પેલો મહેસાણી
પેલો મહેસાણી


આથમી રહેલા સૂર્ય ને બાથવા મથી રહેલ નીલા સમુદ્રને કાંઠે ચાની છેલ્લી ચૂસકી ભરતાં મનોજ પોતાના ઇન્ટરવ્યૂ ને માણી રહ્યો છે.
" મિ. મનોજ પ્લીઝ ડોન્ટ માઈન્ડ! પણ એક વાત પૂછી શકું??"
"વ્હાય નોટ! , તમે મને મુક્ત મને પૂછી શકો છો!"
"તમને નથી લાગતું કે ખૂબ ઝડપથી તમારી પ્રગતિ થઇ ગઈ છે?? હું માફી ચાહીશ જો કંઈ અજુકતું પૂછી રહ્યો હોઉં!!"
"અરે, જરાય નહિ!, ખરું કહું તો મને પોતાને પણ મારી સ્થિતિ કોઈ કોઈ વખત આભાસી લાગે! પણ જો તમને સમય હોય તો નિરાંતે જણાવું સઘળી હકીકતો."
"ઇન્ટરેસ્ટિંગ ફેકટ્સ માટે મારી પાસે ઘણો સમય છે મિ. મનોજ!"
"તો શરૂઆત કરીએ આ લાંબા અંતરની ટૂંકી ઘટના જેને મારા જીવનમાં અમૂલ પરિવર્તન આણ્યું,
મારી વ્યાવસાયિક કારકિર્દી ના શરૂઆતી તબક્કાની વાત છે . તે સમયે હું નવો નવો કોન્ટ્રાકટ લઈ ને કામે લાગી ગયેલો. શરૂઆતમાં ઘણો ઉત્સાહ હતો ને સાથે સાથે પ્રોજેકટ પણ ચેલેન્જિંગ. બસ બીજું શું જોઈએ મને આથી વિશેષ, દિવસ રાતની પરવા કર્યા વિના હું કામમાં પરોવાયેલો રહેતો. આખા દિવસની દોડધામ અને સાથે સાથે ઘરથી દૂર રહેવાના કારણે હું માત્ર વર્કઓહોલીક બનતો ગયો. માત્ર કામ અને કામ પૂરું થાય બાદ મળનારી રકમ એ મને લગભગ અનિમેશ બનાવી નાખ્યો. હવે ખાવા પીવામાં ય જીવ રહેતો નહોતો. નાની ઉંમરે મારે ઘણું બધું સાબિત કરી લેવું હતું. ને હું એમાં વ્યસ્ત બન્યો!"
"સોરી તમને ડિસ્ટર્બ કરું છું પણ આ ઓફિસમાં આ પોટ્રેટ કોનું છે? ખૂબ સરસ કંડારેલું છે!"
"બસ.. આજ તો છે એ માણસ જે મારા જીવનની દિશા બદલાવી ગયો!!"
"મતલબ?"
"એજ કે કામના ભારણના કારણે મારા સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું. મારો ખુશ ખુશાલ સ્વભાવ ધીમે ધીમે ચીડિયો થવા લાગ્યો. મને હવે ગુસ્સો પણ ઝડપી આવવા લાગ્યો! જાણે હું મારા પરનો કાબુ ગુમાવવા લ
ાગ્યો! ને છેલ્લે એન્ઝાઇટી!!"
"ઓહ... પછી??"
"મારે ત્યાં સબ કોન્ટ્રાકટથી બિલ્ડીંગના ફિનિશિંગનું કામ આપેલું એનો ઠેકેદાર મહેસાણાથી આવેલો. શરૂઆતમાં હું એને ખૂબ ધમકાવતો ને કામ અંગે એને ના બોલવાના શબ્દો બોલી નાખતો. એ મારાથી ડરતો ને શક્ય હોય ત્યાં સુધી મને મળવાનું ટાળતો. ના જાણે કેટલાય દિવસો સુધી એ મને મળ્યો જ નહીં. એક દિવસ મને ખુબ ગુસ્સો આવ્યો ને હું અધીરો થઈ એને શોધવા લાગ્યો. મનમાં તો હતું આજે એને સબક શીખવાડી દઉં. લાંબી શોધખોળ પછી એ મને મજૂરોના ઘર પાસે જોવા મળ્યો. એ દ્રશ્ય હજી મને યાદ છે.
એ એકદમ આનંદથી એક એક મજૂરના છાપરે જતો હતોને એમને હસીને મળતો જાણે એના પોતાના જ પરિવાર ને મળતો હોય એમ. તેમને મળે હાલ ચાલ પૂછે ને પાછો એમના ત્યાં ચા ને નાસ્તા માટે ય રોકાય. નાના બાળકોને રમકડાં, બિસ્કિટ આપે. મેં કેટલાક દિવસ સુધી આ દ્રશ્યનું અવલોકન કર્યું એ રોજ અલગ અલગ મજૂરના ઘરે આ રીતે જતો. હું એ પણ જોઈ શક્યો કે કામ દરમ્યાન દરેક મજૂર એક આદર અને પ્રેમભાવે તેના નિર્દેશોનું પાલન કરતા અને તેના કામમાં જાણે આનંદ થઈ પોતાને સમર્પિત કરતા. કામમાં પ્રગતિ પણ હતી ને આવા સંબંધો થઈ ઉષ્મા પણ. અને પછી મને આ નવી પદ્ધતિ જોઈને ઈર્ષ્યા થઈ. ક્યાં મારી ડિસ્ટ્રીકશનની ડિગ્રી, ક્યાં મારા ગ્રેડ ને ક્યાં મારા ઇજનેરી કૌશલ્યો. આ બધું હોવા છતાં મને બે ઘડીનું ચેન નથી, આનંદ નથી. ને આ મેહાણી. બસ આ ઘટનાએ મારા ઇજનેરી કૌશલ્યોનો અહમ ને સંબંધો સામે પાંગળો બન્યો. મારામાં ઋજુતા આવી ને સાથે સાથે પ્રગતિ પણ. આજે હું જે કાંઈ છું તે આ પરિવર્તનથી જ!!"
"ખૂબ સરસ મિ.મનોજ, બહુ ગ્રેટ સ્ટોરી છે તમારા અતીતની. આખો દેશ તમને તમારા વર્તમાનથી ઓળખે છે. પણ હવે તે તમારા આ અતીતને પણ જાણી જશે! બાય ધ વે? આ પોટ્રેટ? એનો ફોડ ના પડ્યો?"
"પેલો મહેસાણી!!!!!!!"