ખાનદાની
ખાનદાની


શહેરમાં હાહાકાર થઇ ગયો હતો. ગામના ઉતાર જેવો વંઠેલો માધવ શહેરના ધનાઢ્ય વેપારી કરોડીમલના દિકરા શિવલાલનું ખૂન કરી લોહીથી ભરેલા છરા સાથે પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો હતો. આખું શહેર માધવ ઉપર ફિટકાર વરસાવતું હતું. માધવને પોલીસે કસ્ટડીમાં લીધો. માધવને શિવલાલ સાથે કોઈ વેર ન હતું કે કોઈ અણબનાવ પણ ન હતો માટે ખૂન કરવાનો ઉદ્દેશ્ય જાણવા પોલીસે માધવને કોર્ટમાં રજુ કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ દરમ્યાન પણ પોલીસ માધવ પાસેથી ખૂન કરવાનું સાચું કારણ કઢાવી શકી ન હતી. માધવ પોલીસને તપાસમાં પૂરે પૂરો સહકાર આપતો હતો પરંતુ ખૂન શા માટે કર્યું તે પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે તે હંમેશાં મૌન રહેતો.
નિયત સમયે ચાર્જશીટ દાખલ થઇ અને કેસ ચાલ્યો. માધવે કોઈ વકીલ રોક્યો ન હતો. નામદાર અદાલતે તેને મફત કાનૂની સેવા આપવાની ઓફર કરી જે તેણે લેવાની ના પાડી તેમ છતાં સરકારી કાયદા મુજબ માધવને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવી. માધવ તરફથી તેના બચાવમાં રજૂઆત કરવા માટે મફત કાનૂની સહાયના એડવોકેટની પેનલમાંથી એક સિનિયર વકીલની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. માધવના વકીલે માધવને કાનૂની દાવપેચ સમજાવી ઉલટ તપાસમાં સંભવિત પ્રશ્નો સામે કેવા જવાબો આપવા તે સમજાવ્યું હતું. માધવે વકીલની વાતો શાંત ચિત્તે સાંભળી અને તે મુજબ વર્તવા સંમતી આપી પરંતુ જયારે કેસ ચાલ્યો ત્યારે તેણે સરકારી વકીલના દરેક પ્રશ્નના ઉત્તરમાં “મેં પોતે ખૂન કર્યું છે અને તેનો સ્વિકાર કરૂ છું.” એમ કહી નામદાર અદાલતમાં પોતાનો ગુનો કબુલ કરી લીધો. નામદાર અદાલતે માધવની નાની ઉંમરને ધ્યાને લઇ જન્મટીપની સજા ફરમાવી.
જન્મ ટીપની સજા પૂરી કરી માધવ જયારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેના માતા પિતા આ દુનિયામાં ન હતા. તે તેના ખોરડા પર ગયો પરંતુ સાર સાંભળના આભાવે હવે તે ખોરડું ખંડેર બની ગયું હતું. સજા દરમ્યાન જેલમાં કરેલા અર્થોપાર્જનથી લાંબો સમય જીવનનિર્વાહ થઇ શકશે નહિ તેવું માધવ જાણતો હતો એટલે તેણે નોકરી શોધવા માટે પ્રયત્નો કર્યા પરંતુ ખૂનના ગુનામાં સજા ભોગવી ચૂકેલાને કોઈ નોકરીએ રાખવા તૈયાર ન હતું. ત્યાં વળી તેણે એક નવું પરાક્રમ કર્યું. તેણે શહેરના એક નામી ઉદ્યોગપતિ સેવંતીલાલના દિકરા સંજયને શહેરની બહાર આવેલ જુના કિલ્લામાં ખૂબ ફટકાર્યો. આ ઘટના પછી માધવ પોલીસ સ્ટેશનના માર્ગે થઇ શહેર તરફ જતો હતો ત્યારે તેણે સંજયને તેના પિતા સેવંતીલાલ સાથે પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા જોયા. તેણે વિચાર્યું કે કદાચ સંજયે તેના વિરુદ્ધ ફરીયાદ નોધાવી હશે. સંજય અને સેવંતીલાલને જોઈ માધવ સંતાઈ ગયો. જન્મટીપની સજા દરમ્યાન જેલમાં થયેલા ખરાબ અનુભવોને કારણે હવે તેને ફરીથી જેલમાં જવું ન હતું તેથી તે લપાતો છૂપાતો ત્યાંથી ચાલવા માંડ્યો ત્યારે એક હવાલદારની નજર તેના પર પડતાં તેણે માધવને રોકવા પ્રયત્ન કર્યો પરતું માધવ એકદમ દોડવા માંડ્યો તે જોઈ બીજા પોલીસ હવાલદારો પણ તેને પકડવા તેની પાછળ દોડ્યા. માધવ સ્ફૂર્તિથી રાતના અંધારાનો લાભ લઇ ભાગી ગયો. પોલીસ તેને પકડી ન શકી પરંતુ તેને પકડવાના ચક્રો ગતિમાન કરી દીધા.
સિનિયર પોલીસ ઇસ્પેક્ટર કદમ મહેતા મોડી સાંજે પોતાના ઘરમાં દાખલ થયા ત્યારે હંમેશાંની જેમ તેમની પ્રેમાળ પત્ની અમિષાબેન બેઠક ખંડમાં હાજર ન હતાં. ઉપરના બેડ રૂમમાં અમિષાબેનનો કોઈની સાથે વાતચીત કરતાં હોવાનો ગણગણાટ સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર કદમ ઉપર જવા જતા હતા ત્યાં તેમણે અમિષાબેનને પગથિયાં ઉતરતાં જોઈ તે દીવાનખંડના સોફા પર બેસી ગયા. અમિષાબેન પણ તેમની પાસે આવી સોફા પર બેઠા. નોકર પાણી લઈને આવ્યો. બંને એ પાણી પીધું.
કદમે સામે પડેલ મેગેઝીન પર અછડતી નજર કરી અમિષાબેનને ઉદ્દેશીને પૂછ્યું, “ કોઈ મહેમાન છે ઘરમાં ?” અમિષાબેનએ કહ્યું “ના”
કદમ “તું ઉપર બેડરૂમમાં કોઈની સાથે વાત કરતી હોય તેવું મને લાગ્યું એટલે પૂછ્યું “
અમિષાબેનએ હસીને હળવી મજાકમાં કહ્યું,“તમને પોલીસ વાળાઓને હમેશાં કંઇકને કંઈક ભણકારા વાગતા જ હોય છે “
કદમની પારખું નજરે નોધ્યું કે અમિષાબેન તેની મજાક પાછળ કંઇક છુપાવી રહ્યાં છે પરંતુ તેણે તે વખતે અમીષાબેનની વાત માની લીધી. તે ફ્રેશ થવા વોશ રૂમમાં ગયા. ફ્રેશ થઈ તેમણે ટી.વી. ઓન કર્યું. સ્થાનિક ચેનલમાં આજે માધવે ઉદ્યોગપતિ સેવંતીલાલના દિકરા સંજયને કરેલ મારપીટના સમાચાર દર્શાવતી સ્ટ્રીપ ફરતી હતી.
