કાયપો છે
કાયપો છે


આજે ઉત્તરાયણ..શિશિર વહેલો ઊઠીને ન્હાઈ ધોઈ ને સોફા પર બેઠો. એની નજર સામે દિવાલ પર માળા ચઢાવેલા તેની પત્ની ધાત્રીનો ફોટો જોયોઅને ઉદાસ થઈ ગયો. આજે એને આઠ વાગે એક એનજીઓની મદદ માટે વસ્ત્રાપુર લેક પાસે સેવ બર્ડઝના મદદ માટે જવાનું હોય છે. ફોટો જોઈ ને તેને આજથી દસ વર્ષ પહેલાંની વાત યાદ આવી. જ્યારે તે પહેલીવાર ઉત્તરાયણના દિવસે ધાત્રીને મળ્યો હતો.
આજથી દસ વર્ષ પહેલાં શિશિર નડીયાદમાં પવનચક્કી રોડ પરની એક સોસાયટીમાં રહેતો હતો. એને આ કોમર્સનું છેલ્લું વર્ષ હતું. એનો ખાસ મિત્ર વિજય તેની સાથે જ અભ્યાસ કરતો બાજુની સોસાયટીમાં રહેતો હતો. એ પણ ઉત્તરાયણનો દિવસ હતો. શિશિરની સોસાયટીમાં પતંગની મજા વધુ આવતી નહોતી. તેના મિત્ર વિજયે કહ્યું કે તેની માસી નડીયાદ શહેરમાં ગીચ એરિયામાં રહે છે ત્યાં ઉત્તરાયણનો આનંદ કંઈક વધુ આવે છે. શિશિર એ ઉત્તરાયણ વિજયની માસીના ઘરે કરવા તૈયાર થયો. વિજયે તેની માસી ને જાણ કરી તો તે ખુશ થઈ ને સાથે શિશિર ને લાવવા પણ જણાવ્યું. એ ઉત્તરાયણના દિવસે શિશિર અને વિજય માસીના ઘરે ગયા. માસીના ધાબા પર ઘણા વ્યક્તિઓ હતા. વિજયની માસીની દિકરી રૂપા અને તેની સખી ધાત્રી પણ હતી. શિશિરે એક નજરે ધાત્રીને જોઈ અને તેના વિશે જાણકારી મેળવવાની તાલાવેલી લાગી. શિશિર અને વિજય પતંગ ચગાવવા માંડ્યા. વિજય તેની માસીની દિકરી રૂપા પાસે શિશિરની વાત કરતો હતો અને આજે રૂપા એ શિશિરને જોયો તો તેને એક નજરમાં ગમી ગયો. રૂપા કોઈ ને કોઈ બહાનું કરીને શિશિર પાસે આવતી. ધાત્રી આ બધું જોતી. એ દિવસથી વિજય, શિશિર, રૂપા અને ધાત્રી વચ્ચે મિત્રતા બનતી ગઈ.
એક દિવસની વાત છે કોલેજથી પાછા આવતા શિશિર ધાત્રી ને લઈ ને બાઈક પર આવતો હતો. એ વખતે બાઈકના પાછલા વ્હીલમાં ધાત્રીનો દુપટ્ટો ભરાઈ ગયો અને જોરથી પટકાઇ. શિશિરે બાઇક ઉભી રાખી ને તરતજ ધાત્રીની પાસે દોડ્યો. ધાત્રી ને ઘણું વાગ્યુ હતું તરત જ નજીકની હોસ્પિટલમાં લઇ ગયો અને તાત્કાલિક સારવાર આપી. તે દિવસથી શિશિર અને ધાત્રી વચ્ચે પ્રેમનો પતંગ ચડવા માંડ્યો અને ત્રણ વર્ષ પછી શિશિરને અમદાવાદ એક સારી કંપનીમાં જોબ મળી અને અમદાવાદ આવી ગયો અને બીજા બે વર્ષ પછી ધાત્રી સાથે લગ્ન કરી લીધા. શિશિરે અને ધાત્રીના સુખી સંસારને એક દિવસ નજર લાગી. શિશિરને આજે ધાત્રી વધુ યાદ આવી રહી છે. બરાબર એક વર્ષ પહેલાંની ઉત્તરાયણના એક દિવસ પહેલા ધાત્રી સવારે એક્ટીવા પર ઓફિસ જતી હતી. તેજ વખતે પતંગની ચાઈનીઝ દોરી એના ગળે લપેટાઈ ગઈ અને એ જઈને એક્ટીવા સાથે પડી, એની ધોરી નસ કપાઈ અને હોસ્પિટલમાં પ્રાણપંખેરું ઉડી ગયું. એ દિવસથી શિશિરે નક્કી કર્યું કે પતંગ દોરી ચડાવવી નહીં.. અને.. ઉત્તરાયણ પર સમાજ સેવામાં..સેવ બર્ડ્ઝના કામ માં મન પરોવાઇ ને તેની ધાત્રીના આત્મા ને શાંતિ મલે એવું કરવું.