"કેરિયર રિટાયર્ડ થયું!"
"કેરિયર રિટાયર્ડ થયું!"
માનવીની પૂંછની પેઠે આજકાલ જીવનમાંથી જાણે - અજાણે થોકબંધ ચીજ વસ્તુઓ ઉપયોગીતાના એરણે નાપાસ થઈ ને કાં બદલાવ પામી અથવા નિવૃત્તિ પામી. રેડિયો ટ્રાન્સમીટર, જેના તાર ની વાતો કરતી વખતે લપેટી લેવાતી તે ટેલિફોન, થાળીવાજુ, અડધી ઈંટ જેવડી મોટી વી.સી.આર. ની કેસેટો, જેને બોક્સ કહેવાતા એવાં ઇડિયટ ટીવી, વગેરે વગેરે...
ઉપરોક્ત લુપ્તપ્રાય યાદીમાં જેનો સમાવેશ લગભગ નક્કી હતો તે બીજું કોઈ નહીં આપણી પોતાની પેલી વખારમાંથી ભંગાર તરફ જઇ રહેલી સાઇકલ! જેની વિદાય નક્કી બની અને સ્વાસ્થ્યપ્રેમી નાગરિકો દ્વારા જેનો પુનારુંધાર કરી ને સાઇકલ ને તથા પર્યાવરણ ને પણ નવજીવન બક્ષ્યું છે, બેઉ હરખાય છે. ને કદાચ એને બહાર જોઈ ને ચાર પૈડાંવાળી ગાડીની અટારીમાંથી જોઈ રહેલો આદ્યસાઇકલ ચાલક પણ ક્ષણિક હરખનો ભાગીદાર ખરો!
આજે જ્યારે ટ્રાફિક ની અસહ્ય સમસ્યામાં ઘડીભર મન સર્જનાત્મકતા તરફ વળે તો આ સાઇકલ તેની માત્ર સવાર સાંજ ની હેલ્થી ટ્રીપમાંથી ફુલટાઇમ સેવામા આવી શકે તેમ છે, અને તેની તાતી જરૂરિયાત છે જ. એ
ટલે વારસામાં ધન સંપત્તિ ની સમકક્ષ સાઈકલ આપવાની નવતર પ્રથા દેશને ઉર્જા કટોકટીના કપરા કાળ માં બચાવી શકે તેમ છે.
સાઇકલનો પુનર્જન્મ સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ ના નિયમ ને અનુલક્ષી ને થયો ને જાણે સાઇકલ મોડીફાય થઈને સ્ટેટ્સ સિમ્બોલ સુધી ની સફરે ઉપડી છે. આ યાત્રામાં સાઇકલ ના કેટલાય મિત્રો અથવા તેના પરિવાર ના સભ્યો બાકાત કરવામાં આવ્યા જેમકે આ કટોતી માં કેરિયર ને ફરજીયાત ફરજ મોકૂફી આપવામાં આવી. જી હા ! એજ કેરિયર જેની પાછળ બેસી ને સહકુટુંબ પ્રવાસ કર્યા. એજ કેરિયર જેના પર બેસી ને ફિલ્મો માં અભિનેત્રીઓ એ ગીત ભજવ્યા છે. તેજ કેરિયર જેની નાનકડી જગ્યા માં આપણું ઘણું વિશાળ બાળપણ સમાયું! ને ટપાલી ની તો જાણે ઓળખ બની ગયેલ તે આજે નિવૃત થતું જોવા મળે છે, હા ક્યાંક ક્યાંક એને નવા સ્વરૂપ માં દર્શાવામાં આવ્યું છે, નવી ઓળખ આપવાનો પ્રયત્ન પણ થયો, તેમ છતાંય એ સફળ ન બન્યું. કેરિયર ની ઉણપ જાણે સાઇકલ ને સ્વાર્થી બનાવી દે છે. હવે એ બેકલી સવારીઓ કયા? કેરિયર રિટાયર્ડ જે થયું છે!!
-જય હિન્દ!