ટીવી જોતાં જોતાં કદમે અમિષાબેનને પૂછ્યું “રાગિણી ઘરે આવી કે નહિ ? “
રાગિણી તેમની યુવાન પુત્રી હતી.
અમિષાબેન, “ આજે થોડીક મોડી આવશે તેવું કહી રાગિણી પાંચ વાગ્યા પછી તેના કોઈ મિત્રને મળવા ગઈ છે.”
કદમ ” જુવાન છોકરી પર તું ધ્યાન આપતી રહે. જમાનો ખરાબ છે. આજકાલ મારામારી, લુંટફાટ, છેડતીના બનાવો ખુબ વધી રહ્યા છે.“
અમિષાબેન “ મને તમારા કરતાં રાગિણીની વધારે ફિકર છે, હમણાં આવતી જ હશે ” કહી મહારાજને ડીનર સર્વ કરવાનું કહી કિચન તરફ ગયાં.
ઇન્સ્પેક્ટર કદમ કંઇક વિચારી ઉપરના બેડ રૂમ તરફ ગયા. તેમણે પોતાની અનુભવી નજર આમ તેમ દોડાવી. એક ખૂણામાં સંતાઈને બેઠેલા માધવ પર તેમની નજર પડી. માધવ કદમને જોઈ ભાગવા જતાં પડી ગયો. કદમે તેને ગરદનથી પકડી ખેંચ્યો અને બે ચાર ધોલ જમાવી દીધી.
કદમ એક નાગી ગાળ બોલી માધવ પર તાડૂક્યા,“ સા....ગુનો કરી ભાગીને મારા ઘરમાં આવી સંતાયો છે,નાલાયક ?”
કદમનો ગુસ્સા ભર્યો અવાજ સાંભળી અમિષાબેન એકીશ્વાસે દાદરો ચઢી ઉપર બેડરૂમ પાસે પહોચી ગયાં. કદમ માધવને ખુબ જોરથી માર મારતા હતા તે જોઈ અમિષાબેન વચ્ચે પડ્યાં અને માધવને ન મારવા માટે કાકલુદી કરી. કદમને અમિષાબેનના આવા વર્તનથી આશ્ચર્ય થયું. તેમને લાગ્યું કે અમિષાબેને જ માધવને આશરો આપ્યો છે. અમિષાબેને કહ્યું ,” કદમ, શાંત થાઓ અને મારી વાત શાંતિથી સાંભળો”.
કદમ ગુસ્સાથી ધ્રૂજતો હતો. તેણે અમિષાબેન પર એક તિરસ્કારભરી નજર નાખી કહ્યું, “ અમિષા, તને કંઈ ભાન બાન છે ? તું એક ગુનેગારને આપણા ઘરમાં આશરો આપી કેવડો મોટો ગુનો કરી રહી છે તેનું તને ભાન છે ? ગુનેગારને આશરો આપી ગુનો કરવામાં મદદગાર થવા તારા સામે પણ ગુનો દાખલ થઇ શકે છે તે તું જાણે છે ? તું એક ખૂનીને આપણા ઘરમાં રાખવા તૈયાર થઇ એક ખૂની ને ....?, ધિક્કાર છે તને ... ધિક્કાર. વળી તારે અને માધવને શો સબંધ થાય છે તેની સ્પષ્ટતા કરીશ ? ”
અમિષાબેન અત્યાર સુધી ચૂપચાપ કદમના ગુસ્સાને સહન કરતાં રહ્યાં પરંતુ કદમે જયારે માધવને ખૂની તરીકે સંબોધ્યો ત્યારે તે વાઘણની જેમ વિફરીને બોલ્યા, “ કદમ, સાંભળી લો માધવ ખૂની નથી .... હા... હા... તે ખૂની નથી, પ્લીઝ તેને ખૂની ન કહો... પ્લીઝ...!!! હું જાણું છું કે માધવ ખૂની નથી અને કદમ તમે મારા અને તેના સબંધ બાબતે સ્પષ્ટતા કરવાનું કહો છે તો કદમ, કાન ખોલીને સાંભળી લો કે માધવ મારા મા જાણ્યા ભાઈ કરતાં પણ વિશેષ છે.” આટલું બોલી અમિષાબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.
હવે ચમકવાનો વારો કદમનો હતો. કદમનો ગુસ્સો શાંત પડ્યો. તેમણે અમિષાબેનને પોતાના બાહુપાશમાં લીધા અને તેમની પીઠ પસરાવવા લાગ્યા. તેમણે અમિષાબેનને રડવા દઈ તેમનું હદય હળવું કરવા દીધું. અમિષાબેનના હિબકાં શાંત થયાં એટલે કદમે તેમને પાણી આપ્યું. અમિષાબેન પાણી પી સ્વસ્થ થયાં.
અમિષાબેને સ્વસ્થ થઇ કહ્યું. “ માધવ, મારો ધર્મનો મોટો ભાઈ છે. તેણે કોઈ ખૂન નથી કર્યું. ભલે કોર્ટે તેને ગુનેગાર ઠેરવી જન્મટીપની સજા કરી હતી પરંતુ તે નિર્દોષ છે !
અમિષાબેન પળ એક ના વિરામ પછી બોલ્યાં “કદમ, તે દિવસે શિવલાલે મને તમારા નામથી મળવા બોલાવી હતી. તે મને એક તરફી પ્રેમ કરતો હતો. તેને તેના બાપના પૈસાનો ખૂબ ઘમંડ હતો. તેની આવરગી મને બિલકુલ પસંદ ન હતી. કોલેજમાં મને તે અવાર નવાર પજવતો, મારી સાથે ખરાબ વર્તન કરતો અને લફંગાઈ પણ કરતો હતો. મેં એકવાર તેના વિરુદ્ધ પ્રિન્સીપાલને ફરીયાદ પણ કરી હતી પરંતુ શિવલાલના પિતા કોલેજના શૈક્ષણિક મંડળના સભ્ય હોવાથી પ્રિન્સિપાલ સાહેબ શિવલાલ સામે તાત્કાલિક કોઈ પગલાં લેવા અસમર્થ હતા. તેમણે મજબૂરી વશ મને તેનાથી સાચવી અભ્યાસ કરવા વિનંતિ કરી હતી.
