને માથા ફરેલ વેવાઈ મળ્યો એ તો લોઢે લોઢું કાપે. બિરજુ શેઠના દીકરાનું સગપણ કર્યું ત્યારે બધા કહેતા તા કે બેઉ મોટા વેપારી છે ને એને ઘરે તો સોનાનો સૂરજ ઉગ્યો ને વેપાર ધંધામાં એક બીજાને ટેકો કરશે તો સોનામાં સુગંધ મળે. પણ બે વર્ષમાં તો લાગ્યું કે હીરો ઘોઘે જઈ આવ્યો.
શેઠાણી કૈકેયી જેવા છે એટલે તો એ આટલી ઉંમરે દેવ દર્શન કરતા સિનેમામાં વધુ જોવા મળે છે. કળિયુગમાં સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ એ કહેવત ખોટી પાડી છે. મને તો એમની ચાલચલગત ખબર હતી એટલે તો પૈસાની જરૂર હતી ને તમે બિરજુ શેઠ પાસે માંગવાનું કહ્યું તો મને થયું એમાં તો સોનાં કરતા ઘડામણ મોંઘુ પડે એ મોટો વ્યાજખોર છે. ધંધામાં એમ સોનાની જાળને પાણીમાં ન ફેંકાય.
સોનાંની થાળીને લોઢાની મેખ લગતા વાર ના લાગે ને લંકાએ સોનું શું કામનું? મારી તો લોખંડી છાતી છે તે માંગનારને કહી દીધું આવતા વર્ષે લઇ જજો. એ તો એલ્યૂમીનિમના ફોતરાં જેવો હલકો છે. એને મન એના છોકરા જ ઠાવકા અને બીજા બધા લૂખા, મારા છગન-મગન બે સોનાના, ગામનાં છોકરાં ગારાના. પૈસા છે તો શું થઇ ગયું, સંસ્કાર ક્યાં છે? પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ ને સોનાની થાળીમાં લોઢાની મેખ? ના ના આપણો દીકરો ય ચાંદીની ચમચી લઈને જન્મ્યો છે. આપણે તો જૂનું એટલું સોનું, જૂના વેવાઈને જ વહેવારમાં લેવાના.
શેઠાણી કહે તો આ રૂપા જેવો કપાસનો ઢગલો પડ્યો છે ને ભાવ સારા આવે ને કાઢી નાખીએ તો? તમે શહેરમાં જાઓ તો આ રસોડાના વાસણ કલાઈ કરવાના છે, જુઓ ને કાળા પડી ગયા છે. આ વરસાદની સીઝન પણ માથે છે. શેઠ કહે સાચી વાત છે, પિત્તળ કાંસા લોહને, જે દિ કાળપ હોય, ભડલી તો તું જાણજે, જળઘર આવે સોય.