STORYMIRROR

Shalini Thakkar

Drama Others

3  

Shalini Thakkar

Drama Others

કાશ

કાશ

4 mins
188

"કાશ ! બે દિવસ પહેલા મધરાતે અઢી વાગે આવેલો એનો ફોન ઉચકીને એની સાથે વાતો કરી હોત. કદાચ એને કંઈક કહેવું હશે. દિલની કોઈ વાત કરીને પોતાનું મન હળવું કરવું હશે. અને મેં એને હંમેશની જેમ જ નશામાં હશે અને બક્વાસ કરીને મારી ઊંઘ બગડશે એમ વિચારીને'કાલે સવારે વાત કરીશું'કહીને ફોન મૂકી દીધો હતો". સફેદ કુર્તા પાયજામામાં હાર પહરેલા અજયના ફોટા સામે બેસીને એની પ્રાર્થના સભામાં હાજર રહેલો એનો કઝિન અમિત મનોમન વિચારી ને દુઃખી હતો. બધું એટલું અચાનક થઈ ગયું કે પરિવારના સભ્ય માટે એ સ્વીકારવું અઘરું હતું કે અજય આ દુનિયામાં નથી રહ્યો. ગઈ કાલે સવારે એણે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, એ વાત ગળે ઉતારવી બધા માટે કપરી હતી. પ્રાર્થના સભામાં પહેલી હરોળમાં સફેદ સાડી પહેરીને બેઠેલી અજયની નાની બહેન અંકિતા અંદર અંદર ડુસકા ભરી રહી હતી. ઘણા દિવસથી અજય એને ફોન કરીને કહેતો કે થોડી નિરાંત લઈને એક વાર મને મળવા આવ. તારી સાથે ઘણી બધી વાતો કરવી છે. પણ અંકિતાએ નશામાં રહેતા એના ભાઈ અજયની વાત ને ગંભીરતાથી ન લીધી. જેનો એનો અફસોસ થઈ રહ્યો હતો."કાશ, એકવાર પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને એને મળવા આવી હોત. નાનપણથી એક હું જ તો હતી, જેની સાથે બધી જ દિલની વાત કરતો અને પોતાનું મન હળવું કરી લેતો. પછી આમ ઉંમર વધતાં અચાનક શું થઈ ગયું ? કેમ મે એની વાતને ગંભીરતાથી ન લીધી. જતાં જતાં મને એનો ગુનેગાર બનાવી ગયો."આંખમાં આંસુ સાથે અંકિતા વિચારી રહી હતી.

અજયના પિતા એને હંમેશા ડોક્ટર બનાવવા માંગતા હતા. પરંતુ અજયને એમાં રસ ન હતો. પરંતુ એના પિતાએ એને એની મરજી વિરુદ્ધ જબરજસ્તી ડોક્ટર બનાવ્યો હતો. એ સ્વભાવે મહત્વકાંક્ષી તો હતો પરંતુ એ મહત્વકાંક્ષા ભૌતિક સુખ મેળવવાની ન હતી પરંતુ બીજાની નિ:સ્વાર્થ સેવા કરવાની મહત્વકાંક્ષા હતી. માટે એ ડોક્ટર તો થયો પરંતુ સ્વભાવથી બિલકુલ 'પ્રોફેશનલ'ન હતો. સ્વભાવે એક સેવાભાવી અને અલગારી આત્મા હોવાથી એ ઝુપડપટ્ટીમાં જઈને ગરીબ લોકોની મફત સારવાર કરતો. પોતાના તબીબી જ્ઞાન નો ઉપયોગ એ પોતાની અંગત પ્રગતિ માટે કરવાને બદલે નિ:સહાય લોકોની નિ:સ્વાર્થ સેવા માટે કરતો. આજ કારણથી એની કમાણી ખૂબ જ ઓછી હતી અને એના ઘરમાં હંમેશા કંકાસ થતો અને પ્રેક્ટીકલ સ્વભાવના એના પિતા સાથે એનો મતભેદ થતો. એમની દ્રષ્ટિએ અજય એક નિષ્ફળ ડોક્ટર હતો. પોતાના વિચારોથી હંમેશા અસહમત રહેતા એના પિતાના વ્યવહારથી એ હંમેશા દુઃખી રહેતો. અને એની પ્રેમાળ માતા, પિતા અને પુત્રના વચ્ચે થતા ઘર્ષણ નો ભોગ બનતી. પોતે પોતાના માતા-પિતાને અને પરિવારને કોઈ સુખ નથી આપી શકતો એનો એના મન માં હમેશા વસવસો રહેતો. ઘરમાં હંમેશા રહેતી આર્થિક ભીંસને કારણે પત્ની સાથે પણ એનો અણબનાવ થતો. 'કેમ માણસ જેવો છે એવો એને સ્વીકારવામાં નથી આવતો ? શું દરેક સંબંધમાં સ્વાર્થ હોય છે ? જો સામેવાળાના માપદંડમાં આપણે બંધ બેસીએ તો જ આપણે સફળ પુત્ર કે સફળ પતિનું લેબલ મળે. આપણા માટે રહેલી એમની અપેક્ષાઓ ના દાયરા માં જો આપણે બંધ ના બેસતા હોઈએ તો શું એ સંબંધનો કોઈ મૂલ્ય નહીં ? તમારા મનમાં રહેલી એમના તરફથી સાચી લાગણીઓનું શું કોઈ મોલ નહીં ?" એ વિચાર અજયના મનને હંમેશા સતાવતો જેનો જવાબ ક્યાંથી ના મળતા એ પોતાનું મન હળવું કરવા માટે દારૂના નશા તરફ ધકેલાયો અને ધીરે ધીરે એમાં ડૂબતો ગયો. એક સાચો હીરો પણ જીવનભર એને પારખનાર કોઈ જોહરી ના મળ્યો અને એ વસવસાં સાથે નશામાં ધૂત રહેતા અજયએ એક દિવસ નિરાશામાં હતાશ થઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું. અને હવે એની પ્રાર્થના સભામાં લોકોની ભીડમાં માત્ર'કાશ..…પહેલા આમ કર્યું હોત તો...'જેવા અફસોસ રહી ગયો હતો. પોતાની નજર સામે પોતાના જુવાન પુત્ર ને ગુમાવી ચૂકેલી એક માનું તો સર્વસ્વ લૂંટાઈ ગયું હતું."કાશ પિતા સાથે જ્યારે એનો મતભેદ થતો ત્યારે મેં એને ટેકો આપ્યો હોત. હું તો એકમાં હતી ને. તો પણ એને ના સમજી શકે. મારાથી કેવી રીતે આ અનર્થ થઈ ગયો. કાશ એના જીવતે જીવ હું એને સમજી શકી હોત !"ફોટાની સામે બેઠેલી એક માં કલ્પાંત કરી રહી હતી. અજયના ફોટાની બરાબર પાસે બેઠેલા એના પિતા પાસે તો પસ્તાવો કરવા માટે કોઈ શબ્દ ન હતા. એક હીરા જેવા હૃદય ધરાવતા પુત્રને ગુમાવ્યાનો એહસાસ ત્યારે થયો જ્યારે એની ગેરહાજરીમાં એની પ્રાર્થના સભામાં હાજર રહેલા એના ચાહક ગરીબ દર્દીઓનો કલ્પાંત સાંભળ્યો.