દરમ્યાન મારી તમારી સાથે સગાઇ થઇ જતાં તે ધૂવાંપૂવાં થઇ ગયો. આપણે નદીના કિનારે જ્યાં મળતાં હતા તે જગ્યાએ તેણે મને, તમારા નામથી એક ચિઠ્ઠી લખી, મળવા બોલાવી હતી. આપણી નવી નવી સગાઇ હતી. હું તમારા અક્ષરોથી પરિચિત ન હોવાથી તમારીજ ચિઠ્ઠી છે તેમ માની હું સાંજે નદી કિનારે પહોચી ગઈ. સાંજ ઢળવા આવી ત્યાં સુધી હું તમારી રાહ જોતી રહી પરંતુ તમે ન આવ્યા અને અંધારું થયું એટલે હું પાછી ફરતી હતી ત્યાં શિવલાલ આવી પહોંચ્યો. તેણે મને ખેંચી મારી સાથે બળજબરી કરવાની કોશિશ કરી એટલે અમારી વચ્ચે ઝપાઝપી થઇ. હું બચાવો... બચાવો....ની બૂમો પાડવા લાગી. નદીના સામે કાંઠેથી આવી રહેલા માધવભાઈ મારી બુમો સાંભળી ત્યાં આવી પહોંચ્યા અને મને બચાવવા કોશિશ કરવા લાગ્યા. શિવલાલ પણ શરીરે રૂષ્ટપુષ્ટ હોઈ બંને વચ્ચે ખુબ ઝપાઝપી થતી રહી. શિવલાલ માધવભાઈને નીચે પાડી તેમની ઉપર ચઢી બેઠો અને તેમની છાતી, ચહેરા અને પેટમાં મુક્કાના જોરદાર પ્રહાર કરવા લાગ્યો. મને માધવભાઈની ચિંતા થવા લાગી. તે દરમ્યાન શિવલાલના પેન્ટના ગજવામાંથી એક ચપ્પુ નીકળી નીચે જમીન પર પડ્યું. મેં તે ચપ્પુ ઉઠાવી લઇ તેની કળ દબાવી તો તેનું ધારદાર ફણું ચમકી ઉઠ્યું. ચપ્પાની કળનો આવાજ સાંભળી શિવલાલ માધવભાઈને પડતા મૂકી મારી તરફ ફર્યો. મેં સ્વબચાવમાં ઉઘાડું ચપ્પુ હાથમાં પકડી રાખ્યું હતું. તે દરમ્યાન માધવભાઈ બેઠા થઇ ગયા અને શિવલાલ મને ઈજા ન પહોચાડે તે માટે શીવલાલને દુર કરવા તેમણે પાછળથી એક ધક્કો માર્યો પરંતુ દુર્ભાગ્યવશ શિવલાલ મારા પર આવી પડ્યો તેવુ જ મારા હાથમાં રહેલાં ખુલ્લા ચપ્પાનું ફણું શિવલાલની છાતીના મર્મ સ્થાને ‘ભચ્ચ..’ કરતું ઘુસી ગયું. શિવલાલ ઘાયલ થઇ કોથળાની જેમ નીચે પડ્યો. માધવભાઈએ મને તરતજ ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. હું ગભરાઈ ગઈ હતી. માધવભાઈની વાત માની હું ત્યાંથી નીકળી ગઈ. માધવભાઈએ મને પાછળથી જણાવ્યું હતું કે શિવલાલનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું પરંતુ ત્યાં થયેલી ઝપાઝપીના કારણે પોલીસ ઇન્વેસ્ટીગેશનમાં અન્ય કોઈની હાજરી પુરવાર થાય તો મને નડતર રૂપ થવાના ભયે તેમણે શિવલાલની લાશ પોતાના ખભે ઉપાડી ઘટના સ્થળેથી લગભગ અડધો કિલોમીટર દુર લઇ જઈ પ્લાન્ટ કરી હતી. ત્યારબાદ મૂળ ઘટનાસ્થળે કોઈ નિશાની બાકી ન રહે તેવી વ્યવસ્થા કરી હથિયાર સાથે પોલીસ સ્ટેશને હાજર થઇ માધવભાઈએ ગુનો કબુલી લીધો હતો.”
અમિષાબેને આગળ કહ્યું “કોર્ટમાં કેસ ચાલ્યો અને જયારે માધવભાઈને જન્મટીપની સજા થઇ તે દિવસે હું ખુબ રડી હતી. મારા દ્વારા થયેલા ગુનાની સજા માધવભાઈ ભોગવે તે વાત મારાથી સહેવાઈ નહી. મેં મારા પિતાજીને તમામ બાબત જણાવી માધવભાઈને બચાવી લેવા હાઈ કોર્ટમાં આપીલ કરવા આજીજી કરી. મારા પિતાએ થોડાક દિવસ બાદ મને જણાવ્યું કે સિનિયર વકીલોના મત મુજબ માધવે પોતાનો ગુનો સ્વિકારી લીધેલ હોઈ હાઈકોર્ટમાં કેસ જીતવાના ચાન્સ નહીંવત છે. મને તે વખતે તેમની વાતમાં સચ્ચાઈ જણાઈ ન હતી. મને લાગ્યું હતું કે કદાચ હાઇકોર્ટમાં અપીલ દાખલ થયા પછી જો કોઈ વાત નીકળે અને તેમાં મારું નામ જાહેર થાય તો અમારા કુટુંબની બદનામી થાય તે ડર થી તેમણે તે વાતનું પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. હા તેમણે મને કહ્યું હતું કે માધવના માબાપ જ્યાં સુધી જીવશે ત્યાંસુધી તેમની તમામ જરૂરીયાતો તે પૂરી કરતા રહેશે. મને તેમની તે વાતથી ખુબ સધિયારો મળ્યો હતો અને હું રાજી થઇ હતી. મારા દિલનો બોજ થોડોક હળવો પણ થયો હતો. મારા પિતાએ તેમનું વચન પાળ્યું હતું અને માધવભાઈના માબાપ જીવ્યા ત્યાં સુધી તેમને કોઈ વાતે તકલીફ પાડવા દીધી ન હતી”.
અમિષાબેને ઉમેર્યું, “થોડાક સમય પછી આપણા લગ્ન થઇ ગયા. લગ્ન પછી મેં કેટલાક સામાજિક ઓર્ગેનાઈઝેશન્સમાં સભ્ય પદ મેળવ્યું. જેલના કેદીઓને મળી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા અમારા મંડળો અવાર નવાર વિવિધ જેલની મુલાકાત લેતાં હતાં. હું જેલના કાર્યક્રમોમાં અચૂક ભાગ લેતી હતી અને તે બહાને હું ઘણીવાર માધવભાઈએ જેલમાં મળી આવી હતી. રક્ષાબંધનના દિવસે હું દર વર્ષે માધવભાઈને રાખડી બાંધતી હતી. તે મને વીરપસલીમાં જે રકમ આપતા હતા તે રકમ હું હેતથી સ્વીકારી લેતી હતી અને તે રકમમાં મારા તરફથી ઘણી મોટી રકમ ઉમેરી હું તેમના માતા પિતાને પહોંચાડતી હતી. સમય પસાર થતો રહ્યો. માધવભાઈને જેલમાંથી છુટા થવાનો સમય જેમ જેમ નજીક આવતો થયો તેમ તેમ મને તેમના ભાવી જીવન વિષે ચિંતા થવા લાગી. માધવભાઈ ખુબ સારા મોટર મિકેનિક છે એટલે તેમના માટે એક અધ્યતન મોટર ગેરેજ તૈયાર કરી તે જયારે જેલમાંથી છુટે ત્યારે તેમને સીધા આપણા ઘરે તેડી લાવી તેમને તે મોટર ગેરેજ ભેટ આપવાની મેં ખાનગી તૈયારી કરી લીધી હતી.”
