કડવી ચોકલેટ
કડવી ચોકલેટ
સમીરભાઈની નાનકડી ઢીંગલી હેત્વી, ખૂબ મીઠડી, જાણે મીઠી મધુરી ચોકલેટ જ જોઈ લો. ગોળ ચાંદા જેવો ચહેરો, ગોરો વાન અને મીઠી વાણી. જેની સાથે વાત કરે એને પોતાના વશમાં કરી લે. જ્યારે જુઓ ત્યારે ખિલખિલાટ હસતી જ હોય. ઘડીક વાર જંપીને બેસે નહીં. સમીર તો એને જોતાં ધરાય જ નહીં. સીમા તો ઘણી વખત સમીરને કહે પણ ખરી, "સમીર, તમે એને ટગર ટગર જોયા ન કરો. તમારી જ મીઠી નજર એને લાગી જશે." તેમ તેમ સમીર એને વધુને વધુ વહાલ કરતો જાય.
હું જ્યારે સમીરના ઘરે જાઉં ત્યારે એ નાનકડી ઢીંગલી માટે એને બહુ ભાવતી કેડબરી ચોકલેટ લેતો જાઉં. એ પણ મને વીંટળાયને પૂછે, "અંકલ, મારા માટે ચોકેટ લાયા ?"
હું કહું, "હા, લાયો છું પણ તું મને એક ચોકેટ આપ તો હું તને આપીશ." એટલે એ મારા બંને ગાલ પર મીઠી મધુરી પપ્પી કરી દે અને પૂછે, "બસ ?"
હું એને વહાલથી ભીંસી દઉં અને કહું, "બસ." એના હાથમાં ચોકલેટ આપું એટલે ખુશ થતી દોડી જાય.
એક દિવસ સમીરનો ગભરાટ ભર્યો ફોન આવ્યો, "મોહિત, જલદી ઘરે આવ. હેત્વી, હેત્વી..."
મેં પૂછ્યું, "શું થયું હેત્વીને ?" પણ કંઈ ન બોલતાં એનો અને સીમાનો રડવાનો અવાજ સંભળાયો. હું પણ ખૂબ ગભરાયો. તરત જ ગાડી લઈ સમીરના ઘરે પહોંચી ગયો. જોયું તો એના ફ્લેટ પાસે નાનકડું ટોળું જમા થઈ ગયું હતું. ભીડને કાપતાં મેં ઘરમાં પ્રવેશ કર્યો તો સીમાના ખોળામાં લોહીથી લથબથ હેત્વી પડી હતી. એના એક હ
ાથમાં ચોકલેટ હતી. કદાચ કોઈ નરાધમે ચોકલેટની લાલચ આપી નાનકડા ફૂલને પીંખી નાંખ્યું હતું.
ત્યાં તો પોલીસ અને એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી. પોલીસ પૂછપરછમાં ખબર પડી કે સવારના બિલ્ડીંગ કંપાઉન્ડમાં બધાં બાળકો સાથે રમતી હેત્વી અચાનક ન દેખાતાં બાળકોએ ઘરે સીમાને જાણ કરી. બધાં રહેવાસીઓ એકઠાં થઈ ગયાં. સમીર પણ ઑફિસથી આવી ગયો. શોધાશોધ કરતાં બિલ્ડીંગ પાછળના કચરાના ઢગલા પાસેથી આવી લોહીલુહાણ હાલતમાં હેત્વી મળી આવી. ત્યાંથી ઉંચકીને ઘરે આવ્યાં અને પોલીસને તથા મને ફોન કર્યો. ડૉક્ટરે તો ત્યાં જ તપાસ કરી કહી દીધું કે હેત્વી મૃત્યુ પામી છે પણ એનું પોસ્ટમોર્ટમ કરવું પડશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એના પર બળાત્કાર થયાનું આવ્યું. જો કે એ તો એની હાલત જોઈને જ ખબર પડી ગઈ હતી પણ સરકારી કામકાજ કોને કહે ?
એક નાજુક ફૂલને રહેંસી નાંખતા એ નરાધમનો જીવ કેમ ચાલ્યો હશે ? હજી સવાર સુધી પોતાના હાસ્યથી સૌને આનંદ પહોંચાડતી નાનકડી ઢીંગલી હતી ન હતી થઈ ગઈ. સૌના મોઢાનું હાસ્ય છીનવાઈ ગયું.
હવે મને સમીરના ઘરે જવાનું મન નથી થતું પણ એમના આગ્રહ પાસે મારું કંઈ ચાલતું નથી. હજી પણ એના ઘરે જતાં મારા કાનમાં ભણકારા વાગે છે, "અંકલ, મારા માટે ચોકેટ લાયા ?" એના ભણકારા વાગતાં જ અમારા ત્રણેની આંખમાંથી આંસુની ધાર વહી નીકળે છે. પણ હવે એ ચોકલેટ અમારા માટે મીઠી મધુરી નહીં પણ કડવી ચોકલેટ બની ગઈ છે.