"મારા માટે તો ડોક્ટર અજય ભગવાન હતા. મારા જુવાન છોકરા નો જીવ એમણે મફત સેવા આપીને બચાવ્યો હતો. મારા માથા પરથી તો ભગવાનનો હાથ ખસી ગયો."દર્દીઓની ભીડમાંથી કોઈ બોલી રહ્યું હતું. તો વળી કોઈ નો આક્રાંદ સંભળાતો,"ડોક્ટર અજય તો ઈન્સાન ના રૂપમાં ભગવાન હતા. અડધી રાતે પણ કોઈ સંકટના સમયે અમારી વસ્તીમાં આવીને લોકોને મફત સેવાઓ આપતા. આ વ્યક્તિ તો શોધવા નીકળીએ તો પણ ના મળે. અમને તો જીવતેજીવ એમનામાં ભગવાનના દર્શન થઈ ગયા હતા."ચારે બાજુથી અજયના ગરીબ દર્દીઓ પાસેથી અજયની યશગાથા સાંભળીને એના લાચાર પિતા ભાંગી પડ્યા,"હું મારા પુત્રને ઓળખી ન શક્યો. ભગવાન મને માફ કરી દે. કાશ ! એના માથા પર એકવાર પ્રેમથી હાથ ફેરવીને એને કહ્યું હોત કે બેટા તું ફેલીયર નથી. તું અલગ છે. લોકોને ભીડથી એકદમ અલગ. મને તારા પર ગર્વ છે."

ખૂણામાં સૂનમૂન થઈને પોતાના પાંચ વર્ષના દીકરાને ખોળામાં લઈ ને બેસેલી અજયની વિધવા અજયના ફોટા સામે તાકી રહી હતી. "અજય દારૂ છોડી દે એના માટે મેં કેટલી બાધા અને માનતા રાખી હતી. પરંતુ એના મનને હું ક્યારેય ન સમજી શકે. કાશ હું એમના મનની વાત સમજી શકી હોત ! હું એક નિષ્ફળ પત્ની સાબિત થઈ. દેવતા જેવા માણસને ના સમજી શકે..”

હાર ચડાવેલો અજયનો મૂક ફોટો જાણે કહી રહ્યો હતો કે કાશ આમાંથી કોઈ એક વ્યક્તિ પણ મને સમજી હોત તો હું આજે એમની સાથે હોત.

કાશ ! માણસની કિંમત એના જીવતેજીવત સમજી શકાતી હોત. ફક્ત એના ગયા પછી જ એની જગ્યાએ શૂન્યાવકાશ સર્જાય ત્યારે જ એનો હોવાનું શું મહત્વ હતું એ સમજાય છે. 


Rate this content
Log in

Similar gujarati story from Drama