અમિષાબેનએ એકાએક માધવને સંબોધીને કહ્યું, “માધવભાઈ, તમારે જેલમાંથી છૂટવાને હજુ છ મહિનાની વાર હતી તેમ છતાં તમે વહેલા કેમ છૂટી ગયા ?” પહેલીવાર માધવે ચુપ્પી તોડતાં કહ્યું “ જેલમાં મારી સારી વર્તણુકને ધ્યાને લઇ જેલર સાહેબે મને છ મહિના વહેલો છોડી મુકવા સરકારમાં ભલામણ કરી હતી જેની મંજુરી મળતાં હું છ માસ વહેલો છૂટી ગયો છું.”
કદમે માધવને ઉદ્દેશીને પૂછ્યું, “ માધવ, તું આટલો સારો છે તો પછી સેવંતીલાલના દિકરા સંજયને તેં વિના વાંકે કેમ માર્યો ?” માધવ મૌન રહ્યો. કદમ ફરીથી માધવને જવાબ આપવા દબાણ કરે તે પહેલાં થોડે દુર અંધારામાં ઉભી ઉભી અમિષાબેનની વાત સાંભળી રહેલી રાગિણી પ્રગટ થઇ બીલી, “ ડેડી તેનો જવાબ હું આપું છું.” અને આગળ બોલી, “ નદી કિનારેના પેલા જુના કિલ્લામાં સૌ મિત્રો માટે એક સરપ્રાઈઝ પાર્ટી ગોઠવી હોવાની વાત જણાવી સંજયે મને ત્યાં બોલાવી હતી. હું ત્યાં પહોચી ત્યારે ત્યાં સંજય એકલોજ હતો. હું થોડીક મુંઝાઇ એટલે તેણે મને કહ્યું હવે બીજા મિત્રો આવતા હશે ચાલો આપણે થોડી રાહ જોઈએ. અમે મિત્રોના આવવાની રાહ જોતાં જોતાં વાતોએ વળગ્યા. વાતચીત દરમ્યાન સંજય વિસ્કીના ચાર પેગ પી ગયો. દારુ પીવાના કારણે તે બહેકી ગયો અને એકાએક તેણે મારી છેડતી કરવાનું શરુ કરી દીધું. મેં ગભરાઈને બુમો પાડવા માંડી જે સાંભળી મહેલના પાછળના ભાગેથી માધવ અંકલ અને આંટી આવી પહોંચ્યા. માધવ અંકલે સંજયને બે ચાર તમાચા ચોડી દીધા. હું અને આંટી તરત ત્યાંથી નીકળી ગયા. મારી બહેનપણી પિંકીના ઘરે જઈ મેં આંટીને કહ્યું, આંટી આ મારી બેસ્ટ ફ્રેન્ડનું ઘર છે અને અહી હું સલામત છું માટે તમારે જવું હોય તો જઈ શકો છો. પિંકીના ઘરે હું સલામત છું તેમ માની આંટી ત્યાંથી સંતોષ સાથે રવાના થઇ ગયા. થોડીક સ્વસ્થતા મેળવી હું ઘરે પહોચી ત્યારે ડેડી તમે મારી મમ્માને ધમકાવતા હતા. જો માધવ અંકલ અને આંટી સમયસર ત્યાં ન આવી પહોંચ્યા હોત તો ભગવાન જાણે આજે મારું શું થયું હોત.....!!!.” અત્યારસુધી સ્વસ્થતા ધારણ કરી બોલતી રહેલી રાગિણી એકદમ ભાવુક થઇ અમિષાબેનને બાઝીને રડવા લાગી. કદમે સંજયની તરત જ ધરપકડ કરી સિવિલ હોસ્પીટલે લઇ જઈ તેના બ્લડ સેમ્પલ લેવા સૂચના પોલીસ સ્ટેશને આપી દીધી.
કદમે વળી માધવને પ્રશ્ન કર્યો, “માધવ, તેં અમિષાના ગુનાનો ઇલ્જામ તારા માથે કેમ લઇ લીધો હતો ?”
માધવ બોલ્યો, “ સાહેબ અમિષાબેનના પિતા નારાયણ કાકા મારી ગેરેજમાં ગાડીની સર્વિસ અને રીપેરીંગ કામ કરાવતા હતા. તે મારા પિતાને ઓળખાતા હતા અને આમારી નબળી આર્થિક પરિસ્થિતિથી માહિતગાર હતા. મને મદદ કરવા તે હમેશાં બીલ કરતાં વધારે રકમ આપી જતાં. મને તેઓ ઘણી વાર કહેતાં "જો માધવ ! તારે જયારે પણ મારી કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો મારો દરવાજો અડધી રાત્રે ખટખટાવજે હું તારી મદદ જરૂર કરીશ. સાહેબ આ જમાનામાં આવી ભાવના કોનામાં હોય છે? તેથી જયારે અમિષાબેન મુસીબતમાં સપડાયા ત્યારે તેમને બદનામીથી બચાવવાની મારી ફરજ સમજી મેં ગુનો મારા માથે ઓઢી લીધો હતો અને તેમની બદનામી ન થાય તે માટે મેં આજીવન મારું મોઢું ખોલ્યું ન હતું.” કદમ માધવનો જવાબ સાંભળી સ્તબ્ધ થઇ ગયો. તેને માધવની સરખામણી એ પોતાની જાત ખુબ વામણી ભાસી.
માધવ આગળ બોલ્યો,” સાહેબ, નારાયણ કાકા પણ મને જેલમાં મળવા આવતા હતા. તેમણે મને જેલમાંથી છૂટ્યા બાદ મળવાનું કહ્યું હતું. આજના આ મારામારીના બનાવ પછી હું આ પ્રકરણમાં ફસાઈ ના જાઉં તે માટે તેમની મદદ મેળવવાના ઈરાદાથી તેમને મળવા ગયો હતો. મેં તેમને આજના બનાવની સત્યહકીકત જણાવી. તેમણે મને કહ્યું કે તેમને એક અરજન્ટ મીટીંગમાં જવું છે પણ ચિંતા ન કર જમાઈરાજ કદમ સીટી પોલીસ સ્ટેશનમાં પી.આઈ. છે માટે તું તેમના ઘેર જઈ સાચી વાત જણાવી દે. હું અમિષાને ફોન કરી જણાવી દઉં છું અને મીટીંગ પતાવી હું પણ ત્યાં આવી પહોચીશ. તેમની સલાહ અનુસાર હું અમિષાબેનને મળવા આવ્યો હતો. રાગિણી તમારી દીકરી છે તે હું જાણતો ન હતો. હું મારી પૂરી વાત અમિષાબેનને જણાવું તે દરમ્યાન તમે આવી ગયા. કદાચ ભગવાનને આપણને ભેગાં કરવા હશે એટલે આ બનાવ બન્યો હશે.!!”
માધવે તેની વાત પુરી કરી એટલે કદમે માધવનો આભાર માન્યો અને તેની સાથે કરેલ દુર્વ્યવહાર માટે માફી પણ માગી. થોડીવાર પછી સૌ સ્વસ્થ થઇ જમવા બેસી ગયા.
જમ્યા પછી અમિષાબેને માધવને ઉદ્દેશીને પૂછયું, “ માધવભાઈ, તમારી સાથે બિજલ હતી ?” માધવે ચહેરા પર શરમના ભાવ સાથે માથું હલાવી હા કહી. અમિષાબેને હસીને કહ્યું, “તો પછી મારે હવે તેનો પણ રસ્તો કરવો પડશે એમ ને ?” કંઈ પણ બોલ્યા વિના માધવે પથારીમાં લંબાવ્યું.
માધવ ભૂતકાળમાં સરી પડ્યો. માધવને ભણવું ગમતું ન હતું એટલે તે તેના ઘર પાસે આવેલી મંગળકાકાની મોટર ગેરેજમાં જઈ બેસતો અને તેમને મદદ કરતો હતો. મંગળકાકા તેને ભણી ગણી સારો ધંધો કરવાની સલાહ આપતા પણ માધવ કહેતો, “મંગળકાકા મારે ભણવું નથી. મને ગાડીઓ ચલાવવાનું ખુબ મન થાય છે માટે મને ગેરેજમાં નોકરીએ રાખી લો. મને કામ શીખવાડજો પગાર નહી આપો તો ચાલશે.” મંગળકાકાએ માધવને એક દિવસે તેના બાપાને ગેરેજ પર લાવવા કહ્યું. માધવ બીજા દિવસે તેના બાપા શંકરને લઇ ગેરેજ પર હાજર થયો. મંગળકાકાએ શંકર સાથે વાતચીત કરી માધવને ગેરેજમાં મોટર મીકેનીકનું કામ શીખવાડવા રાખી લીધો. માધવ ત્યારે સોળ વર્ષનો હતો. મંગળકાકાની પત્ની ગજરાબાનું મૃત્યુ થઇ ગયું હતું તેથી બાર તેર વર્ષની બિજલ તેને આવડે તેવી રસોઈ બનાવી રોજ બપોરે તેના પિતા મંગળકાકા માટે ટીફીન લઈને આવતી અને સાંજ સુધી ગેરેજમાં રોકાઈ મંગળકાકાને કામમાં મદદ કરતી. માધવના આવ્યા પછી બિજલને મંગળકાકાને કોઈ મદદ કરવાનું રહેતું નહોતું તેમ છતાં તે સાંજ સુધી ગેરેજમાં રોકાતી હતી અને માધવને કામ કરતો નિહાળતી રહેતી. માધવ જયારે મોટરને જેક પર ચઢાવતો હોય ત્યારે કે ખુબ ફીટ થઇ ગયેલા બોલ્ટને પાના વડે ખોલવાની મથામણ કરતો હોય ત્યારે તેના બાવળાના ઉભરતા સ્નાયુઓને બિજલ અહોભાવથી જોઈ રહેતી. કોઈક વાર બોલ્ટના ઘસાઈ ગયેલા પેલમાંથી પાનું છટકી જાય અને માધવનો હાથ પાના સાથે નીચે જમીન પર અથડાય ત્યારે તે જોરથી હસી પડતી.
બે વર્ષમાં મંગળ કુશળ કારીગર થઇ ગયો. બિજલ હવે જુવાન થઇ રહી હતી. તેના અંગ ઉપાંગોના આકાર અને ઉભાર બદલાવા લાગ્યા હતા. તેના મનમાં ઉઠતી ઉર્મિઓ હવે તેના ચહેરા પર પડઘાતી હતી. માધવ જયારે તાકીને બીજલની આંખોમાં તેની આંખો પરોવાતો ત્યારે બીજલના હૃદયમાં ઉથલપુથલ મચતી. તેના દિલમાં એક અપરિચિત ટીસ ઉઠતી. હવે બિજલ માધવ સાથે વાતો કરતી વખતે શરમાઈ જતી હતી. બંને જણા એક બીજાને મનોમન ચાહવા લાગ્યા હતા.
મંગળકાકાની તબિયત નરમ ગરમ રહેતી હોવાથી તે ગેરેજમાં બહુ આવતા ન હતા. માધવ હવે ગેરેજનો અડધો ભાગીદાર હતો. મંગળકાકા ગેરેજનો બધો ભાર માધવ પર નાખી દઈ નિશ્ચિંત થઇ ગયા હતા. જાણે કે તેમણે રીટાયરમેન્ટ લઇ લીધી હતી. મંગળકાકા ગેરેજે આવતા ન હોવાથી બિજલનું ગેરેજમાં આવવાનું ઓછું થઇ ગયું હતું જે માધવને ગમતું નહતું. માધવ રોજ સવારે મંગળકાકાને મળવાના બહાને તેમના ઘેર જઈ બિજલના હાથની ચા પી ગેરેજમાં આવતો. બિજલને પણ જયારે મોકો મળે ત્યારે અઠવાડીયામાં એક બે વાર બપોરે ગેરેજમાં આવી માધવના દર્શન કરી તેના હદયને તૃપ્ત કરી જતી હતી.
એક દિવસે બિજલે માધવને ફરીયાદ કરી કે તેમના ઘર પાસે રહેતા કાળુનો ડોળો તેના પર છે અને આવતા જતાં તેને ખુબ પજવે છે. માધવ બિજલની ફરીયાદ સાંભળી સીધો કાળુના ઘેર જઈ પહોંચ્યો અને તેને બહાર ફળિયામાં ઢસડી લાવી ખોખરો કરી કહી દીધું કે હવેથી બિજલને પજવતો નહિ, નહીતર કમોતે મરીશ.! " બસ તે દિવસથી બિજલે માધવને પોતાના મનના માણીગર તરીકે સ્થાપી દીધો હતો અને મનોમન માધવનું સ્વામિત્વ સ્વીકારી લીધું હતું. મંગળકાકા અને ફળિયાવાળા પણ સમજી ગયા હતા કે માધવ જ બિજલનો ભાવી ભરથાર છે. મંગળકાકાના શિરેથી બિજલ માટે યોગ્ય વાર શોધવાનું ખુબ મોટું ભારણ ઓછું થઇ ગયું હતું. હવે તેમણે બિજલના હાથ પીળા કરી જવાબદારીમાંથી વહેલી તકે પરવારી નિશ્ચિંત થઇ જવાનું મનોમન નક્કી કરી લીધું હતું. બિજલને માધવ સાથે હરવા ફરવાની છૂટ મળી ગઈ હતી.
જે દિવસે શિવલાલ વાળો પ્રસંગ બન્યો ત્યારે માધવ અને બિજલ નદીની પેલેપાર જુના કિલ્લા પછવાડે પ્રેમ ગોષ્ટી કરતાં હતા. અંધારું થતાં બંને ઉભા થયા અને બિજલે ટૂંકા માર્ગેથી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું જ્યારે માધવને બજારમાં થોડુક કામ હોવાથી તે શહેર તરફ જવા નદી પાર કરતો હતો ત્યારે અમિષાબેનની બચાવો... બચાવોની બુમો સાંભળી તે બાજુ ગયો અને સંજોગોવશાત શિવલાલના ખૂનનું આળ સ્વીકારી જન્મટીપની સજા ભોગવી આવ્યો.
જેલમાંથી છૂટી આજીવિકા રળવા માધવે મોટર મિકેનિક તરીકે નોકરી શોધવા શહેરની મોટર ગેરેજોમાં બે દિવસ ખુબ રઝળપાટ કર્યો પરંતુ ખૂનના આરોપ હેઠળ સજા ભોગવેલ ને કોઈ નોકરી રાખવા તૈયાર ન હતું. નારાયણ કાકા અને અમિષાબેને જેલમાંથી છૂટી તેમને મળવા કહ્યું હતું પરંતુ માધવ તેમના ઘરે જવામાં અચકાતો હતો. મંગળકાકાનું મૃત્યુ થઇ ગયું હતું. ભાડું ન આપી શકવાના કારણે માલિકે ગેરેજ ખાલી કરાવી દીધું હતું. બિજલ તેની સાથે ઘર સંસાર માંડવાના આશાવાદ સાથે જીવી રહી હતી અને મજુરી કરી માંડ માંડ તેનું ગુજરાન ચલાવતી હતી. બિજલ એકલી હોઈ તેની સાથે લગ્ન વિના રહી શકાય તેમ ન હતું. તેથી તેણે બીજા શહેરમાં જ્યાં તેને કોઈ ઓળખતું ના હોય ત્યાં જઈ કોઈ ગેરેજમાં નોકરીએ રહેવાના ઈરાદા સાથે જતાં પહેલાં બિજલને એકવાર મળી લેવા માટે નદી પારના જુના કિલ્લા પાછળનાં તેમના પ્રિય સ્થળે મળવા બોલાવી હતી. બિજલ આવતાંની સાથે માધવને વળગીને રડવા લાગી. માધવ મર્દ હોવા છતાં ખુબ લાંબા વિરહ પછીના બિજલ સાથેના મિલનથી ભાવુક થઇ ગયો. બંને ઘણા લાંબા સમય સુધી એક બીજાને વળગીને પ્રેમ કરતા રહ્યા. ત્યાં રાગિણીની બચાવો.. બચાવોની બુમો સાંભળી બંને દોડીને જુના કિલ્લામાં પહોંચી ગયા.
“ બધા જાગો છે કે સુઈ ગયા ....?” ના નારાયણ કાકાના પોકારથી માધવ વર્તમાનમાં પાછો ફર્યો. નારાયણ કાકાએ માધવ મારામારીના કેસમાં નિર્દોષ હોવાથી તેની સામેના મારામારીના કેસમાં કોઈ કાર્યવાહી ન કરવા કદમને આગ્રહ કર્યો અને આગળ કહ્યું કે આમ પણ બિચારાને વિના વાંકે જન્મટીપની સજા ભોગવવી પડી છે મને તેનું ખુબ દુખ છે. પછી તેમણે માધવને બોલાવી કહ્યું, "માધવ તું કાલથી મારા ડ્રાયવર તરીકે નોકરીએ આવી જજે. મારા બંગલાની પાછળ ડ્રાયવરને રહેવા માટેનું ક્વાર્ટર છે તેમાં તારે રહેવાનું છે. મેં અને અમિષાએ તારા માટે નવું અદ્યતન ગેરેજ બનાવવા શહેર બહાર હાઇવે પર જગ્યા લઇ રાખી છે. ગેરેજ બાંધવાનું કામ પૂરું થાય અને તું તારો નવો ધંધો શરુ કરે ત્યાં સુધી મારી સાથે હર ફર અને મજા કર” પછી હસીને બોલ્યા, “અલ્યા, કોઈ રોટલા ઘડી આપનારી શોધી રાખી છે કે મારે શોધવાની છે ?”
નારાયણ કાકાના છેલ્લા પ્રશ્નના જવાબમાં અમિષાબેન બોલ્યા, “ પપ્પા, રોટલા ઘડનારી તો માધવભાઈએ શોધી જ રાખી છે આપણે તો ફક્ત લગ્ન જ કરાવી આપવાના છે. “
નારાયણ કાકા ,” ચાલો લગ્ન તો કરાવી દઈશું. પણ કોણ છે એ તો કહો.”
અમિષાબેન ”ગેરેજવાળા મંગળકાકાની બિજલ. બિજલ ખુબ સારી છોકરી છે. મેં તેને ઘણી વાર જેલમાં માધવની મુલાકાતે આવતી જોઈ છે. બંનેના જીવ મળેલા છે.”
“ તો તો બહુ સરસ.” કહી નારાયણ કાકા હસતાં હસતાં સૌની વિદાય લઇ રવાના થયા.
બીજા દિવસે સંજયના લોહીમાં આલ્કોહોલની માત્રાની ખરાઈ કરવા માટે લીધેલા સેમ્પલ લેબોરેટરીમાં મોકલતાં પહેલાં કદમે ઉદ્યોગપતિ સેવંતીલાલ અને તેના દિકરા સંજયને પોલીસ સ્ટેશને બોલાવી સંજયે ગઈકાલે કરેલા પરાક્રમથી વાકેફ કરી સંજયને ખુબ ધમકાવ્યો. સંજયે ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાનું વચન આપ્યું અને માધવ સામેની ફરીયાદ પાછી ખેંચી લીધી એટલે કદમે તે કેસ પર પૂર્ણ વિરામ મૂકી દીધું.
આઠ મહિનામાં અમિષાબેન અને નારાયણ કાકાએ ખુબ જહેમત ઉઠાવી માધવનું નવું અદ્યતન મોટર ગેરેજ અને માધવને રહેવા માટે ગેરેજની ઉપર એક સુંદર સુખ સુવિધાવાળું મકાન બાંધી દીધું. ગેરેજના ઉદઘાટનના એક દિવસ પહેલાં માધવના અને બિજલ ના લગ્ન પણ ઉકેલાઈ ગયા. માધવ અને બિજલ કરતાં અમિષાબેન વધારે ખુશ હતાં. તેમના હદય પરથી ખુબ મોટો બોજો ઉતરી ગયો. હતો..
સમય તેનું કામ કરતો રહ્યો. અમિષાબેનની રાગિણીનું લગ્ન થઈ ગયું હતું. તે પરણીને સ્વીત્ઝરલેન્ડમાં રહેતી હતી. તેને બે બાળકો હતા. તેનો સંસાર ખુબ સુખી હતો. માધવે ગેરેજના કામ સાથે જૂની ગાડીઓના લે વેચની કામગીરી પણ શરુ કરી હતી. હવે તે ખુબ સારું કમાતો હતો. પરણ્યાના એક વર્ષમાં તેમના ઘરે દિકરાનો જન્મ પણ થયો હતો. અમિષાબેને ફોઈ હોવાના નાતે માધવ અને બીજલના દિકરાનું નામ અમિત રાખ્યું હતું. અમિત સૌની દેખરેખ હેઠળ મોટો થવા લાગ્યો. અમિષાબેનને બાળકોમાં ફક્ત એક દિકરી રાગિણી હતી અને તે પણ પરણીને તેના પતિ સાથે સ્વીત્ઝરલેન્ડમાં રહેતી હોઈ અમિષાબેનને અમિત સાથે વિશેષ લગાવ હતો. તે ભણવામાં ખુબ હોશિયાર હતો. તે સારો એથ્લેટ્સ પણ હતો. તેણે કરાટેમાં બ્લેક બેલ્ટ મેળવ્યો હતો. અમિતે ચાલુ વર્ષે તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. અમિત ઊંચો અને દેખાવડો હતો. તેને મિલિટરીમાં ઓફિસર થવાની ખેવના હતી. શહેરના અગ્રણી અને એક રાજકીય પક્ષના ઉંચા ગજાના નેતા સૌમિલભાઈની દિકરી તનુજા અમિતના પ્રેમમાં હતી.
એક દિવસે અમિત અને તનુજા લોંગ ડ્રાઈવ પર ગયા હતા. રાત્રે પાછા ફરતાં શહેર નજીક હાઈવે પર એક સુમસામ જગ્યાએ કોઈ યુવતીની ચીસ સાંભળી અમિતે સજ્જડ બ્રેક મારી તેની ગાડી રોકી. જે બાજુ થી અવાજ આવ્યો હતો તે બાજુ અમિત અને તનુજા ગયા. અમિતે ત્રણ ચાર લફંગાઓને ઝાડી ઝાંખરામાં એક યુવતીને પજવતા અને તેની આબરૂ લુંટવાનો પ્રયાસ કરતા જોયા. પેલી યુવતી તેને છોડી દેવા કાકલુદી કરતી રહેમની ભીખ માગતી હતી. પેલા નરપિચાસો યુવતીની દયનીય સ્થિતિનો વિકૃત આનંદ ઉઠાવતા હતા. આ દ્રશ્ય જોઈ અમિતનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે દુરથી સત્તાવાહી અવાજે હાકોટો પાડી પેલા લફંગાઓને યુવતીને છોડી દેવા જણાવ્યું. નરપિસાચોએ એક અટ્ટહાસ્ય કરી યુવતીની છેડતી ચાલુ રાખી. અમિતે પેલા લફંગાઓ પાસે જઈ તેમના કોલર પકડી દુર કર્યા અને તેમના પર કરાટેના દાવ અજમાવી અધમૂવા કરી મૂક્યા. તનુજાએ પેલી યુવતીને પોતાની પાસે ખેંચી લીધી અને તેના ફાટેલાં કપડાં પર ઓવર કોટ ઓઢાડી દીધો. યુવતી ફફડતી ફફડતી રડવા લાગી. તનુજાએ તેને પોતાના બહુપાસમાં સમાવી લઇ આશ્વાશન આપ્યું. પેલા નરાધમો અંધારાનો લાભ લઇ ત્યાંથી પલાયન થઇ ગયા.અમિત તનુજા અને પેલી યુવતી ગાડીમાં બેઠા. તનુજાએ યુવતીની વિગતો મેળવી. તેનું નામ કવિતા હતું. તે શહેરના જાણીતા ક્રાઈમ એડવોકેટ અને એક રાષ્ટ્રીય રાજનીતિક પાર્ટીના નેતા શ્યામ શર્માની પુત્રી હતી. તે ટ્યુશન કલાસથી આવતી હતી ત્યારે આ નરાધમો દુષ્કૃત્ય કરવાના ઈરાદાથી તેનું અપહરણ કરી ઉઠાવી ગયા હતા. અમિત અને તનુજા કવિતાને તેના પિતાના ઘરે પહોચાડી મોડી રાત્રે પરત ફર્યા.
અમિત અને તનુજાને આવતાં વાર લાગી હતી તેથી બિજલ ખુબ ચિંતામાં હતી. તેમને બંનેને હેમખેમ ઘરે આવેલા જોઈ તેનો ઉદ્વેગ શાંત થયો. તેમ છતાં કેમ આટલું મોડું થયું તેનું કારણ પૂછ્યું તો તનુજાએ અમિત દ્વારા કવિતાની આબરૂ બચાવવાનો આખો પ્રસંગ બીજલને કહી સંભળાવ્યો. તનુજાએ પોતાની વાત પૂરી કરી એટલે બિજલે અમિતનો કાન ખેંચી હસતાં હસતા કહ્યું “ અદ્દલ તારા બાપ પર ગયો છે.! ” બિજલની કોમેન્ટ સાંભળી માધવે પોતાની મૂછો પર તાવ દીધો અને બોલ્યો “આખરે દિકરો તો મારો છે ને !” બિજલ બોલી, “હા ભાઈ હા એટલેતો તમારા પગલે ચાલે છે “ ઘરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
એડવોકેટ શ્યામ શર્મા રાત્રેજ કવિતાને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા અને પેલા ચાર લફંગાઓ વિરુદ્ધ ફરીયાદ નોધાવી દીધી હતી. બે દિવસમાં પોલીસ દ્વારા તે લફંગાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. તનુજા અને અમિતને તેમની ઓળખ માટે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. કવિતા, તનુજા અને અમિતે ઓળખ પરેડમાં પેલા ચારેય લફંગાઓને ઓળખી બતાવ્યા એટલે પોલીસે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરુ કરી દીધી.
નારાયણ કાકા એંશી વર્ષે પણ ખુબ સારું સ્વાસ્થ્ય ધરાવતા હતા. તેઓ ચાલુ એમ.એલ.એ. હતા. અમિતની બહાદુરીની વાત સાંભળી તેમને ગર્વ થયો. તેમણે નાગરીક શોર્ય એવોર્ડ માટે અમિતના નામની ભલામણ કરી હતી. તનુજાના પિતા સૌમિલભાઈ એ પણ નારાયણ કાકાની ભલામણના ટેકામાં તેમના પક્ષ મારફતે અમિતને એવોર્ડ મળે તે માટે ભલામણ પત્ર પાઠવ્યો હતો. થોડા સમય પછી રાષ્ટ્રપતિ એવાર્ડ માટે અમિતનું નામ પસંદગી યાદીમાં આવેલું જોઈ સૌ ગેલમાં આવી ગયાં અને અમિત પર અભિનંદનની વર્ષા શરુ થઇ ગઈ. અમિત એવોર્ડ લેવા દિલ્હી ગયો હતો. તનુજા પણ તેની સાથે દિલ્હી ગઈ હતી.
કદમ મહેતા પોલીસ કમિશ્નરના હોદ્દા પરથી તાજેતરમાં નિવૃત્ત થયા હતા. નિવૃત્ત પોલીસ કમિશનર કદમ મહેતાના ઘરમાં માધવ, બિજલ, નારાયણ કાકા, સૌમિલભાઈ, સૌમિલભાઈના પત્ની દમયંતી બેન, કવિતા, એડવોકેટ શ્યામ શર્મા અને અમિતના મિત્રો અમિતને મળેલ સન્માનની ઉજવણી માટે એકઠા થયા હતા. અમિત અને તનુજા દિલ્હીથી પરત આવવા વિમાન મારફતે રવાના થઇ ગયા હતા. તેમને લેવા માટે કાર એરપોર્ટ પર હાજર હતી. સૌ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
થોડીવારમાં અમિત અને તનુજાને લઇ કાર આવી પહોંચી. હાજર સૌએ અમિતને તાળીઓથી વધાવી લઇ અભિનંદનની વર્ષા કરી. અમિષાબેને સૌને ભોજન લેવા વિનતી કરી એટલે અમિત એક દમ સીરીયસ થઇ બોલ્યો “ ફોઈ, મારે આજે ઉપવાસ છે અને હું રાગિણી બેનના હાથે જ પારણાં કરીશ “ અમિષાબેન હળવાશથી બોલ્યા, “ ભાઈ ! તું વળી આ નવો ફતવો ક્યાંથી લાવ્યો. અને તેં કદી તારા જીવનમાં કોઈ ઉપવાસ કર્યો છે તો આજે ઉપવાસી બની ગયો ? ચાલ મજાક છોડ અને જમી લે.” અમિત બોલ્યો, “મારી ફોઈના સોગંધ જો હું ખોટું બોલતો હોઉં તો, આજે મારે ઉપવાસ છે અને હું રાગિણી બેનના હાથેજ પારણાં કરીશ નહિતર ભૂખ્યો મરી જઈશ” અમિષાબેન બેને અમિતના મોઢા પર હાથ મૂકી દીધો અને રડતાં રડતાં બોલ્યા “ બેટા, રાગીણીને સ્વીત્ઝર્લેન્ડથી આવવામાં એક અઠવાડિયું નીકળી જશે ત્યાં સુધી હું તને ભૂખ્યો નહિ રહેવા દઉં. ચાલ જમી લે. તેં મારા સોગંધ ખાધા છે ને તો છો ને હું મરી જતી ! પણ તારા જીવને કંઈ થાય તે મારાથી નહી જીરવાય”. બોલી અમિષાબેન રડી પડ્યા. માધવ અને બિજલ પણ અમિષાબેનની અમિત પ્રત્યેની લાગણી જોઈ ભાવુક થયા.
એટલામાં એક ટેક્ષી બંગલાના પોર્ચમાં આવી ઉભી રહી. ટેક્ષીમાં કોણ આવ્યું તે જોવા સૌની નજર તે તરફ મંડાણી. રાગિણીને તેના પતિ અને બાળકો સાથે ટેક્ષીમાંથી ઉતરતાં જોઈ સૌને સુખદ આશ્ચર્ય થયું. રાગિણીને અમિતે જ બોલાવી છે તેવું સમજતાં અમિષાબેનને વાર ન લાગી. તેમણે અમિતનો કાન ખેંચી કહ્યું, “ ચાલબાજ, અમોને અંધારામાં રાખી રાગિણીને બોલાવી છે અને તેના હાથેજ પારણાં કરવાની જીદ લઇને બેઠો છે, લુચ્ચા ?” અમિત ઓ....ઓ... આઉચ... કહી હસી પડ્યો. સૌએ જમવાનું શરુ કર્યું. ફ્રેશ થઇ રાગિણી અને તેનો પરિવાર પણ તેમની સાથે જમવામાં જોડાઈ ગયો.
જમણવાર પૂરો થયો એટલે સૌમિલભાઈ સૌ સંભાળે તેમ બોલ્યા, “ લેડીઝ એન્ડ જેન્ટલમૅન, યોર એટેન્શન પ્લીઝ “ સૌના કાન સરવા થયા. સૌ શાંત થયા એટલે તેમણે કહ્યું. “ માધવ ભાઈ, બિજલ બેન, કદમ ભાઈ, અમિષાબેન બેન, જો આપ સૌ મારી દિકરી તનુજાને તમારા ઘરની લક્ષ્મી તરીકે સ્વીકારવા તૈયાર હોવ તો હું તનુજાનું સગપણ અમિત સાથે કરવાનું માગું નાખું છું.” સૌએ તેમની ઓફર સ્વીકારી લીધી. રાગિણીએ તનુજાને ‘મારી મીઠઠડી ભાભી કહી’ તેની સોડમાં ખેંચી તેના ગાલ પર ચૂંટલી ભરી લીધી. તનુજા શરમાઈ ગઈ.
સૌ મહેમાનો વિખરાયા એટલે અમિષાબેને માધવને કહ્યું, “માધવ ભાઈ, મારા ગુનાની સજા તમારે ભોગવવી પડી છે તેનું ઋણ તો કદી ઉતારી શકીશ નહિ પરંતુ તમે મને માફ કરીદો તો હું બોજ મુક્ત થાઉં.” માધવે કહ્યું “મારી બે’ના, મારા મનમાં કદી એવો વિચાર પણ નથી આવ્યો કે તમે મારા ગુનેગાર છો. મેં નારાયણ કાકાની માણસાઈથી પ્રેરાઈ સ્વેચ્છાએ તમારો ગુનો મારા માથે ઓઢી લીધો હતો. અને તે ખૂન હતું જ નહિ તે એક અકસ્માત હતો માટે તમારા દિલ પર કોઈ બોજ રાખશો નહિ. વધુમાં તેના બદલામાં મારા જેવા એક સામાન્ય માણસને તમે ભાઈ બનાવી જે અદકેરું માન બખશ્યું છે અને સમાજમાં ઉન્નત શિરે જીવવાનો જે મોકો આપ્યો છે તે માટે ખરેખર તો હું તમારો આભારી છું. આમ છતાં તમારા દિલની તસલ્લી માટે હું તમને માફ કરું છું.”
માધવના આ શબ્દો સાંભળી નારાયણ કાકા માધવને પોતાની છાતી સરસો ચાંપી બોલ્યા, “ માધવ, તેં આજે મારા દિલ પરથી પણ ખુબ મોટો બોજો દુર કરી દીધો છે. આટલા વર્ષો સુધી હું અને અમિષા કેટલા હિજરાયા છીએ તે અમે જ જાણીએ છીએ. તેં અમારી આબરૂ સાચવવા આપેલ બલીદાનની અને તારી ખાનદાનીને વંદન કરું છું.”